લંડન
યુરોપમાં દાયકાનો સૌથી ભીષણ દુકાળ ખેડૂતો, પરિવારો, ઉદ્યોગો અને જળમાર્ગ પરિવહનને ગંભીર અસર કરી રહ્યો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે સૂકા શિયાળા અને ગરમ લાહ્ય જેવા ઉનાળાને પગલે સર્જાનારી પાણીની અછત યુરોપ માટે ન્યૂ નોર્મલ બની રહેશે. યુરોપિયન સંઘની દુકાળ પર નજર રાખતી એજન્સીએ જણાવ્યું છે કે યુરોપનો 45 ટકા હિસ્સો મધ્ય જુલાઇ સુધીમાં દારૂણ દુકાળની ઝપેટમાં આવી ચૂક્યો છે. 13 ટકા વિસ્તારમાં રેડ એલર્ટની જાહેરાત કરાઇ છે. સંખ્યાબંધ દેશોમાં કટોકટીની સ્થિતિ સર્જાઇ છે. ફ્રાન્સમાં વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને દુકાળની સ્થિતિને પહોંચી વળવા માટે ક્રાઇસિસ યુનિટને સક્રિય કર્યું છે. ફ્રાન્સમાં 1958 પછીનો આ સૌથી ભયાનક દુકાળ છે. ફ્રાન્સના 100 કરતા વધુ શહેરોમાં મ્યુનિસિપાલિટી પાસે પીવાનું પાણી પૂરુ પાડવા પૂરવઠો નથી અને ટેન્કરો દ્વારા પાણી પુરું પાડવાની નોબત આવી છે. જુલાઇમાં 85 ટકા વરસાદની ઘટ સર્જાઇ છે. ફ્રાન્સમાં મકાઇનું ઉત્પાદન 18 ટકા ઘટવાની સંભાવના છે.
સ્પેનમાં જળાશયોમાં પાણીની સપાટી ઓલટાઇમ લો પર પહોંચી છે. જળાશયોમાં ફક્ત 40 ટકા પાણી બચ્યું છે અને દર સપ્તાહે તેમાં 1.5 ટકાનો ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 60 વર્ષની આ સૌથી વિકટ પરિસ્થિતિ છે. સ્પેનમાં છેલ્લા 3 મહિનામાં 50 ટકા જ વરસાદ થયો છે. તેથી દેશમાં ઘરોમાં પાણીના વપરાશ પર નિયંત્રણો લાદી દેવાયાં છે. ઇટાલીમાં આ વર્ષ સૌથી વધુ ગરમ અને સૂકું રહ્યું છે. દેશમાં છેલ્લા 230 વર્ષનો સૌથી ભયાનક દુકાળ પડ્યો છે. પો નદીમાં પાણીનો જથ્થો 10 ટકા જ રહ્યો છે. પો નદીનો ઉપયોગ દેશના સૌથી લાંબા જળમાર્ગ તરીકે થતો હતો પરંતુ તેની પાણીની સપાટી સામાન્ય કરતાં બે મીટર ઘટી ગઇ છે. શહેરોમાં પીવાના પાણીનું રેશનિંગ શરૂ કરાયું છે અને લેક મેગિરોની આસપાસના ગામોમાં ટેન્કર દ્વારા પાણી મોકલવામાં આવી રહ્યું છે. નવેમ્બરથી વરસાદ ખેંચાઇ જતાં ઇટાલીમાં ચોખાના ઉત્પાદનમાં 40 ટકાનો ઘટાડો થવાનો ભય સેવાઇ રહ્યો છે.
જર્મનીમાં દુકાળના કારણે નદીઓ સૂકીભઠ બનતાં જળમાર્ગો બંધ થયાં છે. પાવર સ્ટેશનોને આ જળમાર્ગો દ્વારા જ કોલસો પહોંચાડાતો હોવાથી વીજળીનું સંકટ પણ પેદા થયું છે. બર્લિનમાં સ્પ્રી નદી દ્વારા ભરાતા ઘણા તળાવો સૂકાઇ ગયાં છે. સ્વિત્ઝર્લેન્ડમાં પાણીની અછતને કારણે ડેરી ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. ઘાસના મેદાનો સૂકાઇ જતાં પશુઓ માટે ઘાસચારાની સમસ્યા સર્જાઇ છે. નેધરલેન્ડે ગયા સપ્તાહમાં સત્તાવાર રીતે પાણીની કટોકટી જાહેર કરી છે. લોકોને કાળજીપુર્વક પાણીનો ઉપયોગ કરવાની સૂચના અપાઇ છે. બેલ્જિયમમાં 1885 પછીનો સૌથી સૂકો જુલાઇ મહિનો નોંધાયો છે. નહેરો અને નદીઓમાં પાણીના સ્તર ઘટી ગચાં છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચ્ચારી છે કે પશ્ચિમ યુરોપમાં ઉનાળા દરમિયાન દુકાળની ઘટનાઓ અવારનવાર બનતી રહેશે.