‘બાલાકોટ સ્ટ્રાઇક સમયે ભારત યુદ્ધ માટે પણ તૈયાર હતું’

Tuesday 28th February 2023 12:02 EST
 
 

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરી 2019ના રોજ પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટ એરસ્ટ્રાઇક કરી હતી. ભારતીય સેનાની આ આક્રમક કાર્યવાહીએ પાકિસ્તાનને એ હદે હચમચાવી નાખ્યું હતું કે ચાર વર્ષ બાદ પણ પાકિસ્તાન ભારત સામે ટક્કર લેતા ડરી રહ્યું છે. આ દરમિયાન ભારતીય સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ કંવલજીતસિંહ ઢિલ્લોંએ એક ઇન્ટરવ્યૂમાં બાલાકોટ સ્ટ્રાઇક અંગે વાત કરતા કહ્યું હતું કે ભારત તે સમયે યુદ્ધ માટે પણ તૈયાર હતું. તાજેતરમાં ઢિલ્લોંની આત્મકથા ‘કિતને ગાઝી આયે, કિતને ગાઝી ગયે’ (માય લાઇફસ્ટોરી) નામથી પ્રકાશિત થઇ છે.
તેમણે કહ્યું હતું કે, ભારતે બાલાકોટ એરસ્ટ્રાઇક માટે પીઓકે (પાક. કબજાગ્રસ્ત કાશ્મીર) નહીં, પણ પાકિસ્તાનની સરહદ ઓળંગી હતી અને પુલવામાના આતંકી હુમલાનો બદલો લીધો હતો. જનરલ ઢિલ્લોંએ પોતાનાં પુસ્તકમાં અન્ય એક ચોંકાવનારો દાવો પણ કર્યો છે, જે મુજબ પુલવામા આતંકી હુમલાના 10 દિવસ બાદ વધુ એક મોટા આતંકી હુમલાની સાજિશ હતી. જોકે, સુરક્ષા દળોએ સાજિશ નાકામ કરી દીધી હતી.
જનરલ ઢિલ્લોંએ કહ્યું હતું કે, બાલાકોટ સ્ટ્રાઇક પુલવામા આતંકી હુમલાનો બદલો હતો. બાલાકોટ પાકિસ્તાની સીમામાં અંદર આવે છે અને તે પીઓકેનો હિસ્સો નથી. તેવામાં ભારતીય વાયુસેનાએ પીઓકે અને પાકિસ્તાની સરહદ ઓળંગી હતી. પાકિસ્તાની એરફોર્સ રડાર સિસ્ટમને ચકમો આપીને બાલકોટમાં આતંક્વાદી કેમ્પ ઉપર આપણે બોમ્બમારો કર્યો હતો. આ યુદ્ધની સ્થિતિ જ હતી. જોકે બોમ્બમારો કરીને આપણા જવાનો સુરક્ષિત પાછા ફર્યા હતા. આ એરસ્ટ્રાઇક મારફતે ભારતે પાકિસ્તાનને આકરી ચેતવણી આપી હતી. ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે પાકિસ્તાન છેડશે તો તેને ઘરમાં ઘૂસીને મારવામાં આવશે. ભારત જે કહે છે તે કરીને બતાવે છે.
ઢિલ્લોંએ પોતાનાં પુસ્તકમાં લખ્યું છે કે ઘણા લોકોને ખ્યાલ નથી કે, પુલવામા આતંકી હુમલા પછી આતંકવાદીઓએ વધુ એક આત્મઘાતી હુમલાની સાજિશ રચી હતી, જેની યોજના 2019માં બનાવવામાં આવી હતી. જેના માટે વીડિયો શોકેસિંગ, વિસ્ફોટક અને અન્ય હથિયારો બનાવવામાં આવ્યાં હતાં. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં મોટો આતંકી હુમલો થયા બાદ સુરક્ષા દળો હાઇ એલર્ટ પર હતા. આ દરમિયાન એજન્સીઓને ઘાટીના તુરીગામમાં એક ટેરર મોડ્યુલ મળી આવ્યું હતું. જોકે આ આતંકીઓ હુમલો કરે તે પહેલા જ તેઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા અને પુલવામા જેવા અન્ય આંતકી હુમલાને નાકામ કરી દેવાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter