‘તમારો આતંકી, મારો આતંકી’ની નીતિ છોડોઃ મોદી

Wednesday 06th April 2016 06:26 EDT
 
 

વોશિંગ્ટનઃ વોશિંગ્ટનમાં પરમાણુ શિખર સંમેલનમાં વડા પ્રધાન મોદીએ વિશ્વ સમુદાયને કડક શબ્દોમાં જણાવ્યું છે કે 'તેમનો આતંકી, મારો આતંકી નહીં'વાળી વિચારસરણીનો ત્યાગ કરવો પડશે. આતંકવાદનું નેટવર્ક વૈશ્વિક હોવા છતાં હજુ સુધી આપણે આતંકવાદ સામે રાષ્ટ્રીય સ્તરે જ લડી રહ્યાં છે.
પાકિસ્તાન પર પરોક્ષ હુમલો કરતા મોદીએ જણાવ્યું હતું કે પરમાણુ શસ્ત્રોના વેપારીઓ અને આતંકવાદીઓને સરકારમાં બેઠેલા લોકો જ મદદ કરી રહ્યાં હોવાથી પરમાણુ સુરક્ષા સામે ખતરો ઉભો થયો છે. તેમણે પરોક્ષ રીતે જણાવ્યું હતું કે આતંકી ઘટનાઓને અંજામ આપતા સંગઠનો પ્રત્યે પાકિસ્તાન અલગ વલણ ધરાવે છે.
પ્રમુખ બરાક ઓબામા દ્વારા વોશિંગ્ટનમાં આયોજિત ભોજન સમારંભ દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ ૨૧મી સદીની ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યાં છે જ્યારે તેનો સામનો કરવાના આપણા ઉપાયો જૂના છે. આ દરમિયાન તેમણે આઇએઇએ (ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી)ના પરમાણુ સુરક્ષા ફંડમાં ૧૦ લાખ ડોલરનો ફાળો આપવાની જાહેરાત કરી હતી. આ અગાઉ ભારતે આટલી જ રકમ ૨૦૧૨માં સિયોલમાં એનએસએસ સમિટમાં પણ આપી હતી. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પરમાણુ સુરક્ષા રાષ્ટ્રીય પ્રાથમિકતા બનવી જોઇએ અને તમામ દેશોએ તેને માનવું જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter