‘કમ્પલીટ મેન’ના નિર્માતા સિંઘાનિયાની અલવિદાઃ 67 વર્ષની વયે હોટ એર બલૂનથી ઇતિહાસ રચ્યો હતો

Wednesday 01st April 2026 08:29 EDT
 
 

મુંબઇઃ ભારતની વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા રેમન્ડ ગ્રૂપના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું લાંબી બીમારી બાદ 87 વર્ષની વયે નિધન થયું છે. ટ્રેઇન્ડ પાઇલટ વિજયપત સિંઘાનિયાએ 1980માં રેમન્ડ ગ્રૂપને માત્ર નેતૃત્વ જ પૂરું નહોતું પાડ્યું, પરંતુ તેને આગવી ઓળખ સાથે શિખર સુધી પહોંચાડયું હતું. તેમણે ગ્રૂપને માત્ર કાપડ મિલ સુધી સીમિત રાખ્યું નહીં. તેમની લીડરશીપમાં રેમન્ડ ગ્રૂપે સ્ટીલ, ડેનિમ અને ઊનના કપડાં બજારમાં ક્રાંતિ લાવી હતી.
તેમણે પાર્ક એવન્યુ જેવી બ્રાન્ડ લોન્ચ કરી અને રેમન્ડને ‘ધ કમ્પલીટમેન’ ટેગલાઇન સાથે વિશેષ ઓળખ આપી. તેમના એડ કેમ્પેઇનના કારણે ભારતીય પુરુષોના પોશાક પહેરવાની રીતમાં પરિવર્તન આવ્યું હતું તેમ કહેવામાં અતિશ્યોક્તિ નથી. એક નાની મિલથી શરૂ થયેલી કંપની આજે રૂ. 12,000 કરોડનું વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું. 12 વર્ષની વયે તેમના લગ્ન નવ વર્ષની આશા સિંઘાનિયા સાથે નક્કી થયા.
1988માં તેમણે માઇક્રોલાઇટ વિમાનમાં લંડનથી દિલ્હી સુધી 23 દિવસમાં 9,655 કિમી ઉડાન ભરીને એન્ડ્યુરન્સનો રેકોર્ડ બનાવ્યો. ઉડ્ડયનમાં તેમના યોગદાન માટે પદ્મભૂષણ ખિતાબથી સન્માનિત થયા. 2005માં 67 વર્ષે તેઓ મુંબઈથી હોટ એર બલૂન ઉડાવી 69 હજાર ફૂટની ઊંચાઈએ પહોંચ્યા, જે એક વિશ્વવિક્રમ હતો.
જીવનશૈલી ભવ્ય, પણ અંતિમ દિવસો પીડાદાયક
વિજયપત સિંઘાનિયાની જીવનશૈલી એક સમયે ખૂબ જ ભવ્ય હતી. તેઓ મુંબઈના મલબાર હિલમાં સ્થિત 37 માળના જેકે હાઉસમાં રહેતા હતા. વ્યવસાયને વિસ્તારવા માટે તેમણે 2015માં પુત્ર ગૌતમ સિંઘાનિયાના નામ પર કંપની કરી દીધી હતી અને 37 ટકા હિસ્સેદારી તેને આપી દીધી હતી. જોકે ટૂંક સમયમાં સ્થિતિ બદલાઈ ગઈ અને તેમને મેનેજમેન્ટમાંથી સાવ જ બાજુએ મૂકી દેવાયા હતા. કરારના ભાગરૂપે તેમને જેકે હાઉસમાં ફ્લેટ મળવાનો હતો, પણ પુત્રે એ પણ આપવાનો ઇનકાર કરી દીધો હતો. 2017માં તેઓ ભાડાના ઘરમાં રહેવા મજબૂર થયા. તેમણે લોકોને અપીલ કરી હતી કે મૃત્યુ પહેલાં પોતાની સંપત્તિ સંતાનોને ન આપો. વિજયપત સિંઘાનિયાની આ અપીલ દેશમાં ખાસ્સી ચર્ચાસ્પદ બની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter