ખાદી ગ્રામોદ્યોગનાં કેલેન્ડર-ડાયરી પર ગાંધીજીના બદલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચરખા સાથેના ફોટા પર થયેલા વિવાદ વચ્ચે વડા પ્રધાન કાર્યાલયે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય પાસેથી સ્પષ્ટતા માગી છે. સૂત્રો અનુસાર ખાદી ગ્રામોદ્યોગનાં કેલેન્ડર-ડાયરી પર પીએમ મોદીનાં ફોટાનો ઉપયોગ પીએમઓની મંજૂરી વિના કરવામાં આવ્યો છે.
• પૂર્વ ચીફ એન્જિનિયરની રૂ. ૨૦ કરોડની સંપત્તિ જપ્તઃ નોઈડામાં પૂર્વ ચીફ એન્જિનિયર તરીકે ફરજ બજાવી ચૂકેલા યાદવસિંહની રૂ. ૨૦ કરોડની સંપત્તિ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે ટાંચમાં લીધી છે. ઈડીએ કહ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમની આવકના જાણીતા સ્ત્રોત કરતાં તેમની પાસે અનેકગણી સંપત્તિ હોવાથી જપ્ત કરવામાં આવી છે. જેમાં તેમની પત્નીના નામે ચાલતી ૩ કન્સ્ટ્રક્શન કંપનીઓનો પણ સમાવેશ થાય છે.
• કાશ્મીરમાં ત્રણ આતંકી ઠારઃ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો સાથે રાતભર ચાલેલી ભીષણ અથડામણમાં ત્રણ આતંકીને ૧૬મીએ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. સેનાના એક અધિકારીએ સોમવારે જણાવ્યું કે જિલ્લાના પહલગામ વિસ્તારના અવુરા ગામમાં આતંકીઓ સાથે ભીષણ અથડામણ સર્જાઈ હતી. હિઝબુલ સાથે જોડાયેલા આ આતંકી એક મકાનમાં છુપાયેલા હતા. તેમની પાસેથી ઘણા શસ્ત્રો કબજે કરાયા છે.
• અમરનાથ યાત્રા ૨૯ જૂનથીઃ અમરનાથ યાત્રા આ વખતે ૨૯ જૂનથી શરૂ થશે. ૪૦ દિવસ સુધી ચાલતી આ યાત્રાનું સમાપન સાત ઓગસ્ટે રક્ષાબંધનને દિવસે થશે. બાબા બરફાનીના દર્શન માટે બાલટાલ અને પહેલગામ રૂટથી આ યાત્રા માટે એક માર્ચથી દેશની ૪૩૩ બેન્ક શાખાઓમાં રજિસ્ટ્રેશન શરૂ થશે.
• GST એપ્રિલને બદલે હવે જુલાઈથીઃ ભારત સરકારે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ પાડવાની મર્યાદા લંબાવી છે. નાણા પ્રધાન અરુણ જેટલીએ જાહેરાત કરી છે કે હવે જીએસટીને એક એપ્રિલથી નહીં પરંતુ પહેલી જુલાઈથી લાગુ કરાશે. એક એપ્રિલે જીએસટી લાગુ પાડવા માટે સહમતિ ન સાધી શકાઈ હોવાને કારણે સરકારે જીએસટી લાગુ પાડવા માટે વધારે સમય આપવાની ફરજ પડી છે.
• અરનબની ચેનલમાં સાંસદનું રોકાણઃ રાજ્યસભાના સાંસદ અને કેરળમાં એનડીએના ઉપાધ્યક્ષ રાજીવ ચંદ્રશેખર, ટીવી પત્રકાર અરનબ ગૌસ્વામીના નવા મીડિયા સાહસ રીપબ્લિક ટીવી ચેનલમાં ડાયરેક્ટર છે. તેઓ ફર્મમાં સૌથી મોટા રોકાણકારોમાંથી એક છે. રીપબ્લિક તરફથી ગયા નવેમ્બરમાં એક સમાચાર ચેલનની અપલિકિંગ અને ડાઉનલિંકિંગ માટે અરજી થઈ હતી. રીપબ્લિક ચેનલ એઆરજી આઉટલિયર મીડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની હશે.
• એર ઇન્ડિયાના સોફ્ટવેર કૌભાંડમાં સીબીઆઇ તપાસઃ એર ઇન્ડિયાએ ૨૦૧૧માં કરેલા રૂ. ૨૨૫ કરોડના સોફ્ટવેરના સોદામાં ગેરરીતિ માલૂમ પડતાં સીબીઆઈએ એર ઇન્ડિયાના અજાણ્યા અધિકારીઓ, જર્મન કંપની એસએપી-એજી તેમજ કમ્પ્યુટર કંપની આઈબીએમ સામે એફઆઈઆર દાખલ કરી છે. કેન્દ્રીય તકેદારી પંચને સોફ્ટવેર હસ્તગત કરવાની પ્રક્રિયામાં ગરબડ જણાતાં ફરિયાદ દાખલ કરવા ભલામણ કરી હતી.
• તિરંગા પછી એમેઝોન પર મહાત્મા ગાંધી ચંપલઃ ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની કડક ચેતવણી પછી ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોનની કેનેડાની વેબસાઈટ પર ભારતીય તિરંગાવાળા પગલૂછણિયાં હટાવ્યાં છે. જોકે હવે નવા અહેવાલ અનુસાર વેબસાઈટ પર મહાત્મા ગાંધીના ફોટાવાળી ચંપલો પણ વેચવામાં આવે છે. કેટલાક ટ્વિટર યૂઝર્સે આ મુદ્દાને ઉછાળ્યો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું આ બાબતે ધ્યાન દોર્યું છે. આ ચંપલોની કિંમત ૧૬.૯૯ ડોલર છે.
• બરખા દત્તની ૨૧ વર્ષે NDTVને અલવિદાઃ મીડિયા જગતના વરિષ્ઠ પત્રકાર બરખા દત્તે એનડીટીવીમાંથી રાજીનામું આપ્યું છે. એનડીટીવીમાં બરખા દત્ત કન્સલટીંગ એડિટર તરીકે કાર્યરત હતાં. તેઓ હવે પોતાનું સાહસ શરૂ કરી શકે છે. એક નિવેદનમાં એનડીટીવી સાથેના તેમના લાંબા કાર્યકાળના વખાણ કરવામાં આવ્યાં હતાં અને તેમને સારા ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ ૧૯૯૫માં કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તરત જ તેઓ એનડીટીવી સાથે જોડાઈ ગયાં હતાં. હવે ભવ્ય ૨૧ વર્ષ વીતાવ્યા પછી બરખાએ અપીલ કરી હતી કે તે નવી તકોની શોધ કરવા માગે છે અને પોતાનું સાહસ શરૂ કરવા માગે છે.