‘ચાંદામામા’ના ચિત્રકાર કે.સી. શિવશંકરનું નિધન

Friday 09th October 2020 16:08 EDT
 
 

ચેન્નઈઃ એક સમયના લોકપ્રિય બાળ સામાયિક ‘ચાંદામામા’ના ચિત્રકાર કે. સી. શિવશંકરનું ૯૭ વર્ષની વયે નિધન થયું હતું. ‘ચાંદામામા’ સાામાયિકની મૂળ ટીમના તેઓ છેલ્લા સભ્ય હતા. બાળ સામાયિક ‘ચાંદામામા’ ૧૯૪૭માં તેલુગુ ભાષામાં શરૂ થયું હતું. એક તબક્કે વિવિધ ૧૨ ભાષામાં પ્રગટ થયું હતું. છેવટે વાચકોના અભાવે ૨૦૧૩માં એ બંધ થયું હતું.
વિવિધ બાળવાર્તાઓ પૈકી તેમાં આવતી વિક્રમ-વૈતાળની સિરીઝ ભારે લોકપ્રિય હતી. એ વિક્રમ-વૈતાળના ચિત્રો કે. સી. એ તૈયાર કર્યા હતા.
કે.સી. ૧૯૫૨માં સામાયિક સાથે જોડાયા હતા અને ૨૦૧૨માં સામાયિક બંધ કરવાનો નિર્ણય લેવાયો ત્યાં સુધી તેમાં જ કાર્યરત હતા.
તમિલનાડુના ઈરોડ જિલ્લાના નાના ગામમાં જન્મેલા કે.સી.એ પાંચ વર્ષ ચિત્રકામનો અભ્યાસ કર્યો હતો અને પછી ફાઈન આર્ટ્સમાં જ કારકિર્દી અપનાવી હતી. ૨૦૧૨ પછી તેમણે ‘રામક્રિષ્ન વિજયમ્’ નામના સામાયિક માટે પણ કામ શરૂ કર્યું હતું.
ઉંમરને કારણે જ ચેન્નઈ સ્થિત તેમના ઘરે તેમનું નિધન થયું હતું. ખભે વૈતાળનું મડદું, હાથમાં તલવાર લઈને ખોપરીઓ વચ્ચેથી મધરાતે પસાર થતા વિક્રમનું ચિત્ર તેમણે ૧૯૬૦ના અરસામાં તૈયાર કર્યું હતું.
આજે એ ચિત્ર જ વિક્રમની ઓળખ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. રામાયણ અને મહાભારતના પણ અનેક ચિત્રો તેમણે તૈયાર કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter