નવી દિલ્હી: રાફેલ વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ચોકીદાર ચોર હૈ’ કહેવાના અવમાનના કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે ફરી ખેદ વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં નવી એફિડેવિટ રજૂ કરીને જૂનું સ્ટેન્ડ દોહરાવ્યું હતું. જોકે, નવી એફિડેવિટના પહેલા ફકરા સિવાય તેમાં એકેય શબ્દ બદલવામાં નથી આવ્યો. ફરક ફક્ત એટલો છે કે પાછલી એફિડેવિટ ૨૬ પાનાની હતી જ્યારે નવી ૨૮ પાનાંની છે. આ એફિડેવિટના પહેલા ફકરામાં લખ્યું છે કે, ૨૨ એપ્રિલે મેં જે જવાબ આપ્યો હતો તે વ્યાપક જ હતો. તેને મારા નવા જવાબનો હિસ્સો માનવામાં આવે. હું મારો જૂનો જવાબ જ દોહરાવી રહ્યો છું. આ નિવેદન આપતી વખતે તેમને ચુકાદાની સાચી જાણકારી ન હતી એટલે આવેશમાં એ નિવેદન આપ્યું હતું.
મને આ નિવેદન બદલ ખેદ છે. સુપ્રીમ કોર્ટે ૧૦ એપ્રિલે રાફેલ સોદા પર પુનર્વિચાર અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારના પ્રાથમિક વાંધા ફગાવી દીધા હતા.