‘ભારત માતા કી જય’ બિનઇસ્લામિક: ફતવો

Saturday 02nd April 2016 08:33 EDT
 
 

દેવબંદઃ વિશ્વની સૌથી મોટી ઇસ્લામિક સેમિનરી ગણાતા દારૂલ ઉલૂમ દેવબંદે પહેલી એપ્રિલે જારી કરેલા ફતવામાં જણાવ્યું છે કે, ‘ભારત માતા કી જય’ના નારા ઈસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. હિંદુ માન્યતા અનુસાર ભારત માતા દેવી છે અને તેઓ ભારત માતાની પૂજા કરે છે. મુસ્લિમો માટે દેવીની પૂજા કરવી બિનઈસ્લામિક છે. ફતવામાં એવું પણ જણાવાયું છે કે, અમે અમારા દેશને પ્રેમ કરીએ છીએ, પરંતુ તેની પૂજા કરતાં નથી. ઈસ્લામમાં ફક્ત એક જ પરમેશ્વરની આરાધનાની પરવાનગી અપાઇ છે.
વંદે માતરમ્ બાદ દારૂલ ઉલૂમ દેવબંદે ‘ભારત માતા કી જય’ને પણ બિનઈસ્લામિક ગણાવ્યું છે, પરંતુ મુસ્લિમ સમાજ આ ફતવાનો વિરોધ કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મુસ્લિમ સમુદાયના લોકોએ સડકો પર ઉતરીને ફતવા સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.
ગાઝિયાબાદના ઇમામથી માંડીને મુસ્લિમ રાજકીય નેતાઓ અને વકીલોએ ફતવાની નિંદા કરતા જણાવ્યું હતું કે, રાજકારણમાં પોતાની દુકાનો ચલાવવા માટે આ પ્રકારના ફતવા જારી કરાય છે. ગાઝિયાબાદના ઇમામ કે ઝેડ. બુખારીએ જણાવ્યું હતું કે અમે આ ફતવાને માનતા નથી. ‘ભારત માતા કી જય’ બોલવામાં કશો વાંધો નથી. આ પ્રકારના ફતવા રાજકીય લાભ ખાટવા જારી કરાય છે. બાળપણથી અમારા માટે ‘ભારત માતા કી જય’નો અર્થ હિંદુસ્તાન ઝિંદાબાદ રહ્યો છે.
ભાજપના નેતા શાહનવાઝ હુસૈને જણાવ્યું હતું કે, અમે ‘ભારત માતા કી જય’નો નારો લગાવતા હતાં અને લગાવતાં રહીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter