• સુષમા સ્વરાજનું કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ

Wednesday 14th December 2016 07:29 EST
 

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું ૧૦મી ડિસેમ્બરે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળ રહ્યું હતું. ૫૦ લોકોની ટીમ દ્વારા પાર પડાયેલું ઓપરેશન ૬ કલાક સુધી ચાલ્યું હતું. એઇમ્સના સૂત્રોના જણાવ્યા અનુસાર સ્વરાજ માટે ૪૦ વર્ષથી વધુ ઉંમરની સુષમા સાથે લોહીનો સંબંધ ન ધરાવતી મહિલાએ કિડનીનું દાન કર્યું છે.
• ટાટા ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટરપદેથી સાયરસને હટાવાયાઃ સાયરસ મિસ્ત્રીને ટાટા કંપનીના ડિરેક્ટર તરીકે દૂર કરવા સોમવારે તાતા ઇન્ડસ્ટ્રીઝની ઈજીએમ (એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મિટિંગ) હતી એને સાયરસ મિસ્ત્રીને ડિરેક્ટર તરીકે દૂર કરાયા હતા.
• રાષ્ટ્રગીત વખતે ઊભા ન થનારા છની ધરપકડઃ સુપ્રીમ કોર્ટ દ્વારા ફિલ્મ શરૂ થયા પહેલાં રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ વગાડવાનો અને તેનું માન જાળવવાનો આદેશ આપ્યા છતાં કેરળમાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘જન ગણ મન’ ચાલતું હતું ત્યારે ઊભા ન થનાર છ લોકોની ૧૨મીએ પોલીસે ધરપકડ કરી હતી.
• અમ્માની ભત્રીજી દીપાએ કહ્યું શશિકલા અમ્માની વારસ નહીંઃ તામિલનાડુમાં સત્તાધારી એઆઈએડીએમકેના સુપ્રીમો જયલલિતાનાં નિધન બાદ પાર્ટીનાં નેતૃત્વ મુદ્દે ઘમસાણનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મુખ્ય પ્રધાન પનીરસેલ્વમ સહિત પ્રધાનમંડળ અને વરિષ્ઠ નેતાઓ એક તરફ જયલલિતાની ગાઢ સહયોગી મનાતી શશિકલા નટરાજન પર પાર્ટીનું નેતૃત્વ સંભાળવા દબાણ કરી રહ્યા છે તો જયલલિતાની ભત્રીજી દીપા જયકુમારે જ શશિકલા સામે બળવો પોકારી દીધો છે. એક અખબારી મુલાકાતમાં દીપાએ જણાવ્યું હતું કે, જયલલિતાએ શશિકલા કે તેમના કોઈ સગાંને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા નથી, જો શશિકલા નેતૃત્વ સંભાળશે તો અસંતોષ ભડકી ઊઠશે. પાર્ટીનાં લોકો નથી ઇચ્છતાં કે શશિકલાના હાથમાં કમાન સોંપાય.
 ‘પાંચ વર્ષમાં રૂ. બે હજારની નોટ બંધ થઈ જશે’: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા આર્થિક વિચારક તથા સ્વદેશી જાગરણ મંચના સહ-સંયોજગ ગુરુમૂર્તિએ ૧૨મી ડિસેમ્બરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે રિઝર્વ બેંકના ગવર્નર બદલ્યાના બે મહિના બાદ નોટબંધીની યોજના બની હતી. ગુપ્તતા જાળવી રાખતા બહુ ઓછા સમયમાં તેનો અમલ કરવામાં આવ્યો. એવામાં કેટલીક ખામીઓ સ્વાભાવિક છે. આટલા ઓછા સમયમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ છાપવી મુશ્કેલ હતી, પરંતુ ૨૦૦૦ની નોટ તો ચલણથી બહાર કરવી જ પડશે. ગુરુમૂર્તિએ નોટબધીના નિર્ણયને ‘નાણાકીય પોખરણ’ ગણાવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter