નવી દિલ્હીઃ ક્રાંતિકારી અને કઠોર પ્રવચનને કારણે જાણીતા દિગંબર જૈન મુનિ સંત તરુણસાગરજી મહારાજ ૫૧ વર્ષની વયે કાળધર્મ પામ્યા છે. છેલ્લા લાંબા સમયથી કમળાની બીમારીથી પીડાતા તરુણસાગરજી મહારાજે પહેલી સપ્ટેમ્બરે પૂર્વ દિલ્હીમાં કૃષ્ણનગરમાં રાધાપુરી જૈન મંદિર અંતિમ શ્વાસ લીધાં હતાં. બાદમાં ગાઝિયાબાદનાં મુરાદનગરમાં ‘તરુણસાગરમ્ આશ્રમ’માં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર વખતે નામાંકિત મહાનુભવો અને ભાવિકો ભક્તો સહિતની અભૂતપૂર્વ માનવમેદની ઊમટી હતી. સામાજિક મુદ્દાઓ પર તેઓ ભારે કટાક્ષ સાથે પ્રકાશ પાડવા માટે જાણીતા હતા.
‘કડવે પ્રવચન’ દ્વારા સમાજને સંદેશ
દિગંબર જૈન મુનિ તરુણસાગરજી ‘કડવે પ્રવચન’ નામથી સમાજને સંદેશા આપતા હતા. સમાજ અને રાષ્ટ્રજીવનની ઘટમાળાઓ અંગે તેઓ કઠોર શબ્દોમાં અભિપ્રાય આપતા હતા. તો જે તે સામાજિક મુદ્દે તેઓ સલાહસૂચન પણ આપતા હતા. તેમને કમળો થયા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની તબિયતમાં સુધારો ન આવતાં તેમણે સારવાર લેવી બંધ કરી હતી.
દિલ્હીના રાધાપુરા મંદિરમાં સંથારો
છેલ્લા દિવસોમાં તેઓ દિલ્હીનાં રાધાપુરી જૈન મંદિરમાં સંથારો કરી રહ્યા હતા. સંથારો એ જૈનધર્મની એવી પરંપરા છે કે જેમાં સંતો મૃત્યુ સુધી અનાજ અને જળનો ત્યાગ કરે છે. મધ્ય પ્રદેશમાં દમોહા ગૃહજીમાં ૨૬ જૂન ૧૯૬૭માં જન્મેલા તરુણસાગરજીનું સાંસારિક નામ પવનકુમાર જૈન હતું. જૈન સંત બનવા માટે તેમણે ૮ માર્ચ ૧૯૮૧ના રોજ ઘર છોડી દીધું હતું. તે વખતે તેમની ઉંમર ૧૩ વર્ષની હતી. એ પછી ૨૦ વર્ષે તેમણે દિગંબર જૈન મુનિ તરીકે દીક્ષા ધારણ કરી હતી.
જલેબી ખાતાં મુનિ બન્યા
તરુણસાગરજી ૬ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી વખતે જલેબી ખાતાં ખાતાં જૈન મુનિ બની ગયા હતા. તેઓ સંત કેવી રીતે બન્યા એ વિશે નિરુપણ કરતાં તેમણે કહ્યું હતું કે, એક દિવસ હું શાળાએથી ઘરે જઈ રહ્યો હતો. મને જલેબીઓ બહુ પસંદ હતી. હોટલમાં બેસીને હું જલેબી ખાઈ રહ્યો હતો. નજીકમાં આચાર્ય પુષ્દનસાગરજી મહારાજનું પ્રવચન ચાલતું હતું. તેઓ કહેતા હતા કે, ‘તુમ ભી ભગવાન બન સકતે હો’ આ વાત મારા કાનમાં ગૂંજી ઊઠી અને દિમાગમાં ઘર કરી ગઈ. એ પછી મેં સંત પરંપરા અપનાવી લીધી હતી.
દેશે સન્માનીય સંત ગુમાવ્યાઃ રાષ્ટ્રપતિ
તરુણસાગરજીના દેહાંત પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કરતાં ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું કે, દેશે એક સુશિક્ષિત અને સન્માનીય સંત ગુમાવ્યા છે. તેમના હજારો અનુયાયીઓ પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે મુનિ તરુણસાગરજીનાં અકાળે અવસાનથી ઘણું દુઃખ થયું છે. તેમના ઊંચા આદર્શો અને સમાજ પ્રત્યે તેમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. તેમના વિચારો પ્રેરણાદાયી હતા. જૈન સમુદાય ને તેમના અસંખ્ય અનુયાયી પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
તરુણસાગરજીનાં કડવે પ્રવચન
• ભલે ઝઘડો થાય. માર ખાઈ લેજો, પણ બોલચાલ બંધ ન કરતાં કારણ કે બોલચાલ બંધ થતાં ઉકેલના તમામ દરવાજા બંધ થઈ જાય છે.
• મા-બાપ હોવાના નાતે સંતાનને ખૂબ ભણાવજો અને ખૂબ લાયક બનાવજો, પરંતુ એટલા પણ લાયક ન બનાવતાં કે આવતીકાલે એ મા-બાપને નાલાયક સમજવા લાગે.
• લક્ષ્મી પૂજાને લાયક તો છે, પણ ભરોસાને લાયક ક્યારેય નથી. લક્ષ્મીની પૂજા કરજો પણ તેના પર ભરોસો ન કરતાં. ભગવાનની પૂજા ભલે ન કરો, પરંતુ ભગવાન પર ભરોસો દરેક સ્થિતિમાં રાખજો.
• તમારે કારણે કોઈની આંખમાં આંસુ આવે એ સૌથી મોટું પાપ છે. મૃત્યુ બાદ લોકો તમારા માટે રડે એ સૌથી મોટું પુણ્ય છે.
• જિંદગીમાં એવું કામ કરો કે મૃત્યુ બાદ તમારા આત્માની શાંતિ માટે અન્ય કોઈને પ્રાર્થના ન કરવી પડે. કારણ કે અન્ય દ્વારા કરેલી પ્રાર્થના ક્યારેય કામમાં નથી આવતી.
• જીવતો માણસ જ હસી શકે છે. મૃત્યુ પામેલાઓ ક્યારેય હસી નથી શકતા. શ્વાન ઇચ્છે તો પણ હસી નથી શકતા. હસવું માત્રને માત્ર માણસના ભાગ્યમાં લખેલું છે. જીવનમાં સુખ આવે તો હસી લેવું અને દુઃખ આવે તો હસીને ઉડાવી દેવું.
• પરિવારના કોઈ પણ માણસને તમે ક્યારેય બદલી નથી શકતા. તમે પોતાની જાતને જ બદલી શકો. એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. સમગ્ર દુનિયાને ચામડાંથી ઢાંકવી એ તમારી ક્ષમતાની વાત નથી. તમારા પગમાં પગરખાં પહેરો અને નીકળી પડો પછી સમગ્ર દુનિયા ચામડાંથી ઢંકાયેલી લાગશે.
• મંદિર અને સત્સંગમાંથી ઘરે આવો ત્યારે પત્નીને લાગવું જોઈએ કે કંઈક બદલાયેલી સરકાર નજરે ચડી છે.
• જ્યારે તમારા મા-બાપ ખિજાય તો ખોટું ન લગાડતા. વિચારજો કે ભૂલ થશે તો મા-બાપ નહીં ખિજાય તો કોણ ખિજાશે?
• માણસોને પ્રેમથી જીતો તો જ તમે સફળ. તલવારના જોરે તમે જીત મેળવી શકો પ્રેમ નહીં.