‘જનભાગીદારીથી જ જનકલ્યાણ અમારું પ્રાણતત્ત્વ’ઃયુએનમાં ન.મો.

Tuesday 01st October 2019 14:53 EDT
 
 

ન્યૂ યોર્કઃ ભારત હજારો વર્ષ પુરાણી મહાન સંસ્કૃતિ છે. ભારતની વિશેષ જીવન પરંપરા છે જે વૈશ્વિક સ્વપ્નોને પોતાનામાં સમેટી રાખે છે. જનભાગીદારીથી જ જનકલ્યાણ અમારું પ્રાણતત્ત્વ છે. અમે આ વ્યાખ્યાને ફક્ત ભારત પૂરતી મર્યાદિત રાખતાં નથી. જનકલ્યાણથી જ જગકલ્યાણ થઇ શકે છે. આ શબ્દો છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના. ૨૭મી સપ્ટેમ્બરે યુએન જનરલ એસેમ્બલીના ૭૪મા સત્રને સંબોધતા તેમણે આકરા શબ્દોમાં આતંકવાદની નિંદા કરી હતી. વિકાસ અને વિશ્વશાંતિ પર વિશેષ ભાર મૂકતા મોદીએ કહ્યું હતું કે ૧૩૦ કરોડ ભારતીયો વતી યુએન જનરલ એસેમ્બલીને સંબોધન કરવાની આ વિશેષ તક ગૌરવનો અવસર છે કારણ કે સમગ્ર વિશ્વ આ વર્ષે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યું છે.
મોદીએ જણાવ્યું હતું કે, ભારતે દુનિયાને યુદ્ધ નહીં, પરંતુ બુદ્ધ આપ્યા છે. તેથી જ અમારા અવાજમાં આતંકવાદ સામે આક્રોશ અને વિશ્વને આતંકવાદ સામે સતર્ક કરવાની ગંભીરતા છે. આતંકવાદ કોઇ એક દેશ સામેનો નહીં, પરંતુ સમગ્ર દુનિયા અને માનવતા સામેના સૌથી મોટો પડકારછે.
આતંકવાદના મામલે બેવડી નીતિ અપનાવનાર ચીનના નામોલ્લેખ વગર તેમણે કહ્યું હતું કે આતંકવાદના નામે વહેંચાયેલી દુનિયા જે મૂલ્યોના આધાર પર યુનાઇટેડ નેશન્સનો જન્મ થયો છે તેને ઠેસ પહોંચાડે છે. આતંકવાદ સામે સમગ્ર વિશ્વ એકસંપ અને એકમત થાય તે જરૂરી છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, આજથી સવાસો વર્ષ પહેલાં ભારતના આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદમાં શાંતિ અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો. વિશ્વની સૌથી મોટું લોકતંત્ર ભારત આજે પણ વિશ્વને મતભેદ નહીં, પરંતુ શાંતિ અને સૌહાર્દનો સંદેશ આપી રહ્યું છે.

તમિળ કવિનો ઉલ્લેખ

વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં પૌરાણિક તામિલ કવિ કણિયન પુંગુન્ડ્રનારનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે ૩૦૦૦ વર્ષ પહેલાં આ તમિળ કવિએ વિશ્વની સૌથી પ્રાચીન તમિળ ભાષામાં જણાવ્યું હતું કે, યાદુમ ઉરે, યાવરુમ કેડિર. આ પછી તેમણે જનરલ એસેમ્બલીમાં ઉપસ્થિત વિશ્વ નેતાઓને આ શબ્દોનો અર્થ સમજાવતા જણાવ્યું હતું કે, અમે તમામ સ્થાનો માટે પોતીકાપણાનો ભાવ રાખીએ છીએ અને તમામ લોકો અમારા પોતાના છે. દેશની સરહદોની પણ પાર પોતીકાપણાની આજ ભાવના ભારતની વિશેષતા છે.
વિશ્વ શાંતિ અર્થે ભારતીય જવાનોએ આપેલા યોગદાનને યાદ કરતાં વડા પ્રધાને જણાવ્યું કે, યુએનના શાંતિ મિશનમાં સૌથી મોટું બલિદાન ભારતે આપ્યું છે.

સ્વચ્છતા અભિયાન

વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ ભારતમાં દુનિયાનું સૌથી મોટું સ્વચ્છતા અભિયાન સંપન્ન થયું. ફક્ત પાંચ વર્ષમાં ૧૧ કરોડથી વધુ શૌચાલય તૈયાર કરીને એક વિકાસશીલ દેશે પોતાની જનતાને આપ્યાં છે. આ સાથે જ તેમણે સિંગલ યુઝ પ્લાસ્ટિકમુક્તિ અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાને જણાવ્યું હતું કે, બીજી ઓક્ટોબરથી ભારતમાં દેશને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્તિ અપાવવા માટે સૌથી મોટું અભિયાન શરૂ થઇ રહ્યું છે.

સૌથી મોટી યોજનાઓ...

પાણી પુરવઠા યોજનાઃ અમે ભારતમાં પીવાના પાણી માટે સૌથી મોટી યોજના શરૂ કરી છે. પાંચ વર્ષમાં જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવા સાથે ૧૫ કરોડ રહેઠાણોને પાણીના સપ્લાયથી જોડાશે.
આવાસ અને માર્ગ યોજનાઃ અંતરિયાળ વિસ્તારોમાં ૧.૨૫ લાખ કિ.મી. લાંબી સડકોનું નિર્માણ થશે. ૨૦૨૦ સુધીમાં અમે ગરીબો માટે બે કરોડ ઘરોનું નિર્માણ કરશું.
આરોગ્ય યોજનાઃ દેશમાં ગરીબોને મફત આરોગ્ય સેવા આપવા આયુષમાન ભારત યોજના શરૂ કરી છે. જેમાં ૫૦ કરોડ લોકોને રૂ. ૫ લાખ સુધી સારવાર વિનામૂલ્યે મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter