‘કાશ્મીરને વિકાસશીલ અને આધુનિક રાજ્ય બનાવશું’ઃ અમિત શાહ

Wednesday 07th August 2019 07:39 EDT
 
 

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦ અને કલમ ૩૫એને રદ કરતા જમ્મુ એન્ડ કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન બિલને રાજ્યસભામાં રજૂ કર્યા બાદ ચર્ચાનો જવાબ આપતા ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે અમે કાશ્મીરને વિકાસશીલ અને આધુનિકમાં આધુનિક રાજ્ય બનાવીશું. વિરોધ પક્ષની આશંકાઓને દૂર કરતાં શાહે કહ્યું હતું કે કાશ્મીરમાં સ્થિતિ સુધરતાં જ તેને ફરી સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અપાશે. રાજ્યને કાયમ માટે કેન્દ્રશાસિત પ્રદેશ રાખવામાં આવશે નહીં.
ગૃહ પ્રધાને કહ્યું હતું કે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય કરવા અમે સરકારને મદદ કરીશું. હવે કાશ્મીર સાચી રીતે ભારતનું અભિન્ન અંગ બનશે. આ માટે આપણે સૌ સાથે મળીને કામ કરીશું. જે પક્ષો અમારી સાથે નહોતા રહ્યા તેમણે પણ આજે અમારી સાથે રહીને બિલને પાસ કરાવવા મત આપ્યા છે. ગૃહમાં સર્વસંમતિથી સંકલ્પ પત્રનું સૌએ સમર્થન કરવું જોઈએ.

હવે આતંકનો અંત આવશે

શાહે કહ્યું હતું કે કલમ ૩૭૦ના કારણે રાજ્યના યુવાનોને કેટલાક લોકોએ ભ્રમિત કર્યા છે. પાકિસ્તાને તેનો ફાયદો ઉઠાવ્યો છે. ૧૯૮૮માં પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ જનરલ ઝીયા ઉલ હકે કહ્યું હતું કે જ્યાં સુધી કલમ ૩૭૦ છે ત્યાં સુધી કાશ્મીરના યુવાન ભારતના આત્મા સાથે જોડાઈ શકશે નહીં. શાહે કહ્યું હતું કે ૧૯૮૯થી ૨૦૧૮ સુધીમાં રાજ્યમાં થયેલી હિંસામાં ૪૧,૮૪૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ૩૭૦ના કારણે થયું છે. કલમ ૩૭૦ હટાવાતા રાજ્યમાં આતંકવાદનો અંત આવશે.

ત્રણ પરિવારે રાજ્યને લૂંટ્યું

કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે પૂછ્યું કે કાશ્મીરમાં યુદ્ધ જેવી હાલત કેમ છે? માજી મુખ્ય પ્રધાન નજરકેદ કેમ છે? આઝાદે કહ્યું કે કાશ્મીર જો આપણા દેશનું માથું છે તો સરકારે તેને કાપીને અલગ કરી દીધું છે. એક રાજ્યનો ઇતિહાસ મટી ગયો છે. ભાજપે બંધારણની હત્યા કરી છે. જોડાણ કાયદાથી નહીં દિલથી થાય છે. કલમ ૩૭૦એ કાશ્મીરને ત્રણ વિસ્તારમાં બાંધી રાખ્યું હતું. ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે ૩૭૦ હટાવવામાં એક સેકન્ડનો પણ વિલંબ કરવો જોઈએ નહીં. ૩૭૦ની આડમાં ત્રણ પરિવારોએ જમ્મુ-કાશ્મીરને લૂંટ્યું છે. ૩૭૦ જમ્મુ-કાશ્મીરને ભારત સાથે જોડે છે તેવા વિપક્ષના નેતા આઝાદના દાવાનો જવાબ આપતા શાહે કહ્યું હતું કે આ સાચું નથી. એણે તો દેશને તોડવાનું કામ કર્યું છે.

પરિવર્તનના ફાયદા ગણાવ્યા

ગૃહ પ્રધાને કહ્યું હતું કે શું જમ્મુ-કાશ્મીરને કટ્ટરવાદીઓના હવાલે છોડી દેવું જોઈએ? રાજ્યના યુવાનોને સારું શિક્ષણ મળવું જોઈએ, વિકાસ મળવો જોઈએ, મેડીકલ અને ટુરિઝમ વધી શકે છે. ત્યાં રોજગાર વધારવા આપણે રોકાણ કરવું પડશે. આ માટે ૩૭૦નો કાંટો કાઢવો જરૂરી હતો. સંસદમાં મંજૂર કરાતા કાયદા અને સરકારી યોજનાનો લાભ અહીંના લોકોને મળતો નહોતો હવે મળશે. શાહે કહ્યું કે વિપક્ષી નેતા આઝાદ કહેતા હતા કે જમ્મુ-કાશ્મીરના લોકોના આંતરરાજ્ય લગ્ન થવા માંડ્યા છે પણ સવાલ એ છે કે ત્યાંની દીકરી બીજા રાજ્યના છોકરા સાથે લગ્ન કરે તો તેનો સંપત્તિનો, નાગરિકત્વનો હક છીનવાઈ જાય છે. હવે કોઈ સરકાર તેનો મૌલિક અધિકાર છીનવી શકશે નહીં.

પીડીપી સાંસદે કપડાં ફાંડ્યાં

શાહે સંકલ્પ પત્ર રજૂ કર્યું તે સાથે જ ગૃહમાં ધમાલ શરૂ થઈ ગઈ હતી. પીડીપીના બે સાંસદોએ સરકારના પ્રસ્તાવના વિરોધમાં રાજ્યસભામાં બંધારણ ફાડવાનો પ્રયાસ કર્યો. રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ માર્શલ બોલાવીને બન્નેને બહાર મોકલી દીધા. જતાં જતાં સાંસદ એમ. એમ. ફૈયાઝ અને નાઝિર અહેમદે પોતાના કપડાં પણ ફાડી નાંખ્યા. આ ઉપરાંત સીપીએમના ટી. કે. રંગરાજને કહ્યું કે આ કાળો દિવસ છે. સરકારે જમ્મુ-કાશ્મીર અને લદાખના લોકોની સલાહ લીધી નથી. એક રીતે સરકાર પેલેસ્ટાઈન બનાવવા જઈ રહી છે.

લોકસભામાં ધમાલ

જમ્મુ-કાશ્મીર મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે જવાબની માંગણી કરતા લોકસભામાં વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને અધ્યક્ષ સમક્ષ ધરણાં પર બેસી ગયા હતા. કાર્યવાહી શરૂ થતાં જ ગૃહમાં કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરીએ કહ્યું કે આ મુદ્દે મોદીએ જવાબ આપવો જોઈએ. ત્યાર પછી ડીએમકે, નેશનલ કોન્ફરન્સ, સીપીઆઈ અને સપાના સભ્યો સ્પીકરની નજીક પહોંચી જઈ સૂત્રોચ્ચાર કરવા માંડ્યા. તેમણે વડા પ્રધાન જવાબ આપે અને તાનાશાહી નહીં ચલેગી એવા સૂત્રોચ્ચાર કર્યા. આ સમયે રાહુલ ગાંધી ટીએમસીના સૌગધ રાય, કલ્યાણ બેનર્જી વગેરે નેતાઓ સાથે ચર્ચાઓ કરતા જોવા મળ્યા. ગૃહમાં સોનિયા ગાંધી પણ હાજર હતા. તેઓ શશી થરૂર સાથે ચર્ચા કરતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter