નવી દિલ્હીઃ વિખ્યાત બિઝનેસ સામયિક ‘ફોર્બ્સ’એ વર્ષ ૨૦૧૯ના ૧૦૦ ધનવાન ભારતીયોની યાદી જાહેર કરી હતી. એમાં ૫૧.૪ બિલિયન ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી પ્રથમ ક્રમે રહ્યા છે. જ્યારે ૧૫.૭ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ગૌતમ અદાણી બીજા ક્રમે છે. આ યાદીમાં ગૌતમ અદાણીએ હનુમાનકૂદકો માર્યો છે તેમ કહી શકાય. ગયા વર્ષે ગૌતમ અદાણી આ યાદીમાં આઠમા નંબરે હતા. યાદીમાં બીજું સ્થાન દર્શાવે છે કે તેમની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.
‘ફોર્બ્સ’ ઈન્ડિયા રિચ લિસ્ટમાં ગયા વર્ષની જેમ મુકેશ અંબાણીએ પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. જ્યારે બીજા ક્રમે આવેલા ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ૧૫.૭ બિલિયન ડોલર હોવાની અટકળ કરવામાં આવે છે. ૨૦૧૮ની યાદીમાં અદાણી આઠમા ક્રમે હતા. આમ તેમણે છ ક્રમનો કૂદકો લગાવ્યો છે.
આ યાદીમાં વિપ્રો ગ્રૂપના ચેરમેન એમિરેટ્સ અઝીમ પ્રેમજી ૧૭મા ક્રમે ધકેલાયા છે. ગયા વર્ષની યાદીમાં અઝીમ પ્રેમજી બીજા ક્રમે હતા. આ વખતે ૧૫ ક્રમ પાછળ ખસેડાયા છે. ગયા વર્ષના ધનવાનોમાંથી ૯ ધનવાનો આ વખતે ટોપ-૧૦૦ના લિસ્ટમાંથી બહાર ફેંકાયા છે. બીજી રીતે કહીએ તો ૯ નવા ઉદ્યોગપતિઓને આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. ૧૪ ધનપતિઓની સંપત્તિમાં આશરે ૧ બિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો છે.
હિન્દુજા બ્રધર્સે ૧૫.૬ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ત્રીજો ક્રમ મેળવ્યો છે. ચોથા નંબરે રહેલા શાપુરજી પેલોનજી ગ્રૂપના પેલોનજી મિસ્ત્રીની સંપત્તિ ૧૫ બિલિયન ડોલર હોવાનો અંદાજ રજૂ થયો છે. પાંચમો ક્રમ કોટક મહિન્દ્રા બેંકના ઉદય કોટકને અપાયો હતો.
આ યાદીમાં સામેલ નવા ઉદ્યોગપતિઓમાં વીજુ રવિન્દ્ર, હલ્દીરામ ગ્રૂપના મનોહર લાલ અને મધુસૂદન અગ્રવાલ, રાજેશ મહેરા વગેરે નોંધપાત્ર છે. ‘ફોર્બ્સ’ના કહેવા પ્રમાણે મંદીની અસર આ ઉદ્યોગપતિઓની સંપત્તિમાં પણ જોવા મળી છે. આ ૧૦૦ ઉદ્યોગપતિઓની કુલ સંપત્તિમાં ઘટાડો થયો હતો. આઠ ટકાના ઘટાડા સાથે બધા જ ઉદ્યોગપતિઓની કુલ સંપત્તિનો સરવાળો ૪૫૨ બિલિયન ડોલર થાય છે.
ભારતના ૧૦ સૌથી ધનવાન ઉદ્યોગપતિઓ
ઉદ્યોગપતિનું નામ અને સંપત્તિ
૧. મુકેશ અંબાણી - સંપત્તિ ૫૧.૪ બિલિયન ડોલર
૨. ગૌતમ અદાણી - સંપત્તિ ૧૫.૭ બિલિયન ડોલર
૩. હિન્દુજા બ્રધર્સ - સંપત્તિ ૧૫.૬ બિલિયન ડોલર
૪. પેલોનજી મિસ્ત્રી - સંપત્તિ ૧૫ બિલિયન ડોલર
૫. ઉદય કોટક - સંપત્તિ ૧૪.૮ બિલિયન ડોલર
૬. શિવ નાદર - સંપત્તિ ૧૪.૪ બિલિયન ડોલર
૭. રાધાકૃષ્ણન્ દામાણી - સંપત્તિ ૧૪.૩ બિલિયન ડોલર
૮. ગોદરેજ પરિવાર - સંપત્તિ ૧૨ બિલિયન ડોલર
૯. લક્ષ્મી મિત્તલ - સંપત્તિ ૧૦.૫ બિલિયન ડોલર
૧૦. કુમાર બિરલા - સંપત્તિ ૯.૬ બિલિયન ડોલર