‘ભારત બંધ’થી જનજીવન ખોરવાયુંઃ રૂ. ૨૫,૦૦૦ કરોડનું નુકસાન

Thursday 03rd September 2015 03:40 EDT
 
 

નવી દિલ્હીઃ સરકાર હસ્તકના જાહેર સાહસોના ખાનગીકરણ અને શ્રમ કાયદાઓમાં સૂચિત સુધારાના વિરોધમાં જુદા જુદા ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનના ૧૫ કરોડથી વધુ કામદારો બુધવારે ૨૪ કલાકની હડતાળ પર ઊતરી જતાં દેશનાં મોટા ભાગનાં શહેરો અને રાજ્યોમાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. એક દિવસીય હડતાળને કારણે ઔદ્યોગિક ક્ષેત્રને આશરે ૨૫ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.
બેંકિંગ, મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન, કોલ માઇનિંગ સહિત વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના ૧૫ કરોડથી વધુ કામદારો હડતાળમાં જોડાતાં ઔદ્યોગિક ઉત્પાદનથી માંડીને આર્થિક વ્યવહારો, ટ્રાન્સપોર્ટેશન સહિતની સેવાઓ ખોરવાઇ ગઇ હતી. આ હડતાળમાં ભાજપસમર્થિત ભારતીય મજદૂર સંઘ અને એનએફઆઇટીયુ જોડાયાં નહોતાં, તેમ છતાં બંધની વ્યાપક અસર જોવા મળતી હતી. દેશના વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના ટોચના સંગઠન ‘એસોચેમ’ (ધ એસોસિએસેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઓફ ઇંડિયા)ના અંદાજ અનુસાર આ હડતાળને કારણે ઔદ્યોગિક ક્ષેત્રને રૂ. ૨૫,૦૦૦ કરોડનો ફટકો પડ્યો છે.
ઓલ ઇન્ડિયા બેંકિંગ એમ્પ્લોઇઝ એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી. એચ. વેંકટચલમે દાવો કર્યો હતો કે રિઝર્વ બેંક ઓફ ઇંડિયા (આરબીઆઇ), નેશનલાઇઝ્ડ બેંકો, જૂની ખાનગી ક્ષેત્રની બેંકો, સહકારી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. બેંકોમાં હડતાળને કારણે અબજો રૂપિયાના વ્યવહારો ખોરવાયા હતા.
દેશવ્યાપી બંધની સૌથી વધુ અસર ડાબેરી પ્રભાવિત પશ્ચિમ બંગાળ, કેરળ અને ત્રિપુરામાં જોવા મળી હતી. પશ્ચિમ બંગાળ, કેરળ અને ત્રિપુરામાં રસ્તાઓ પરથી બસો, ઓટોરિક્ષા અને ટેક્સીઓ જોવા મળતા નહોતા. બેંકો, શાળા, કોલેજો, હોટેલો, રેસ્ટારાં સંપૂર્ણપણે બંધ રહ્યાં હતાં. સરકારી કચેરીઓમાં પાંખી હાજરી જોવા મળી હતી. પશ્ચિમ બંગાળમાં બંધસમર્થક ડાબેરીઓ અને બંધનો વિરોધ કરી રહેલા તૃણમૂલના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણો સર્જાઇ હતી.
પાટનગર દિલ્હીમાં ઓટોરિક્ષા અને ટેક્સીવાળાઓ હડતાળ પર ઊતરતાં પ્રવાસીઓને ભારે હાડમારીનો સામનો કરવો પડયો હતો. બિહારમાં હડતાળિયા કામદારોએ હાઇવે અને રેલવે લાઇનો પર ચક્કાજામ કર્યો હતો. ઉત્તર પ્રદેશમાં ડાબેરી અને કોંગ્રેસનું સમર્થન ધરાવતા યુનિયનો અને ભાજપનો ટેકો ધરાવતા યુનિયનોના કામદારો વચ્ચે મારામારીની ઘટના બની હતી.
પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ચંડીગઢમાં સરકારસંચાલિત બસસેવાઓ ઠપ થતાં હજારો પ્રવાસીઓને હાડમારીનો સામનો કરવો પડયો હતો. આંધ્ર પ્રદેશ, તેલંગણા, મધ્ય પ્રદેશમાં બંધની વ્યાપક અસરને કારણે જનજીવન ઠપ રહ્યું હતું. જોકે ગુજરાત, તામિલનાડુ, રાજસ્થાન સહિતનાં કેટલાંક રાજ્યોમાં બંધની અસર જોવા મળી નહોતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter