‘બ્રિકસ’ માટે મોદીનું વિઝનઃ ભવિષ્ય માટે દસ કદમ

Tuesday 14th July 2015 16:33 EDT
 
 

ઉફા (રશિયા)ઃ યુક્રેન કટોકટીના પગલે પગલે રશિયા પર નિયંત્રણો લાદવા બદલ પશ્ચિમના દેશો પર આડકતરો પ્રહાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એકતરફી નિયંત્રણોની વૈશ્ચિક અર્થંતત્ર પર માઠી અસર થઈ રહી છે. વૈશ્વિક અર્થતંત્ર મજબૂત નથી અને ગ્રીસ જેવો યુરોપનો વિક્સિત દેશ પણ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યો છે ત્યારે ‘બ્રિક્સ’ દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, સાઉથ આફ્રિકા) વચ્ચે વધુ ગાઢ સહકારની જરૂરત છે.
ઉફા શહેરમાં નવ જુલાઇએ ‘બ્રિકસ’ શિખર મંત્રણાના ભાગરૂપે બિઝનેસ કાઉન્સિલની બેઠકને સંબોધતા મોદીએ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન, ચીનના પ્રમુખ શી જિનપિંગ, બ્રાઝિલના પ્રમુખ દિલ્મા રોસૈફ અને સાઉથ આફ્રિકાના પ્રમુખ જેકબ ઝુમાની ઉપસ્થિતિમાં કોઈ દેશનો નામોલ્લેખ કર્યા વગર કહ્યું હતું કે એકતરફી નિયંત્રણોની વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસર પડી રહી છે.
જોકે, વડા પ્રધાન મોદીની આ ટિપ્પણીને યુક્રેન કટોકટી મુદ્દે અમેરિકા સહિતના દેશોએ રશિયા પર લાદેલા નિયંત્રણો પરના પ્રહાર તરીકે જોવાઈ રહી છે. માર્ચ, ૨૦૧૪માં ક્રીમિઆ રશિયામાં જોડાયા બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર નિયંત્રણો લાદ્યા હતા. મોદીએ ‘બ્રિક્સ’ દેશો વચ્ચે મેન્યુફેક્ચરિંગ ચેઈન વિક્સાવવાનું સૂચન પણ કરતાં ઉમેર્યું હતું કે તેનાથી રોજગારી ઊભી થશે અને તમામ સભ્ય દેશોને તેના લાભ મળશે.
‘બ્રિકસ’ માટે મોદીનું વિઝન
‘બ્રિકસ’ દેશો વચ્ચે ગાઢ સહકાર અને સંકલન પર ભાર મૂકતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત દ્વારા ‘બ્રિકસ’ દેશોના પહેલા વ્યાપાર મેળાની યજમાની તેમ જ રેલવે અને કૃષિ માટે રિસર્ચ સેન્ટર્સની સ્થાપના સહિતના ૧૦ મુદ્દા સૂચવ્યા હતા. તેમાં સર્વોચ્ચ ઓડિટ ઈન્સ્ટિટ્યુશન્સ વચ્ચે સહકાર, ડિજિટલ ઈનિશ્યેટિવ, શહેરો વચ્ચે સહકાર, ‘બ્રિકસ’ સ્પોર્ટ્સ કાઉન્સિલ અને એન્યુઅલ સ્પોર્ટ્સ મીટ જેવા સૂચનો પણ સામેલ હતા.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી-૨૦૧૬થી ૧૧ મહિના માટે ‘બ્રિકસ’નું અધ્યક્ષપદ ભારત સંભાળશે. આ ગાળામાં ‘બ્રિકસ’ દેશોનો પહેલો વાર્ષિક વ્યાપાર મેળો યોજવા ભારત વિચારી રહ્યું છે.
મજબૂત આર્થિક-સાંસ્કૃતિક જોડાણ
વડા પ્રધાન મોદી ઉઝબેકિસ્તાન અને કઝાખસ્તાનની મુલાકાત પૂરી કરીને આઠ જુલાઇએ ‘બ્રિક્સ’ અને શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ) સમિટમાં ભાગ લેવા ઉફા ખાતે પહોંચ્યા હતા. અહીં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે મોદીએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે ‘બ્રિક્સ’ દેશો વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક જોડાણ મજબૂત બને તેવી આશા છે. મોદીએ જિનપિંગને જણાવ્યું કે આ આપણી પાંચમી મુલાકાત બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને રજૂ કરે છે.

ભારત-તાજિકિસ્તાન ત્રાસવાદ સામે એકસંપ
ભારત-તાજિકિસ્તાન ત્રાસવાદ વિરુદ્ધ સહકાર વધુ ગાઢ બનાવવા સંમત થયા છે. છ દેશોના આઠ દિવસના પ્રવાસના અંતિમ તબક્કામાં ૧૨ જુલાઇએ રાત્રે કિર્ગિસ્તાનથી તાજિકિસ્તાનની રાજધાની દુશાન્બે પહોંચેલા વડા પ્રધાન મોદીએ બીજા દિવસે તાજિકિસ્તાનના પ્રમુખ ઈમોમાલી રહમોન સાથે મંત્રણા કરી હતી. મંત્રણા બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા મોદીએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો નામોલ્લેખ કર્યા વિના જણાવ્યું હતું કે ભારત અને તાજિકિસ્તાન બંને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદના મુખ્ય સ્ત્રોતની નજીક છે.
તાજિકિસ્તાનની સંરક્ષણ ક્ષમતા વધારવા જરૂરી સહયોગની મોદીએ ઈમોમાલીને ખાતરી આપી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષી વ્યાપાર, રોકાણો અને કનેક્ટિવિટી જેવા મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરી હતી. તેમ જ રવીન્દ્રનાથ ટાગોરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કલ્ચર અને સ્કિલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે બે કરારો પર હસ્તાક્ષર પણ થયા હતા.
મોદીએ ભારત-તાજિકિસ્તાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના પ્રતીકરૂપ ઈન્ડિયા-તાજિક ફ્રેન્ડશિપ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ હોસ્પિટલમાં ભારતીય ડોક્ટર્સ તાજિકિસ્તાન આર્મીના જવાનોની અને નાગરિકોની સારવાર કરે છે. મોદી અને ઈમોમાલીએ ભારત-તાજિકિસ્તાન વચ્ચે કનેક્ટિવિટી વધારવા અંગે પણ ચર્ચા કરી હતી અને તેના અનુસંધાનમાં બંને નેતાઓ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોરને પ્રોત્સાહન આપવા સંમત થયા હતા, જે કોરિડોરનો હેતુ સેન્ટ્રલ એશિયાને સાઉથ એશિયા સાથે જોડવાનો છે.

કિર્ગિઝસ્તાન સાથે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ
વિશ્વભરમાં આતંકવાદ અને ઉગ્રવાદની વધતી પ્રવૃત્તિઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા ભારત અને કિર્ગિઝસ્તાને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ વધારવા અને વાર્ષિક સંયુક્ત સૈન્ય અભ્યાસ કરવા સહિત ચાર સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા.
સેન્ટ્રલ એશિયા અને રશિયાની આઠ દિવસની યાત્રામાં ૧૧ જુલાઇએ રાત્રે કિર્ગિઝસ્તાનના પાટનગર પહોચેલા વડા પ્રધાન મોદીએ કિર્ગિઝ નેતાઓ સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે આતંકવાદ સામેની લડતમાં આપણું સંયુક્ત હિત રહેલું છે કારણ કે તે એક સરહદો વિનાનું જોખમ બની ગયો છે. કિર્ગિઝ રાષ્ટ્રપતિ અલ્માજબેક અતામબાયેવ સાથે મંત્રણા બાદ ચાર સમજૂતી પર હસ્તાક્ષર પણ કરાયા હતા.
મોદી અને અતામબાયેવ વચ્ચે વાટાઘાટો બાદ સંયુક્ત નિવેદનમાં બંને દેશોએ આ પ્રદેશ અને સમગ્ર વિશ્વમાં ઉગ્રવાદ, કટ્ટરવાદ અને આતંકવાદની વધતી પ્રવૃત્તિઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. બંને દેશો વચ્ચે થયેલી ચાર સમજૂતીમાં સંરક્ષણ સહયોગ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનો સમાવેશ થાય છે. બંને દેશોના ચૂંટણી પંચો વચ્ચે તેમ જ આર્થિક સંબંધોને આગળ ધપાવવામાં મદદરૂપ બને તે માટેના ચોક્કસ ધારાધોરણો ઘડવા સંબંધિત બે સંમતિપત્રો પર પણ હસ્તાક્ષરો થયાં હતાં. વડા પ્રધાન એ વાત પર ભાર મુક્યો હતો કે આ ક્ષેત્રના પાંચ દેશોની તેમની યાત્રા એ બાબત દર્શાવે છે કે ભારત, મધ્ય એશિયા સાથેના સંબંધોને કેટલું મહત્ત્વ આપે છે. કિર્ગિઝસ્તાન આ પરિકલ્પનાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.

તૂર્કમેનિસ્તાન સાથે ઊર્જા ક્ષેત્રે કરાર

વડા પ્રધાન મોદીએ તુર્કમેનિસ્તાનના પ્રવાસ દરમિયાન ઊર્જા ક્ષેત્રમાં લાંબા ગાળાની ઈચ્છા દર્શાવીને કુલ સાત કરાર પર પણ સહી કરી હતી. આ દરમિયાન બંને દેશોએ આતંકવાદ સામે લડવા પરસ્પર સહકાર માટે પણ સહમતિ દાખવી હતી.
૧૦ જુલાઇએ મોદીએ અશ્ગાબેટમાં તુર્કમેનિસ્તાનના પ્રમુખ ગુરબાન્ગુલી બેરદિમુખઆમેદોવે ઔપચારિક ચર્ચા કરી હતી. આ દરમિયાન બંને દેશોના વડાઓએ આતંકવાદ સહિતની ગુનાખોરી અને ડ્રગ ટ્રાફિકિંગ સામે કડક પગલાં લેવા મુદ્દે ચર્ચાવિમર્શ કર્યો હતો. તુર્કમેનિસ્તાનની મુલાકાત દરમિયાન મોદીએ પરંપરાગત ઔષધ અને યોગ કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું. તેમ જ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતાં મોદીએ વિશ્વ સામેના સૌથી મોટા બે પડકારો તરીકે આતંકવાદ અને ક્લાઈમેટ ચેન્જને ગણવતા કહ્યું હતું કે, આ બંને પ્રશ્નોનો ઉકેલ મહાત્મા ગાંધીના જીવન અને આદર્શોમાંથી મળે છે. મને આશા છે કે તુર્કમેનિસ્તાનના લોકો ગાંધીજીના જીવન અને તેમનાં આદર્શોમાંથી કંઈક શીખશે.
વડા પ્રધાન મોદીએ તાપી (તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈન્ડિયા) પાઈપલાઈન પ્રોજેક્ટને તમામ દેશો માટે અત્યંત મહત્વનો ગણાવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત ઈરાન થઈને જમીન અને દરિયાઈ માર્ગે ગેસની આપ-લે માટે પાઈપલાઈન નંખાશે. આ ગેસ ભારત સહિતના દેશોને તુર્કમેનિસ્તાનમાંથી મળશે. તુર્કમેનિસ્તાનમાં વિશ્વના ચોથા નંબરના સૌથી મોટી કુદરતી ગેસનો ભંડાર છે.
કઝાકિસ્તાન વિશ્વાસપાત્ર સાથી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સેન્ટ્રલ એશિયાની યાત્રાના બીજા દિવસ સાતમી જુલાઇએ કઝાકિસ્તાન પહોંચ્યા હતા. મોદીએ અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં ટ્વિટ કર્યું હતું, 'કઝાકિસ્તાન પહોંચી મને ખુબ ખુશી થઈ છે. કઝાકિસ્તાન મધ્ય એશિયામાં ભારતનું ભરોસેમંદ સાથી છે.'
વડા પ્રધાને અસ્તાનામાં આવેલી નઝારબાયેવ યુનિર્વિસટીમાં ઇન્ડિયા-કઝાક સેન્ટર ફોર એક્સિલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, 'કઝાકિસ્તાન અમેરિકા સહિત આંતરરાષ્ટ્રીય ફોરમમાં જવાબદારી અને પ્રગલ્ભતાનો અવાજ છે. ૨૦૧૧-૧૨માં યુએનની સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ અપાવવા માટે કઝાકિસ્તાન દ્વારા ભારતને અપાયેલા સમર્થનને કોઈ ભૂલી શકે તેમ નથી. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું, 'આપણે અસ્થિરતાની સરહદ પર જીવી રહ્યા છીએ. આપણે ઉગ્રવાદ અને આતંકવાદની ખૂબ નજીક જીવી રહ્યા છીએ. આથી ભારત અને કઝાકિસ્તાન સુરક્ષા ક્ષેત્રે એકબીજાનો સહયોગ મજબૂત બનાવશે. ભારત અને મધ્ય એશિયાએ ઇસ્લામિક વારસાએ સમાનરૂપે અપનાવ્યો છે અને આ વારસાએ ઉગ્રવાદને નકાર્યો છે.’
તાશ્કંદમાં ભારતીયોને સંબોધન
સાતમી જુલાઇએ કઝાકિસ્તાન જવા રવાના થતા પહેલા મોદીએ તાશ્કંદમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં ભારતની સમૃદ્ધિ વધવાની સાથે તેની ભાષા પણ સમૃદ્ધ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter