નવી દિલ્હીઃ માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં દેશપ્રેમ વ્યક્ત કરવા માટે ‘જય હિંદ’નો નારો ગૂંજે છે. જોકે આ નારાના સર્જકને ભાગ્યે જ લોકો જાણે છે. બહુમતી વર્ગના મતે આ નારો નેતાજી સુભાષચંદ્ર બોઝે આપ્યો છે, પણ હકીકત એ છે કે ‘જય હિંદ’નો નારો થિરુવન્તપુરમના ક્રાંતિકારી ચમ્પાક્રમણ પિલ્લાઈએ આપ્યો છે.
‘જય હિંદ’ શબ્દ ભારતનો જય ઘોષ કેવી રીતે બની ગયો તેનો પણ ઈતિહાસ છે. ૧૫ સપ્ટેમ્બર, ૧૮૯૧ના રોજ જન્મેલા પિલ્લાઈ કોલેજમાં ભણતા ત્યારે સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં જોશ જગાવવા માટે ‘જય હિંદ’નો નારો બોલતા હતા. ૧૯૦૮માં વધુ અભ્યાસ માટે પિલ્લાઈ જર્મની ગયા. અહીં તેમણે ડોક્ટરેટ સુધીનો અભ્યાસ કરીને છેવટે અંગ્રેજો વિરુદ્ધ લડાઇ લડવા માટે જર્મન નૌકાદળમાં જુનિયર અફસર તરીકે જોડાઇ ગયા. તેમણે ૨૨ સપ્ટેમ્બર, ૧૯૧૪ના રોજ જર્મન જહાજમાં બેસીને ચેન્નઇ પર બોંબ પણ ફેંકયા હતા.
૧૯૩૩માં ઓસ્ટ્રીયાની રાજધાની વિયેનામાં તેઓ સુભાષચંદ્ર બોઝને મળ્યા ત્યારે હાથ ઉંચા કરીને જય હિંદ બોલ્યા હતા. બોઝને જય હિંદ બોલીને હાજર થવાની તેમની યુકિત ગમી ગઇ હતી.
આઝાદ હિંદ ફોજમાં જોડાવાની સુભાષચંદ્ર બોઝે હાકલ કરતાં જર્મનીમાં અભ્યાસ કરતો આબિદ હુસેન નામનો બીજો એક વિદ્યાર્થી પણ આઝાદ હિંદ ફોજમાં જોડાયો હતો. આઝાદ હિંદ ફોજનો વિસ્તાર થઇ રહ્યો હતો ત્યારે આ આબિદ હુસેને જ ‘જય હિંદ’ શબ્દને આઝાદ હિંદ ફોજના જયઘોષ તરીકે લેવાનું સૂચવ્યું હતું.
બીજી નવેમ્બર, ૧૯૪૧ના રોજ આઝાદ હિંદ ફોજનો યુદ્ધઘોષ બની ગયેલો આ નારો ધીરે ધીરે દેશમાં આઝાદી માટે લડતી મહાસભાએ પણ અપનાવી લીધો હતો. એ પહેલા ‘કોંગ્રેસ જિંદાબાદ’ અને ‘વંદે માતરમ્’ નારા તરીકે વધુ લોકપ્રિય હતા. ૧૯૪૬માં એક ચૂંટણી સભામાં લોકોએ ‘કોંગ્રેસ જીંદાબાદ’નો નારો લગાવ્યો ત્યારે જવાહરલાલ નેહરુએ ‘જય હિંદ’નો જયઘોષ કરવાનું સુચન કર્યું હતું. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આઝાદીની જાહેરાત કરતા પ્રથમ ભાષણનું સમાપન નેહરુએ ‘જય હિંદ’ નારો લગાવીને કર્યું હતું.
ભારતની પહેલી ટપાલટીકિટ બહાર પાડવામાં આવેલી તેના પર પણ ‘જય હિંદ’ લખવામાં આવ્યું હતું. આઝાદી પછી પોસ્ટ ઓફિસોને પણ ટીકિટ પર ‘જય હિંદ’નો સિકકો લગાવવાની સૂચના આપવામાં આવી હતી.