નવી દિલ્હીઃ ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (‘એઇમ્સ’)ના ડો. દિવાકર વૈશ્યે વિશ્વનું સૌથી નાનું વેન્ટિલેટર વિકસાવ્યું છે. આ વેન્ટિલેટર ખિસ્સામાં સમાઈ જાય તેવું છે. તેમાં ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડતી નથી અને તેની કિંમત પણ એકદમ વાજબી છે. આ મશીનની કિંમત માત્ર ૧૫થી ૨૦ હજાર રૂપિયા છે. ડોક્ટર દિવાકરે આ મશીનની પેટન્ટ કરાવવા તૈૈયારી શરૂ કરી છે. દિવાકર આ અગાઉ માઇન્ડથી કન્ટ્રોલ થતી વ્હીલ ચેર, થ્રી-ડી પ્રિન્ટેડ રોબોટ અને ડાન્સિંગ રોબોટ પણ બનાવી ચૂક્યા છે.
તેમનું કહેવું છે કે વિશ્વનું સૌથી નાનું વેન્ટિલેટર ચલાવવું ઘણું સરળ છે. તેને કોઈ પણ વ્યક્તિ પોતાની જરૂરિયાત પ્રમાણે ઘરે પણ ઉપયોગમાં લઈ શકે છે. આ વેન્ટિલેટરમાં જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હોય તેમના ગળામાં એક સ્થાયી ટ્યુબ નાખવામાં આવે છે. તે ટ્યુબને પોર્ટેબલ વેન્ટિલેટર સાથે જોડી દેવાય છે.
ડો. દિવાકર કહે છે કે આ વેન્ટિલેટર વીજળીથી ચાલે છે. વેન્ટિલેટરમાં લાગેલા પ્રેશર સેન્સરથી દર્દી જરૂરિયાત મુજબ શ્વાસ લે છે અને છોડે છે. આ વેન્ટિલેટરથી એવા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા મળી શકે છે કે જેઓ લાંબા સમયથી વેન્ટિલેટર પર છે. તેમના માટે આ બહુ રાહતજનક શોધ છે.