‘મહાભારત’ના ભગવાન ‘ઈન્દ્ર’ સતીશ કૌલનું નિધન

Thursday 15th April 2021 07:00 EDT
 
 

મુંબઇ: અનેક પંજાબી, મરાઠી અને હિંદી ફિલ્મોમાં કામ કરી ચુકેલા અભિનેતા સતીશ કૌલનું નિધન થઇ ગયું છે. તેઓ બી. આર. ચોપરાની ટીવી સિરિયલ મહાભારતમાં ઇંદ્રની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતા થઇ ગયા હતા. સતીશ કૌલે ૭૪ વરસની વયે ૧૦ એપ્રિલે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા થોડા દિવસથી તેઓ કોરોનાગ્રસ્ત થયા હતા.
સતીશ કૌલ પંજાબી, મરાઠી અને હિંદી ફિલ્મના જાણીતા અભિનેતા હતા. તેઓ છેલ્લા થોડા સમયથી કોરોનાના સપાટામાં આવ્યા હતા. સતીશ કૌલે મહાભારત, સર્કસ અને વિક્રમ વૈતાલ જેવા ટીવી શોમાં કામ કર્યું હતું.
સતીશ કૌલ આમ તો ગયા વરસના લોકડાઉનથી જ બીમાર રહેતા હતા અને ગરીબીમાં જીવન પસાર કરી રહ્યા હતા. તેઓ લુધિયાણામાં એક નાનકડા ઘરમાં રહેતા હતા. ગયા વરસે તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓ ઘરના ભાડા પેટે મહિને રૂપિયા ૭૫૦૦ ચૂકવતા હતા. સતીશ પાસેની જમા પૂંજી એક બિઝનેસમાં ડૂબી ગઇ હતી.
જોકે આવી પરિસ્થિતિમાં પણ સતીશે ફરી અભિનય કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ‘મને જે પણ રોલ મળશે તે કરવા હું રાજી છું’ તેમ તેમણે જણાવ્યું હતું.
સતીષે અનેક ટીવી સિરિયલ ઉપરાંત ૩૦૦ જેટલી ફિલ્મોમાં અલગ અલગ ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેમણે અમિતાભ બચ્ચન, દેવ આનંદ, દિલીપકુમાર જેવા દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter