મોદી સરકારના પ્રધાનોએ સત્તામાં આવ્યા પછી પોતાની ઓફિસોમાં મોંઘા ડસ્ટબિન્સ મૂકાવવા સહિતના ફેરફારો કરવાનું પસંદ કર્યું છે. પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ઓફિસમાં ખાસ ફેરફાર કર્યા નથી અને જે કર્યા છે તેમાં પર્યાવરણનું ધ્યાન રાખ્યું છે. મોદી વડા પ્રધાન બન્યા પછી તેમની પર્સનલ ચેમ્બરમાં માત્ર બે જ ફેરફારો થયા છે. તેમાં ટ્યુબલાઈટ્સની જગ્યાએ ઊર્જા બચત કરતી એલઈડી લાઈટ્સ તથા એર કન્ડિશનીંગ સિસ્ટમનો સમાવેશ છે. આ અંગે કરાયેલી એક આરટીઆઈના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી.
• જીએસટી કાઉન્સિલની રચનાને કેબિનેટની મંજૂરીઃ કેન્દ્રિય પ્રધાનમંડળે સોમવારે જીએસટી કાઉન્સિલની રચનાના પ્રસ્તાવને મંજૂરી આપી દેતાં પહેલી એપ્રિલ ૨૦૧૭થી દેશભરમાં એકસમાન જીએસટી કરમાળખું દાખલ કરવાની દિશામાં મહત્ત્વની સફળતા હાંસલ થઈ છે. જીએસટી કાઉન્સિલ નવાં જીએસટી કરમાળખા અંતર્ગત કરના દર નક્કી કરશે. સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણમાં મળેલી કેન્દ્રિય પ્રધાનમંડળની બેઠકમાં જીએસટી કાઉન્સિલની રચનાનો નિર્ણય લેવાયો હતો. આ કાઉન્સિલમાં કેન્દ્રિય નાણા પ્રધાન, મહેસૂલ રાજ્ય પ્રધાન, રાજ્યોના નાણા પ્રધાનોનો સમાવેશ કરાશે. કેબિનેટના આ નિર્ણય બાદ જીએસટી કાઉન્સિલ અને તેના સચિવાલયની સ્થાપનાનો માર્ગ મોકળો બન્યો છે.
• માલ્યાની દેશવિદેશોની સંપત્તિ જપ્ત કરવા ઇડીની કવાયતઃ દેશમાં હતા ત્યાં સુધી અદાલતમાં હાજર થવામાં ગલ્લાંતલ્લાં કરી વિદેશ નાસી ગયા બાદ હવે પાસપોર્ટ નહીં હોવાને કારણે કોર્ટમાં હાજર થઈ શકતો નથી તેવાં બહાનાં બતાવનાર ફુલેકાબાજ બિઝનેસમેન વિજય માલ્યા પર સકંજો મજબૂત બનાવવાની તૈયારી એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે શરૂ કરી દીધી છે. ઈડી માલ્યાની વધુ કેટલાક હજાર કરોડની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરી રહ્યો છે જેમાં બ્રિટન સહિતના વિદેશોમાં આવેલી માલ્યાની સંપત્તિઓનો પણ સમાવેશ થાય છે.
• દાઉદને સાગરીતે રૂ. ૪૦ કરોડનો ચૂનો લગાવ્યોઃ કુખ્યાત દાઉદ ઇબ્રાહિમની છબિ વિશ્વમાં ખૂંખાર આતંકવાદી તરીકેની છે. દુનિયામાં અંડરવર્લ્ડ ડોન તરીકે તે નામચીન છે, પરંતુ હવે એમ લાગી રહ્યું છે કે તેના સાગરીતોને તેનો ડર નથી લાગતો. એક અહેવાલ અનુસાર દાઉદનો સાગરીત ખાલિક તેના રૂ. ૪૦ કરોડ લઈને ફરાર થઈ ગયો છે. ગુપ્તચરો દ્વારા મળતી માહિતી અનુસાર ખલિકે દિલ્હીના કોઈ મોટાં માથાં પાસેથી રૂ. ૪૫ કરોડ લેવાના હતા જેમાંથી રૂ. ૪૦ કરોડ તેણે દાઉદને વિદેશી હવાલા ચેનલ મારફતે મોકલવાના હતા અને રૂ. પાંચ કરોડ ઇનામ પેટે ખલિકને મળવાના હતા, પરંતુ ખલિક રૂ. ૪૦ કરોડ ઓળવીને ગાયબ થઈ ગયો છે.
• અરુણાચલના ગવર્નર રાજખોવાની હકાલપટ્ટીઃ કેન્દ્ર દ્વારા પાણીચું અપાયા બાદ પણ હોદ્દો છોડવાનો ઇનકાર કરનારા અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ જ્યોતિપ્રસાદ રાજખોવાની સોમવારે હકાલપટ્ટી કરાઈ હતી. રાષ્ટ્રપતિભવનની યાદીમાં જણાવાયું હતું કે રાજખોવાને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલના હોદ્દા પરથી હટાવવામાં આવે છે. મેઘાલયના રાજ્યપાલને રાજ્યનો કાર્યભાર સોંપાયો છે.
• ઉના દલિતકાંડથી આરએસએસ ચિંતિતઃ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દસમીએ ઉદયપુરના પ્રતાપ ગૌરવ કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતને મળ્યા હતા. બન્નેએ ગુજરાતની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હોવાનું મનાય છે. ભાગવત સાથેની મુલાકાત બાદ રૂપાણીએ પત્રકારોને એટલું કહ્યું કે તેઓ સંઘના વરિષ્ઠ નેતાઓને મળવા અને તેમના આશીર્વાદ લેવા આવ્યા હતા. અલબત્ત, મુલાકાતને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી રહી છે.
• આપ ધારાસભ્ય અમાનતુલ્લાનું રાજીનામુંઃ આપના ધારાસભ્ય અમાનાતુલ્લા ખાને દિલ્હીનાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પત્ર લખીને એએનઆઈ સહિતનાં તમામ હોદ્દાઓ ઉપરથી ૧૧મીએ રાજીનામું આપી દીધું છે. પોતાના પત્રમાં અમાનાતુલ્લા ખાને જણાવ્યું હતું કે, દિલ્હીનાં લોકોની દિલથી સેવા કરવા માટેનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલાક લોકો મારી પ્રમાણિકતા અને સમર્પણ સાંખી શકતા નથી. તેથી હું પક્ષે મને સોંપેલી તમામ જવાબદારીમાંથી મુક્ત થવા માગું છું.
• ટેલ્ગોની દિલ્હી-મુંબઈની સફર ૧૧.૪૮ કલાકમાં પૂર્ણઃ સ્પેનિસ હાઇસ્પીડ ટ્રેન ટેલ્ગોએ દિલ્હી -મુંબઈ વચ્ચેની અંતિમ ટ્રાયલ સફર ૧૧મીએ પૂરી કરી હતી. ૧૧મીએ બપોરે ૨.૪૫ કલાકે દિલ્હીથી નીકળેલી ટેલ્ગો હાઇસ્પીડ ટ્રેન રાત્રે ૧૨ વાગ્યાના અરસામાં વડોદરા ખાતે આવી પહોંચી હતી. જે મુંબઈ ખાતે મધરાતે ૨.૩૩ કલાકે પહોંચી હતી. પ્રતિ કલાક ૧૫૦ કિ.મીની ઝડપે ટેલ્ગો ટ્રેને ૧૨૮૪ કિ.મી.નું અંતર ૧૧ કલાક અને ૪૮ મિનિટમાં પૂર્ણ કર્યું હતું. રાજધાની ટ્રેન કે મુંબઈ- દિલ્હી વચ્ચેનું અંતર હાલમાં ૧૫ કલાક અને ૫૦ મિનિટમાં પૂર્ણ કરે છે.
• પાક. હિંદુ કિશોરીને દિલ્હીમાં શાળા- પ્રવેશનું સુષમાનું વચનઃ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે દિલ્હીમાં શાળાપ્રવેશ માટે સંઘર્ષ કરી રહેલી પાકિસ્તાની હિંદુ કિશોરીને મદદ કરવા ૧૦મીએ વચન આપ્યું હતું. શાળાપ્રવેશની પ્રક્રિયા ટૂંકમાં પૂરી થવામાં છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે ચર્ચા પછી સુષમાએ આ વચન આપ્યું હતું. મધુ નામની કિશોરીએ જણાવ્યું હતું કે, આધારકાર્ડ ના હોવાથી પ્રવેશ માટે મુશ્કેલી અનુભવી રહી હતી. વિદેશપ્રધાને ખાતરી આપી હતી કે સોમવાર સુધીમાં પ્રવેશ થઈ જશે.
• ક્રિકેટર પ્રવીણકુમાર સપામાંઃ ક્રિકેટર પ્રવીણકુમાર રવિવારે ઉત્તર પ્રદેશના શાસક પક્ષ સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે તેમને પક્ષમાં આવકાર્યા હતા. પ્રવીણકુમાર મેરઠના વતની હોવાથી વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી વખતે તેઓ મેરઠ બેઠક પર ઝંપલાવે તેવી શક્યતા છે. જમણેરી મીડિયમ પેસબોલર પ્રવીણકુમાર હાલમાં આઈપીએલ ટીમ ગુજરાત લાયન તરફથી રમી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પણ તેઓ ખેલાડી છે. તેમણે સપામાં જોડાયાનો સ્વીકાર કર્યો હતો, પરંતુ આગામી વર્ષે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે કે કેમ તે વિષે કાંઇ જણાવ્યું નહોતું.