‘હું ઇચ્છું છું કે મારો દીકરો એકદમ ખરાબ બને...’

અફસોસ... આર્યને પિતા શાહરુખનું ‘સપનું’ સાકાર કર્યું

Wednesday 06th October 2021 04:13 EDT
 
 

મુંબઇઃ બોલિવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ ખાને આજથી ૨૪ વર્ષ પૂર્વે કહ્યું હતુંઃ ‘હું ઇચ્છું છું કે મારો દીકરો એકદમ ખરાબ બને... મારો દીકરો ડ્રગ્સ અને સેક્સને એન્જોય કરે...’ ૧૯૯૭માં પત્ની ગૌરી સાથે એક ટીવી શોમાં શાહરુખ ખાને આ શબ્દો કહ્યા ત્યારે તેને કલ્પના પણ નહીં હોય કે તેના આ શબ્દો કમનસીબે એક દિવસ સાચા પડશે. તે વેળા શાહરુખ ખાન ભલે કદાચ હસીમજાકમાં આ શબ્દ બોલ્યો હશે, પણ આજે તેનો યુવાન પુત્ર આર્યન ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ની કસ્ટડીમાં છે અને કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે.
એનસીબી - મુંબઇ યુનિટે રવિવારે મશહૂર અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન અને તેના બે મિત્ર અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચા સહિત આઠની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી છે. એનસીબીની પૂછપરછમાં આર્યને ડ્રગ્સનું સેવન કર્યું હોવાનું સ્વીકાર્યું હતું, પણ તેણે ડ્રગ્સ ખરીદ્યું હોવાનું નકાર્યું હતું.
આઠની અટકાયત
એનસીબીએ જે આઠ લોકોને કસ્ટડીમાં લીધા છે તેમાં આર્યન ઉપરાંત અરબાઝ (શાહરુખ ખાનની દીકરી સુહાનાનો મિત્ર), મુનમુન ધામેચા (દિલ્હીના બિઝનેસમેનની દીકરી), નૂપુર સારિકા (ફેશન ડિઝાઈનર, દિલ્હીના બિઝનેસમેનની દીકરી), મોહક જયસવાલ (ફેશન ડિઝાઈનર, બિઝનેસમેનની દીકરી), ગોમિત ચોપડા (હેર સ્ટાઈલિસ્ટ), ઇસ્મિત સિંહ, વિક્રાંત ચોકર સામેલ છે.
મુંબઇના દરિયાકિનારા નજીક ૨૦૦૦ પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી મુંબઇથી ગોવા જઇ રહેલી કોર્ડેલિયા ક્રૂઝમાં શનિવારે રાત્રે યોજાયેલી રેવ પાર્ટી પર એનસીબીએ દરોડો પાડયો હતો. જેમાં આર્યન અને તેના મિત્રો ઝડપાયા હતા.અટકાયત બાદ શનિવાર રાતથી સળંગ પૂછપરછ બાદ એનસીબી ટીમે રવિવારે એનડીપીએસ એક્ટની કલમ ૨૭ અંતર્ગત આર્યન સહિત અન્યો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આરોપીઓએ સોમવારે જામીન અરજી તો રજૂ કરી હતી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દઇને તેમને સાતમી ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
નશીલા પદાર્થો ઝડપાયા
રેવ પાર્ટી પર દરોડા દરમિયાન એનસીબી અધિકારીઓએ કોકેન, મેફિડ્રોન અને એસ્કટસી સહિતના માદક દ્રવ્યો જપ્ત કર્યાં હતાં. શનિવારે મુંબઇથી ગોવા જનારા ક્રુઝમાં રેવ પાર્ટી યોજાવાની છે તેવી બાતમીના આધારે અધિકારીઓ પ્રવાસીના સ્વાંગમાં ક્રુઝ પર સવાર થયા હતા અને આરોપીઓને ડ્રગ્સ સાથે ઝડપી લીધાં હતાં. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અમે કોઇ પણ પક્ષપાત વિના તપાસ કરી રહ્યાં છીએ. આ કેસમાં બોલિવૂડ અને કેટલાક અમીર લોકોની સંડોવણી બહાર આવી છે તો આવવા દો. અમે કાયદાના દાયરામાં રહીને જ કામ કરી રહ્યાં છીએ.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અમે કોઇ પણ પક્ષપાત વિના તપાસ કરી રહ્યાં છીએ. આ કેસમાં બોલિવૂડ અને કેટલાક અમીર લોકોની સંડોવણી બહાર આવી છે તો આવવા દો. અમે કાયદાના દાયરામાં રહીને જ કામ કરી રહ્યાં છીએ.
અધિકારીઓએ ક્રૂઝ શીપમાં ચાલી રહેલી રેવ પાર્ટીમાં દરોડા પાડ્યા એ પછી પાર્ટીમાં સામેલ તમામ લોકોની જડતી લીધી હતી. જેમાં કેટલાક લોકોએ પોતાના અંડરગાર્મેન્ટમાં ડ્રગ્સ છૂપાવ્યું હોવાનું તો યુવતીઓએ પર્સના હેન્ડલમાં, સેનેટરી નેપકીનમાં ડ્રગ્સ છુપાવ્યું હોવાનું ખૂલ્યું હતું. કેટલીક છોકરીઓએ પેન્ટની સિલાઇમાં તથા શર્ટના કોલરમાં ડ્રગ્સ છુપાવી રાખ્યું હતું. આર્યને લેન્સના બોક્સમાં ડ્રગ્સ છુપાવ્યું હતું તેના મિત્ર અરબાઝે જૂતામાં ડ્રગ્સ છુપાવ્યું હતું.
આર્યન સતત ડ્રગ્સ લેતો હતો
એનસીબીએ આર્યન ખાન સહિત પાર્ટીમાં ઝડપાયેલા તમામ લોકોના મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. જેમાં આર્યનની મોબાઇલ ફોન ચેટમાં ચોંકાવનારી જાણકારી સામે આવી હતી. ફોનના પ્રારંભિક સ્કેનિંગમાં જાણવા મળ્યું છે કે આર્યન ડ્રગ્સનું સેવન નિયમિતપણે કરે છે તથા તે વારંવાર ડ્રગ્સ મંગાવ્યા કરતો હતો. એનસીબીએ અગાઉ જે ડ્રગ પેડલરની પૂછપરછ કરી હતી તેણે ગોવા જતા ક્રૂઝ શીપ માટે ડ્રગ્સ સપ્લાય કર્યાનું સ્વીકાર્યું હતું. એનસીબીએ અટકાયત બાદ આર્યનની શાહરુખ ખાન સાથે લેન્ડલાઇન ટેલિફોન પર વાત કરાવી ત્યારે તે સતત રડતો હતો.
બટાટા ગેંગ પર શંકાની સોય
લક્ઝુરિયસ ક્રૂઝમાં ચાલી રહેલી રેવ પાર્ટીના તાર શાહરુખના પુત્ર જ નહીં અનેક ફિલ્મ સ્ટારના સંતાનો સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અટકાયતમાં લેવાયેલાના મોબાઇલ ફોનની તપાસ બાદ આખું નેટવર્ક બહાર આવી રહ્યું છે. તપાસમાં બોલિવૂડ સ્ટારના સંતાનો જ નહીં, અગાઉ ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા ફિલ્મીસિતારાઓના નામ પણ સામે આવ્યાં છે. રેવ પાર્ટીઓના આયોજન પાછળ બટાટા ગેંગનો હાથ હોવાની શંકા છે.
સમીર વાનખેડેથી બોલિવૂડમાં ફફડાટ કેમ?
એનસીબીના મુંબઈના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેનું નામ સતત ચર્ચામાં છે. ૨૦૦૮ની બેચના આઈઆરએસ અધિકારી વાનખેડે મહારાષ્ટ્રના વતની છે. એર ઈન્ટેલિજન્સ યુનિટમાં ડેપ્યુટી કમિશનર અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીમાં પણ તેઓ અગાઉ ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ જોઈન્ટ કમિશનર ઓફ ડીઆરઆઈ પણ હતા. ૨૦૧૩માં વાનખેડેએ મુંબઈ એરપોર્ટ પર સિંગર મિકા સિંહને વિદેશી ચલણ સાથે પકડયો હતો. આ સિવાય અનુરાગ કશ્યપ, વિવેક ઓબેરોય, રામગોપાલ વર્મા સહિત અન્ય સેલિબ્રિટીની પ્રોપર્ટી પર પણ તે છાપો મારી ચૂક્યા છે. વિવિધ કાર્યવાહી દરમિયાન વાનખેડે અને તેમની ટીમે અંદાજે ૧૭ હજાર કરોડ રૂપિયાના નશીલા પદાર્થો જપ્ત કર્યા છે. વર્ષ ૨૦૧૭માં સમીર વાનખેડેએ મરાઠી અભિનેત્રી ક્રાંતિ રેડકર સાથે લગ્ન કર્યા હતા. બોલિવૂડના ડ્રગ્સ રેકેટમાં તેમણે અનેક અભિનેતા-અભિનેત્રીની પૂછપરછ અને ધરપકડ કરી છે.
બોલિવૂડ શાહરુખની પડખે
ડ્રગ્સ કેસમાં આર્યનની અટકાયત કરવામાં આવી હોવા છતાં બોલિવૂડ શાહરુખ ખાનને પડખે ઊભેલું જોવા મળે છે. સૌપ્રથમ રવિવારે રાત્રે સુપરસ્ટાર સલમાન ખાન શાહરુખના નિવાસસ્થાન ‘મન્નત’ પર પહોંચી ગયો હતો અને ચિંતા વ્યક્ત કરી હતી. સલમાન તેની લક્ઝુરિયસ રેન્જ રોવર કારમાં હેટ અને બ્લુ ટી-શર્ટમાં તેને મળવા પહોંચ્યો હતો. સલમાને શાહરુખને રૂબરૂ મળીને ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે અન્યો સોશિયલ મીડિયાની માધ્યમથી શાહરુખની પડખે ઊભા રહ્યા હતા. નિર્માતા હંસલ મહેતા, પુજા ભટ્ટ, સૂચિતા કૃષ્ણમૂર્તિ અને સુનિલ શેટ્ટીએ પણ શાહરુખ સાથે અડીખમ ઊભા રહી એકતા દર્શાવી હતી.

‘મારો દીકરો ડ્રગ્સ અને સેક્સને એન્જોય કરે’

૨૪ વર્ષ પહેલાંની શાહરુખની આ વાત હવે સાચી પડી છે. ‘હું ઇચ્છું છું કે મારો દીકરો એકદમ ખરાબ છોકરો બને...’ આ શબ્દો છે શાહરુખ ખાનના. ૧૯૯૭માં પત્ની ગૌરી સાથે તેણે સિમી ગરેવાલના ટીવી શોમાં આ વાત કહી હતી. શાહરુખ ખાને કહ્યું હતું, ‘હું ઈચ્છું છું કે જે કામો મેં ટીનેજમાં નહોતા કર્યા તે તમામ કામો આર્યન કરે. મારી પાસે પૂરતી સગવડ ના હોવાથી હું આ તમામ બાબતો કરી શક્યો નહોતો. મારો દીકરો જ્યારે ૩-૪ વર્ષનો થશે ત્યારે હું તેને કહીશ કે તે છોકરીઓ પાછળ ભાગી શકે છે, ડ્રગ્સ લઈ શકે છે અને સેક્સ પણ માણી શકે છે. હું નાની ઉંમરમાં જ તેને કહીશ કે તે આ બધું જ કરી શકે છે. તે એકદમ ખરાબ છોકરો બનવો જોઈએ. જો તે સારો છોકરો બનશે તો હું તેને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter