’૯૩ના મુંબઇ બોમ્બ વિસ્ફોટ કેસમાં અબુ સાલેમ સહિત છ કસૂરવાર

Friday 16th June 2017 06:11 EDT
 
 

મુંબઇઃ મહાનગર મુંબઇ સહિત સમગ્ર ભારતને હચમચાવી નાખનારા ૧૯૯૩ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં શુક્રવારે સ્પેશ્યલ ટાડા કોર્ટે ચુકાદો અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ સહિત છ આરોપીને કસૂરવાર ઠરાવ્યા છે જ્યારે એકને મુક્ત કરાયો છે. દોષિત આરોપીઓમાં અબુ સાલેમ, મુસ્તફા ડોસા, કરીમુલ્લા શેખ, રિયાઝ સિદ્દીકી, તાહિર મર્ચન્ટ અને ફિરોઝ ખાનનો સમાવેશ થાય છે. કોર્ટે તમામ આરોપોમાંથી મુક્ત કરેલા આરોપીનું નામ અબ્દુલ કયુમ છે. કોર્ટે તેને પર્સનલ બોન્ડ પર છોડવા આદેશ આપ્યો હતો. કોર્ટે કેસની વધુ સુનાવણી ૧૦ જૂન પર મુલત્વી રાખી છે. બાદમાં દોષિતોને સજા ફરમાવવાની તરીખ જાહેર થશે.

ઉલ્લેખનીય છે કે ૨૪ વર્ષ પહેલાં ૧૨ માર્ચ ૧૯૯૩ના રોજ મુંબઇમાં બે કલાકના ગાળામાં ૧૨ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. દેશની આર્થિક રાજધાનીને હચમચાવી નાખનારા આ બ્લાસ્ટમાં ૨૫૭ લોકો માર્યા ગયા હતા અને ૭૧૩ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સીબીઆઇના જણાવ્યા અનુસાર, મુંબઇના શ્રેણીબદ્ધ વિસ્ફોટો ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ ધ્વંસ બાદ થયેલા રમખાણોનો બદલો લેવા માટે કરવામાં આવ્યા હતા. સીબીઆઇએ કોર્ટને તેમ પણ જણાવ્યું હતું કે મુંબઇ બ્લાસ્ટ વિશ્વનો પ્રથમ એવો આતંકી હુમલો હતો જ્યાં બીજા વિશ્વ યુદ્ધ બાદ મોટા પ્રમાણમાં આરડીએક્સનો ઉપયોગ કરાયો હતો.

કોર્ટે માન્યું હતું કે ડોસા, સાલેમ, મર્ચન્ટ અને ફિરોઝ ખાન આ શ્રેણીબદ્ધ વિસ્ફોટોના મુખ્ય આરોપીઓ હતા. જોકે કોર્ટે તમામ આરોપીઓને દેશ વિરુદ્ધ જંગ છેડવાના આરોપમાંથી મુક્ત કર્યા છે. સાલેમને કાવતરું ઘડવાના, આતંકી ગતિવિધિઓમાં સામેલ થવા સહિત ઘણી કલમો અંતર્ગત દોષિત ઠરાવવામાં આવ્યો છે. સાલેમ પર આરોપ હતો કે તેણે બોમ્બ વિસ્ફોટ માટે જરૂરી વિસ્ફોટકો અને શસ્ત્રોનું કન્સાઇન્મેન્ટ મુંબઇ પહોંચાડ્યું હતું. મુસ્તફા ડોસા સામે મર્ડર કેસ, એક્સપ્લોસિવ એક્ટ, ગુનાહિત કાવતરું, આતંકી ગતિવિધિઓમાં સંડોવણી સહિતના આરોપો પુરવાર થયા છે. ડોસાને મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઇબ્રાહીમનો ખાસ સાથીદાર માનવામાં આવે છે. તેનો ભાઇ મોહમ્મદ ડોસા હાલ આ જ કેસમાં ફરાર છે. ફિરોઝ ખાનને કાવતરું ઘડવાના અને મર્ડરની અન્ય કલમો તથા એક્સપ્લોસિવ એક્ટ અંતર્ગત દોષિત ઠરાવાયો હતો. નોંધનીય છે કે અગાઉ ૧૦ વર્ષ પૂર્વે જે ૧૦૦ લોકોને આ કેસમાં દોષિત ઠરાવવામાં આવ્યા હતા તેમાં બોલિવૂડ અભિનેતા સંજય દત્તનો પણ સમાવેશ થાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter