નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિજેતા જાહેર થયા બાદ પ્રતિક્રિયા આપતા રામનાથ કોવિંદે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવું મારું લક્ષ્ય નહોતું, હવે બંધારણની સુરક્ષા મારું કર્તવ્ય રહેશે. હું સર્વે ભવંતુ સુખિનઃની ભાવનાથી કામ કરીશ. હું મીરા કુમારને અભિનંદન પાઠવું છું. જે પદનું ગૌરવ રાજેન્દ્ર પ્રસાદ, રાધાકૃષ્ણન, અબ્દુલ કલામ, પ્રણવ મુખરજી જેવા વિદ્વાનોએ વધાર્યું છે તેના માટે મારી પસંદગી મને જવાબદારીનો અહેસાસ કરાવે છે.
તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. આ વાતાવરણે મને બાળપણના દિવસોની યાદ અપાવી. જ્યારે વતનમાં રહેતો હતો ત્યારે અમારું ઘર કાચા મકાનમાં હતું. માટીની દીવાલો હતી. વરસાદ પડતો ત્યારે ઘાસની બનેલી કાચી છતમાંથી પાણી ટપકતું. અમે ભાઈ-બહેનો દીવાલ સાથે ખોડાઈને વરસાદ બંધ પડવાની રાહ જોતા. આજે પણ કોણ જાણે કેટલાય કોવિંદ વરસાદમાં ભીંજાતા હશે, ખેતરમાં કામ કરતા હશે અને બે ટંકના ભોજન માટે કાળી મજૂરી કરતા હશે. પરોંખા ગામનો રામનાથ કોવિંદ આ તમામના પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રપતિભવનમાં જઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ પદે મારી પસંદગી ભારતીય લોકશાહીની મહાનતા છે. રાષ્ટ્રપતિ બનવાનું ક્યારેય મારું લક્ષ્ય નહોતું કે ક્યારે એ વિશે વિચાર્યું નહોતું. અથાકપણે દેશની સેવા કરવાની ભાવના મને અહીં સુધી લઈ આવી છે. આ પદે હું સર્વે ભવન્તુ સુખીનની ભાવના સાથે સેવા કરીશ.