બ્રસેલ્સઃ યુરોપિયન યુનિયન (ઈયુ) દ્વારા યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી નાસી છૂટનારા યુક્રેની નાગરિકોને ભારે રાહત આપતી જાહેરાત કરાઈ છે. તેઓ યુરોપના દેશોમાં આશ્રય મેળવી શકે તે માટે ઈયુએ ટેમ્પરરી પ્રોટેક્શન ડાઈરેક્ટિવ તત્કાળ અમલી બનાવવા નિર્ણય લીધો છે. ઈયુના તમામ 27 દેશ આ ડાયરેક્ટિવ લાગુ કરવા સહમત થયા હતા. ઈયુ જસ્ટિસ એન્ડ હોમ એફેર્સ કાઉન્સિલની 3 માર્ચની બેઠકમાં યુક્રેન પર રશિયાના આક્રમણનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો.
ટેમ્પરરી પ્રોટેક્શન ડાઈરેક્ટિવ હેઠળ યુક્રેનથી આવનાર દરેક નાગરિક યુરોપના કોઈ પણ એક દેશમાં 1 વર્ષ સુધી કામચલાઉ રેસિડન્સ પરમિટ થકી રહી શકશે. કોઈ પણ દેશ આ કામચલાઉ પરમિટ વધુ બે વર્ષ માટે પણ લંબાવી શકાશે. જોકે યુક્રેન, પાસપોર્ટ ફ્રી શેન્જેન એરિયામાં સામેલ નથી તેમ છતાં યુક્રેનના નાગરિક 90 દિવસ સુધી કોઈ પણ દેશમાં વિઝામુક્ત મુસાફરી કરી શકશે. આ સમય બાદ ઈયુ આ નાગરિકો માટે સ્થાયી સમાધાન શોધવામાં મદદ કરશે. ચેક રિપબ્લિકમાં પહોંચેલા લગભગ 30000 યુક્રેની લોકો પરમિટ વિના નોકરી કરી શકશે.
યુદ્ધ શરણાર્થી/ વિસ્થાપિતોને રાહત અને સુરક્ષા આપવા ઈયુએ 2001માં આ ડાયરેક્ટિવ તૈયાર કર્યા હતા. ત્રીજા દેશોના સામૂહિક વિસ્થાપિતો માટે તૈયાર કરાયેલું માળખાનો ઉપયોગ 20 વર્ષ પછી પહેલી વખત યુક્રેન શરણાર્થીઓ માટે કરવામાં આવશે. તેનાથી યુક્રેનના નાગરિકોને ઈયુની જટિલ અસાઈલમ નીતિથી મુક્તિ મળશે.