લંડનઃ યુરોપિયન યુનિયનમાં કોરોના વાઈરસ વેક્સિનેસન પૂરી ઝડપથી ચાલી નહિ રહ્યું હોવાથી જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોં સહિતના રાષ્ટ્રીય નેતાઓ ચિંતામાં પડ્યા છે. ઘણી ભૂલો, ખોટી ગણતરીઓ અને વધુપડતી સાવધાનીના લીધે ઈઝરાયેલ, યુકે અને યુએસની સરખામણીએ ઈયુ દેશોમાં ઘણા ઓછાં લોકોનું વેક્સિનેશન થઈ શક્યું છે.
બ્રસેલ્સમાં હાઈ પ્રોફાઈલ બ્લન્ડરથી ચોંકેલાં ચાન્સેલર એન્જેલા મર્કેલ અને પ્રેસિડેન્ટ ઈમાન્યુએલ મેક્રોંએ બ્લોકના વલણનો બચાવ કર્યો હતો. મર્કેલે સ્વીકાર્યું હતું કે અન્ય દેશોમાં ઝડપી વેક્સિનેશન ચાલી રહ્યું છે. ઈયુની ધીમી પરંતુ, સહિયારી રણનીતિ જ સાચી હતી. કશું ખોટું થયાનું હું માનતી નથી. ફ્રાન્સના પ્રમુખ મેક્રોંએ પણ ટેલિવિઝન પર દેખા દઈ જણાવ્યું હતું કે અન્ય દેશોની સરખામણીએ પ્રગતિ કદાચ ધીમી લાગશે પરંતુ, ઈયુમાં જર્મની સાથે મળીને તૈયાર કરેલી સ્ટ્રેટેજીનો હું બચાવ કરું છું.
બંને નેતાએ ઉનાળાના અંત સુધીમાં તમામ ઈચ્છુક વયસ્કોને વેક્સિન આપી દેવાશે તેવો પુનરુચ્ચાર કર્યો હતો. ઈયુના સભ્ય દેશોએ અત્યાર સુધીમાં કુલ વસ્તીના માત્ર ૩ ટકાને કોરોના વેક્સિનનો એક ડોઝ આપ્યો છે જેની સરખામણીએ ઈઝરાયેલ (૫૯ ટકા), યુકે (૧૫ ટકા) અને યુએસમાં ૧૦ ટકા વયસ્કોનું વેક્સિનેશન કરી દેવાયું છે. જોકે, યુરોપીય કમિશન પાસે આટલા વ્યાપક પ્રમાણમાં જાહેર ખરીદીનો કોઈ અનુભવ નથી અને ઉત્પાદકો સાથે તેની વાટાઘાટો પણ વેપારસોદાની વાતચીતની માફક જ રહી હતી જેમાં, મહત્તમ ડોઝ મેળવવાના બદલે કિંમત અને જવાબદારીઓ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.
ઈયુ દેશો વાઈરસ સામે વિવિધ સ્તરે લડત ચલાવી રહ્યા છે. ઈટાલી અને પોલેન્ડ લોકડાઉન ઉઠાવી રહ્યા છે જ્યારે, જર્મની અને નેધરલેન્ડ્ઝ જેવા દેશો નવા વેરિએન્ટ્સની ચિંતાથી લોકડાઉનને લંબાવી રહ્યા છે. ફ્રાન્સમાં કોરોના કેસની સંખ્યા સ્થિર પરંતુ, પ્રમાણમાં ઊંચી હોવા છતાં તે ત્રીજું નેશનલ લોકડાઉન ટાળી રહ્યું છે. પોલેન્ડમાં નવેસરથી ઉછાળો આવતા જર્મની પાસેથી ડોક્ટર્સ, નર્સીસ, વેન્ટિલેટર્સ અને હોસ્પિટલ બેડ્સનો સ્વીકાર કર્યો છે. જર્મની, ફ્રાન્સ, પોલેન્ડ, ઈટાલી અને સ્વીડને ૬૫થી વધુ વર્ષના વયજૂથ માટે સક્ષમતાનો પૂરતો ડેટા ન હોવાથી તેમને ઓક્સફર્ડ/ એસ્ટ્રેઝેનેકા વેક્સિન નહિ આપવાની જાહેરાત કરી છે જ્યારે પોલેન્ડે ૫૫ વર્ષની મર્યાદા બાંધી છે.