‘કબૂતરબાજી’ના કેસમાં દલેર મહેંદીને બે વર્ષની કેદ

Friday 22nd July 2022 07:38 EDT
 
 

‘કબૂતરબાજી’ તરીકે ઓળખાવાતા માનવ તસ્કરીના કેસમાં જાણીતા સિંગર દલેર મહેંદીને પટિયાલા સેશન્સ કોર્ટે બે વર્ષ કેદની સજા ફટકારી છે. દલેર મહેંદી સામે કબૂતરબાજી કરીને લોકોને વિદેશમાં ગેરકાયદે ઘૂસાડવાનો આરોપ મૂકાયો હતો. બોલિવૂડ અને પંજાબી સિંગર દલેર મહેંદી સામે 2003માં માનવ તસ્કરીનો કેસ દાખલ થયો હતો. ગાયક સામે 30થી વધુ માનવ તસ્કરીનો આરોપ છે. પોતાના શો મારફતે ભારતમાંથી લોકોને વિદેશ લઈ જતા હતા અને પછી એ લોકો ત્યાં જ રોકાઈ જતા હતા. અગાઉ 2018માં નીચલી કોર્ટે પણ દલેહ મહેંદીને આ જ કેસમાં બે વર્ષની સજા ફટકારી હતી, પરંતુ તેણે સેશન્સ કોર્ટમાંથી જામીન મેળવ્યા હતા. તેણે ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. ત્રણ વર્ષથી ઓછી સજા હોવાથી કોર્ટે તેને જામીન આપ્યા હતા. કેસ છેલ્લાં ચાર વર્ષથી સેશન્સ કોર્ટમાં ચાલતો હતો. સજા ફરમાવાયા બાદ તરત જ પોલીસે તેની ધરપકડ કરી હતી. પંજાબી સિંગર પટિયાલા સેન્ટ્રલ જેલમાં બે વર્ષની સજા પૂરી કરશે. આ જ જેલમાં ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધુ પણ જેલની સજા કાપે છે. કબૂતરબાજીના આરોપમાં સિંગર દલેર મહેંદીના ભાઈ શમશેર સિંહ પણ આરોપી છે. બન્ને ભાઇઓ સામે 2003માં સૌથી પહેલો કેસ દાખલ થયો હતો. બખ્તશીશ સિંહ નામના શખસે બંને ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter