‘નબળા’ વડા પ્રધાન જિનપિંગથી ડરીને ચૂપ થઈ ગયાઃ રાહુલ

Friday 15th March 2019 08:27 EDT
 
 

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને આતંકી જાહેર કરવામાં ચીને ચોથી વખત વીટોનો ઉપયોગ કરીને અડચણ ઉભી કરી છે. જેથી વિપક્ષે હવે નરેન્દ્ર મોદીની સરકારની આંતરરાષ્ટ્રીય નીતિ પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ચીને મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં આતંકી જાહેર થતા અટકાવ્યો, અગાઉ પણ ચીન આવુ જ કરી ચૂક્યું છે છતાં નરેન્દ્ર મોદીના મોઢામાંથી ચીનના પ્રમુખ અને જિનપિંગ મુદ્દે એક પણ શબ્દ નથી નીકળી રહ્યો.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે નબળા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રમુખ જિનપિંગથી ડરી રહ્યા છે. ચીને આટલી અવળચંડાઇઓ કરી તેમ છતાં નરેન્દ્ર મોદીના મોઢામાંથી એક પણ શબ્દ નથી નીકળ્યો.

નરેન્દ્ર મોદીની વિદેશ નીતિની ટીકા કરતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે, નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ છે કે પહેલા ગુજરાતમાં ચીનના પ્રમુખ જિનપિંગ સાથે ઝૂલે ઝુલવાનું, બાદમાં જિનપિંગને જાહેરમાં ભેટી પડવાનું અને ચીનમાં જઇને જિનપિંગની સામે ઝૂકવાનું.

રાહુલને ઊજવણનો મૂડ?: ભાજપ

સંયુક્ત રાષ્ટ્રમાં સતત ચોથી વખત ચીને અડચણો ઉભી કરીને આતંકી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર થતો બચાવી લીધો હતો. જેને પગલે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની નીતિની નિષ્ફળતાઓ ગણાવી હતી અને કહ્યું હતું કે મોદી જિનપિંગ સાથે ઝૂલે ઝૂલે છે જ્યારે જિનપિંગ આતંકી મસૂદને બચાવે છે. આ અંગે બાદમાં વળતો પ્રહાર કરતા ભાજપે એવો દાવો કર્યો હતો કે મસૂદને આતંકી જાહેર ન કરી શક્યા જેને પગલે દેશ દુ:ખી છે જ્યારે બીજી તરફ રાહુલ ગાંધી ઉજવણીના મૂડમાં છે?

ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદે જણાવ્યું હતું કે, જ્યારે મસૂદ અઝહર આતંકી જાહેર ન થતા સમગ્ર દેશ દુ:ખી છે ત્યારે રાહુલ ગાંધી કેમ ઉજવણીના મૂડમાં છે? રવિ શંકર પ્રસાદે દાવો કર્યો હતો કે ચીને મસૂદ અઝહરને આતંકી જાહેર થવામાં અડચણ ઉભી કરી છે પણ બીજી તરફ વિશ્વના મોટા ભાગના દેશો ભારતની સાથે આવી ગયા છે જે આપણી કુટનીતીની જીત છે. રાહુલ ગાધી પણ ચીનના અધિકારીઓને મળી ચૂક્યા છે, જો રાહુલ અને ચીનના સંબંધો આટલા સારા હોય તો તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદને આતંકી જાહેર કરવામાં ચીન મદદ કરે તેવી અપીલ કરવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter