‘મુંબઇના દિલ’ને ચેતનવંતુ કરશે અદાણી જૂથ

Tuesday 18th July 2023 13:06 EDT
 
 

મુંબઇઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આવેલી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં અદાણી જૂથ રિડેવલપમેન્ટ કરશે. આ ઝૂંપડપટ્ટી માટેના ધારાવી સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને મહારાષ્ટ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. પ્રોજેક્ટના સીઈઓ એસ.વી.આર. શ્રીનિવાસે જણાવ્યું હતું કે આ બાબતમાં સરકારી ઠરાવ પણ જાહેર કરાયો છે. ટૂંકમાં જ લેટર ઓફ એવોર્ડ પણ જાહેર કરાશે.
ગયા વર્ષે અદાણી જૂથ ધારાવી સ્લમ એરિયાને ફરીથી વિકસાવવા માટેના પ્રોજેક્ટ માટે હરાજીમાં બીડ કર્યું હતું. તેણે રૂ. 5,069 કરોડનું બિડિંગ કર્યું હતું. જ્યારે ડીએલએફે રૂ. 2,025 કરોડનું બિડિંગ કર્યું હતું. જોકે ટેક્નિકલ બિડિંગમાં નમન જૂથ ક્વોલિફાઈ કરી શક્યો નહોતું. ધારાવીમાં શિક્ષણ અને સ્વચ્છતાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. હવે અદાણી ઈન્ફ્રા આ જગ્યાને સુધારવામાં કામ કરશે.
240 હેક્ટરમાં પથરાયેલા ધારાવીને નવેસરથી વિકસાવવાની યોજના બે દાયકા અગાઉ તૈયાર કરવામાં આવી હતી. જોકે, તેમાં અનેક અવરોધો આવતાં રહ્યાં હતાં. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે ઓક્ટોબર 2022માં નવેસરથી ટેન્ડર જાહેર કર્યાં હતાં. અગાઉ આ પ્રોજેક્ટ માટે લગાવવામાં આવેલી બોલીને ઉદ્ધવ ઠાકરે સરકારે 2019માં રદ કરી હતી. જોકે, હવે પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે.

8 લાખની વસતી, 13 હજાર બિઝનેસ
એક અનુમાન મુજબ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં રૂ. 23,000 કરોડનો ખર્ચ થશે. મુંબઈનું દિલ ગણાતાં ધારાવીને અંગ્રેજોના સમયમાં વસાવવામાં આવ્યું હતું. હાલમાં તે વિશ્વની ત્રીજી સૌથી મોટી અને એશિયાની સૌથી મોટી વસ્તી છે. ધારાવીમાં કેટલા લોકો રહે છે તેનો કોઈ ચોક્કસ આંકડો નથી પરંતુ એક અંદાજ મુજબ 240 હેક્ટર વિસ્તારમાં 8 લાખ લોકો રહે છે. જ્યારે 13 હજાર નાના બિઝનેસિસ આવેલા છે.

મહારાષ્ટ્ર સરકારે સમગ્ર વિસ્તારને અવિકસિત ક્ષેત્ર તરીકે જાહેર કર્યું છે. તેણે એક સ્પેશિયલ પ્લાનિંગ ઓથોરિટી બનાવી છે. પસંદ કરવામાં આવેલા ભાગીદારે એક સ્પેશિયલ પર્પઝ વ્હિકલ (એસપીવી) બનાવવાનું રહેશે. જેમાં તેની પાસે 80 ટકા ઈકિવટી અથવા રૂ. 400 કરોડનું ફંડ હશે. જ્યારે મહારાષ્ટ્ર સરકાર 20 ટકા ઈક્વિટી અથવા રૂ. 100કરોડનું ફંડ ધરાવતી હશે. એસપીવી મારફતે યોગ્ય ઝૂંપડીવાસીને મફતમાં મકાન આપવામાં આવશે. સાથે હરાજીની શરતોમાં જણાવાયેલી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter