‘ફોર્બ્સ’ના ભારતીય ધનકુબેરોઃ મુકેશ અંબાણી સર્વોચ્ચ

Monday 11th May 2020 04:56 EDT
 
 

નવી દિલ્હી, તા. ૬ઃ કોરોના વાઇરસની મહામારીને કારણે દુનિયાભરના ઉદ્યોગ-ધંધાને મોટી અસર પડી છે. અનેક ઉદ્યોગપતિઓની આવકમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક આર્થિક કટોકટી વચ્ચે ‘ફોર્બ્સ’ ઇન્ડિયા દ્વારા ભારતના ટોચના ૧૦૦ ઉદ્યોગપતિઓની યાદી જાહેર કરવામાં આવી હતી. યાદીમાં આ વખતે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. તો આ વખતે બાયજુ’સ લર્નિંગ એપના સ્થાપક બાયજુ રવીન્દ્રને પણ આ વખતે ટોચના ૧૦૦ ધનકુબેરોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. 

‘ફોર્બ્સ’ના જણાવ્યા અનુસાર ૩૬.૮ બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે મુકેશ અંબાણી ભારતીય ધનકુબેરોમાં ટોચના સ્થાને છે. જ્યારે ડી-માર્ટ સુપરમાર્કેટ ચેનના સ્થાપક રાધાકૃષ્ણ દામાણી ૧૩.૮ બિલિયન ડોલરની સંપત્તી સાથે બીજા સ્થાને છે. ભારતીય ધનકુબેરોની યાદીમાં દામાણીએ પહેલી વખત બીજું સ્થાન મેળવ્યું છે.

ગણિતના પૂર્વ અધ્યાપક હવે ધનપતિઓની હરોળમાં

બાયજુ’સ લર્નિંગ એપના સ્થાપક બાયજુ રવીન્દ્રન હવે ભારતીય ધનપતિઓની હરોળમાં સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રવીન્દ્રન ગણિતના પૂર્વ અધ્યાપક છે અને તેમણે આ લર્નિંગ એપ શરૂ કરી છે. ૩૭ વર્ષીય રવીન્દ્રન આ યાદીમાં સૌથી યુવા ધનપતિ તરીકે સ્થાન પામ્યા છે. ઉલ્લેખનીય છે કે, બાયજુની પ્રસિદ્ધિ એટલી વધી ગઈ છે કે, તેમાં ફેસબુક દ્વારા પણ રોકાણ કરવામાં આવ્યું છે. રવીન્દ્રનની કુલ સંપત્તિ ૧.૮ બિલિયન ડોલર છે. જાન્યુઆરીમાં જ બાયજુની માર્કેટ વેલ્યૂ ૮ બિલિયન ડોલરે પહોંચી હતી.

એશિયા પેસિફિકમાંથી સૌથી વધુ ધનપતિ

વિશ્વમાં સૌથી વધારે ધનપતિઓ એશિયા-પેસિફિક ક્ષેત્રોમાંથી આવે છે. તેમની સંખ્યા ૭૭૮ જેટલી છે. દેશ પ્રમાણે જોઈએ તો અમેરિકા ૬૧૪ ધનિકો સાથે આ યાદીમાં મોખરે છે. ત્યારબાદ ચીન ૩૮૯ ધનકુબેરો સાથે બીજા ક્રમે છે. ત્યારબાદ આ યાદીમાં ૧૦૭ સાથે જર્મની ત્રીજા, ૧૦૨ સાથે ભારત ચોથા અને ૯૯ સાથે રશિયા પાંચમા ક્રમે છે.

ધનપતિઓની સંપત્તિમાં ઘટાડો

‘ફોર્બ્સ’ના જણાવ્યા પ્રમાણે દુનિયાભરના ઉદ્યોગપતિઓ અત્યારે આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. તેના કારણે તેમની સંપત્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. દુનિયાના ધનકુબેરોની કુલ સંપત્તિમાં પણ જંગી ઘટાડો થયો છે. ગત વર્ષે તેમની કુલ સંપત્તિ ૮.૭ લાખ કરોડ ડોલર હતી. આ વર્ષે તે ઘટીને ૮ લાખ કરોડ ડોલર પહોંચી ગઈ છે. ભારતની વાત કરીએ તો અહીંયા પણ ધનિકોની કુલ સંપત્તિમાં મોટો ઘટાડો થયો છે. આ વર્ષે તેમની કુલ સંપત્તિ ૨૩ ટકા ઘટીને ૩૧૩ બિલિયન ડોલરે પહોંચી છે.

ધનપતિઓની સંપત્તિ (બિલિયન ડોલરમાં)
ક્રમ - નામ - સંપત્તિ
૧ - મુકેશ અંબાણી - ૩૬.૮
૨ રાધાકૃષ્ણ દામાણી ૧૩.૮
૩ શીવ નાદર ૧૧.૯
૪ ઉદય કોટક ૧૦.૪
૫ ગૌતમ અદાણી ૮.૯
૬ સુનીલ મિત્તલ ૮.૮
૭ સાયરસ પૂનાવાલ ૮.૨
૮ કુમાર બિરલા ૭.૬
૯ લક્ષ્મી મિત્તલ ૭.૪
૧૦ અઝીમ પ્રેમજી ૬.૧
૧૦ દિલીપ સંઘવી ૬.૧


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter