‘નવી પેઢી’ને પ્રોત્સાહન આપવા સોનિયા નિવૃત્ત થશે!

Thursday 02nd June 2016 06:21 EDT
 
 

નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બળવા સામે ઝઝૂમી રહેલી કોંગ્રેસ માટે મુશ્કેલીઓ અટકવાનું નામ લઇ રહી નથી. મેઘાલયમાં સત્તાધારી કોંગ્રેસે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ત્રણ પાનાનો પત્ર લખ્યો છે. પત્રમાં ચિંતા વ્યક્ત કરાઇ છે કે, ભાજપ શિલોંગમાં ધામા નાંખી કોંગ્રેસની રાજ્ય સરકાર માટે મુશ્કેલીઓ સર્જવાની ફિરાકમાં છે.

આ પત્ર સોમવારે લખાયો છે. તેના બે દિવસ પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારના બે વર્ષ પૂરા થવાના અવસરે શિલોંગની મુલાકાતે ગયા હતા. તાજેતરમાં જ આસામ વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા થયેલા ભાજપે હવે ઉત્તરપૂર્વ ભારતમાં પાર્ટીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવા એલાન કર્યું હતું. મેઘાલયના કોંગ્રેસી નેતાઓએ હાઇકમાન્ડને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે ભાજપ હવે મેઘાલયની કોંગ્રેસ સરકાર ઉથલાવવાની ફિરાકમાં છે. તેના નેતાઓ શિલોંગમાં કેમ્પિંગ કરી રહ્યાં છે. કોંગ્રેસ સરકારના બે કેબિનેટ પ્રધાનો પણ તેમના સંપર્કમાં છે. તે ઉપરાંત રાજ્ય કોંગ્રેસ પ્રમુખ ડી ડી લપાંગે ભાજપના વરિષ્ઠ નેતાઓ રામ માધવ અને હેમંત વિશ્વા સાથે મુલાકાત કરી છે. હેમંત આસામમાં પાર્ટીના નવા વ્યૂહરચનાકાર તરીકે ઉભરી આવ્યા છે. તેઓ ઉત્તરપૂર્વ ભારતમાં એનડીએ ગઠબંધનના પણ નેતા છે.

સોનિયા ગાંધી નિવૃત્ત થવા માગે છે

સોનિયા ગાંધી માને છે કે, હવે નિવૃત્તિ લઈ કોંગ્રેસનું નેતૃત્વ અન્યના હાથમાં સોંપી દેવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પંજાબના પૂર્વ સીએમ અમરિન્દરસિંહે બુધવારે ચંડીગઢ ખાતે એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, સોનિયા ગાંધી કોંગ્રેસનું અધ્યક્ષપદ છોડવા માગે છે. સોનિયા ગાંધી માને છે કે, હવે નિવૃત્તિ લઈ કોંગ્રેસનું નેતૃત્વ અન્યના હાથમાં સોંપી દેવાનો સમય આવી ગયો છે. અમરિન્દરસિંહે દાવો કર્યો છે કે સોનિયા ગાંધીએ જાતે મને કહ્યું છે કે, મેં ઘણું કામ કર્યું છે. પાર્ટીની જવાબદારી નવી પેઢીને સોંપવાનો સમય આવી ગયો છે. અમરિન્દરે જણાવ્યું કે આ અંગે પાર્ટીએ નિર્ણય લેવાનો છે પરંતુ પાર્ટીએ સોનિયા ગાંધીના નિર્ણયને માન આપવું જોઈએ. સોનિયા ગાંધીએ છેલ્લાં ૨૦ વર્ષમાં પાર્ટીને ઘણું આપ્યું છે. અમે તેમને પાર્ટીનું નેતૃત્વ છોડવા કહી રહ્યા નથી, પરંતુ જો તેઓ એવું ઇચ્છે છે તો આપણે તેમના નિર્ણયનું સન્માન કરવું જોઈએ. બીજી તરફ રાહુલ ગાંધીને કોંગ્રેસઅધ્યક્ષ બનાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં કોંગ્રેસ કારોબારીની બેઠક મળી શકે છે, તે ઉપરાંત પાર્ટીમાં મોટાપાયે સુધારા કરાય તેવી સંભાવના છે. અમરિન્દરે જણાવ્યું કે, રાહુલ ગાંધીને ટૂંક સમયમાં પ્રમોટ કરીને પાર્ટી પ્રમુખ બનાવાશે.

ટૂંક સમયમાં કોંગ્રેસમાં ધરખમ ફેરફારો

કોંગ્રેસમાં ધરખમ ફેરફારો આવી રહ્યા છે. રાહુલ ગાંધી પક્ષપ્રમુખ બનવા તૈયાર છે. આગામી થોડા સપ્તાહમાં નિર્ણય લેવાઈ જશે, તે ઉપરાંત જનરલ સેક્રેટરી, સેક્રેટરી, ડિપાર્ટમેન્ટહેડ અને સ્ટેટચીફને બદલવાના નિર્ણય ટૂંક સમયમાં લેવાશે.

અમારું કોંગ્રેસમુક્ત ભારતનું સ્વપ્ન સાકાર થશે : ભાજપ

રાહુલ ગાંધીને કોંગ્રેસપ્રમુખ બનાવાઈ રહ્યા હોવાના અહેવાલો પર ભાજપે જણાવ્યું હતું કે, હવે અમે કોંગ્રેસમુક્ત ભારતની સિદ્ધિ હાંસલ કરી શકીશું. ભાજપપ્રવક્તા સમ્બિત પાત્રાએ જણાવ્યું હતું કે આ પરિવારવાદનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સોનિયા ગાંધીના શહજાદાની તાજપોશી કરવામાં આવી રહી છે.

કોંગ્રેસ ફરી એકવાર ચિંતનશિબિરમાં આત્મમંથન કરશે

તાજેતરમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયથી હલબલી ઊઠેલી કોંગ્રેસે મોટાપાયે સર્જરીની કવાયત હાથ ધરી છે. રાહુલ ગાંધીને પક્ષપ્રમુખ બનાવ્યા બાદ ચિંતનશિબિરનું આયોજન કરાશે જેમાં કોંગ્રેસની હારનાં કારણોની સમીક્ષા કરી નવી વ્યૂહરચના તૈયાર કરાશે.

મેઘાલયમાં મુખ્ય પ્રધાન સામે અસંતોષ કોંગ્રેસને નડી શકે

રિપોર્ટ અનુસાર મેઘાલયમાં કોંગ્રેસ નબળી પડી રહી છે. ૬૦ ધારાસભ્યોની વિધાનસભામાં કોંગ્રેસને ૩૦ ધારાસભ્યોનું સમર્થન છે. અહીં બળવાખોર કોંગ્રેસી ધારાસભ્યોએ સીએમ મુકુલ સંગમા સામે સરમુખત્યારશાહીનો આરોપ મૂક્યો છે. બળવાખોર નેતાઓમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન વિન્સેન્ટ પાલાનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી સંગમા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો મુકુલ સંગમાને હટાવવાની માગ કરી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી લોકસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય પછી સંગમાને હટાવવાની માગ બુલંદ બની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter