નવી દિલ્હીઃ
કોર્ટમાં કબૂલાત
કોર્ટની અવમાનનાની નોટિસના જવાબમાં રાહુલ ગાંધીએ સુપ્રીમમાં કહ્યું હતું કે, હા, હું માનું છું કે સુપ્રીમ કોર્ટે ક્યારેય એવું નથી કહ્યું કે, ચોકીદાર ચોર હૈ. ચૂંટણી પ્રચારમાં ઉત્તેજનામાં આવીને મારાથી આવી ટિપ્પણી કરાઈ હતી. તેઓ હવે પછી જાહેરમાં આ પ્રકારની કોઈપણ ટિપ્પણી કરશે નહીં. કોર્ટે જ્યારે કોઈ વાત કે કોઈ મુદ્દો રેકોર્ડ પર લીધો હોય તે પછી જ તે મુદ્દે ટિપ્પણી કરીશ.
સુનાવણી વખતે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટમાં ૧૫ એપ્રિલે અવમાનના અરજીની સુનાવણી વખતે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, અમે ક્યારેય આવું તારણ રજૂ કર્યું નથી કે નિવેદન આપ્યું નથી. આથી આ મુદ્દે અમે રાહુલ ગાંધી પાસે જવાબ માગીએ છીએ. કોર્ટે કહ્યું કે અમે આ વાત સ્પષ્ટ કરવા માગીએ છીએ કે કોર્ટેને ટાંકીને જે વિચારો કે ટિપ્પણી મીડિયામાં કહેવામાં આવી છે તે સંપૂર્ણપણે ખોટી છે આથી આ મામલે પૂર્ણ જાણકારી સાથે અમે ખુલાસો માગવા ઇચ્છીએ છીએ. અમને આશા છે કે રાહુલ ગાંધી આ મુદ્દે તેમની સ્પષ્ટતા રજૂ કરશે.
જનતા માફ નહીં કરે: સ્મૃતિ ઇરાની
સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી પોતે રાફેલ મામલે જુઠ્ઠું બોલતા હતા તે આ પરથી સાબિત થઈ ગયું છે. જનતા તેમને માફ નહીં કરે. ઈરાનીએ ટ્વિટ કર્યું હતું કે, જુઠ પર સત્યનો આ પ્રહાર છે.
રાહુલ માટે પ્રચારનું હથિયાર
રાહુલ ગાંધીએ તેમનાં ચૂંટણી પ્રચારમાં મોદી પર નિશાન તાકવા રાફેલ સોદામાં તેમનાં મિત્રને મદદ કરીને રૂ. ૩૦,૦૦૦ કરોડનો ફાયદો કરાવ્યાના આક્ષેપો કર્યા હતા અને ‘ચોકીદાર ચોર હૈ’નો નારો ગજવતા હતા.
સુપ્રીમ કોર્ટે આ પહેલાં રાફેલ મામલામાં કેન્દ્ર સરકારને ક્લીન ચિટ આપી હતી અને રાફેલ વિમાનની ખરીદીની પ્રોસેસ યોગ્ય હોવાનું જણાવ્યું હતું. જો કે આ પછી એડવોકેટ પ્રશાંત ભૂષણ, અરુણ શૌરી અને યશવંત સિંહાએ કોર્ટમાં રિવ્યૂ પિટિશન કરી હતી જેને કોર્ટે દાખલ કરી હતી.