લંડન
ક્લાઇટમેટ ચેન્જના પાપે સમગ્ર યુરોપ ધગધગતી અગ્નિમાં શેકાઇ રહ્યું છે. આ લખાય છે ત્યારે સમગ્ર યુરોપમાં તાપમાનના પારાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. સોમવારે ફ્રાન્સમાં લાન્ડેસ ખાતે સૌથી વધુ 42.6 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન નોંધાયું હતું. અગનભઠ્ઠી બનેલા અન્ય શહેરો ગિરોન્ડે 42.4 ડિગ્રી, નાન્તેસમાં 42 ડિગ્રી સેન્ટિગ્રેડ ગરમી નોંધાઇ હતી. બોર્ડેક્સ શહેરમાં મંગળવારે ગરમીનો પારો રેકોર્ડ 44 ડિગ્રીને પાર કરે તેવી ચેતવણી આપવામાં આવી હતી.
છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા હીટવેવમાં સ્પેન અને પોર્ટુગલમાં 1100થી વધુ લોકોના મોત નિપજી ચૂક્યાં છે. પોર્ટુગલમાં છેલ્લા એક સપ્તાહમાં જ ગરમીના કારણે 659 લોકોનાં મોત થયાં છે. ગરમીના કારણે સ્પેનમાં 510 લોકો મોતની આગોશમાં સમાઇ ગયાં છે. ગરમીના પારાએ માઝા મૂકતાં સ્પેન, પોર્ટુગલ અને ફ્રાન્સ સહિતના દેશોમાં ઠેર ઠેર દાવાનળ ફાટી નીકળ્યાં છે. આ વર્ષની કાળઝાળ ગરમીમાં સૌથી વધુ નુકસાન પોર્ટુગલમાં જોવા મળ્યું છે. ગયા સપ્તાહમાં દેશમાં પિન્હાઓ ખાતે ગરમીનો પારો 47 ડિગ્રી સેન્ટિગ્રેડને વટાવી ગયો હતો. અત્યાર સુધીમાં દાવાનળોએ દેશમાં 74,000 એકર જમીનો પર આવેલા જંગલોનો સફાયો કરી નાખ્યો છે. પોર્ટુગલમાં દેશના કુલ ફાયર લાશ્કરો પૈકીના 66 ટકાને દાવાનળને નિયંત્રણમાં લેવાની કામગીરીમાં જોતરાયા છે.
ફ્રાન્સમાં છેલ્લા એક સપ્તાહથી બેકાબૂ બનેલા બે મહાકાય દાવાનળોના કારણે ઓછામાં ઓછા 16,000 લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. ઓછામાં ઓછા 14,000 એકરમાં પથરાયેલા જંગલો આગમાં ઘગઘગી રહ્યાં છે. સોમવારે વધુ 3500 લોકોને સલામત સ્થળે ખસેડાયાં હતાં. ગિરોન્ડે શહેર નજીક ફાટી નીકળેલા દાવાનળના કારણે 31000 લોકોને ઘર મૂકીને નાસી જવું પડ્યું હતું. ફ્રાન્સમાં 1500થી વધુ લાશ્કરો દાવાનળોને કાબૂમાં લેવા 24 કલાક ઝઝૂમી રહ્યાં છે.
સ્પેનમાં 36 સ્થળોએ દાવાનાળ હાહાકાર મચાવી રહ્યો છે. હજારો કર્મચારીઓને દાવાનળ બૂઝાવવાની કામગીરીમાં જોડાયાં છે. હજારો લોકોને પોતાના ઘરો છોડીને સલામત સ્થળે આશ્રય લેવાની ફરજ પડી હતી. દાવાનળમાં 220 ચોરસ કિલોમીટર જંગલોનો સફાયો થઇ ગયો છે. પોર્ટુગલ અને સ્પેનમાં દાવાનળ બૂઝાવવાની કામગીરીમાં બે ફાયર લાશ્કરોનાં મોત થયાં હતાં. ઇયુ ઇમર્જન્સી મેનેજમેન્ટ પ્રોગ્રામે ચેતવણી જારી કરી છે કે આખા સ્પેનમાં દાવાનળ ફાટી નીકળવાનો ગંભીર ભય સર્જાયો છે.
બ્રિટનમાં પણ કાળઝાળ ગરમીના કારણે આગ ફાટી નીકળવાની ઘટનાઓ સામે આવી હતી. કોર્નવોલમાં સેન્ટ આઇવ્ઝ નજીકના ઝેન્નોરમાં જંગલોમાં દાવાનળ ફાટી નીકળ્યો હતો. ડોનકાસ્ટરના સ્કેલોમાં ઘાસના વિશાળ મેદાનમાં આગ ફાટી નીકળતાં ઘણા મકાનો પર જોખમ સર્જાયું હતુ. હર્ટફોર્ડશાયરના ચેશન્ટ પાર્કમાં પણ આગના કારણે સમગ્ર ઘાસનું મેદાન રાખના ઢગલામાં ફેરવાઇ ગયું હતું. બર્મિંગહામા લિકી હિલ્સ પાર્કની વનરાજીમાં દાવાનળના કારણે મોટો વિસ્તાર બળીને ખાક થયો હતો.
----------------------------------
અમેરિકાના ટેક્સાસથી નેબ્રાસ્કા સુધી પારો 100 ફેરનહિટને પાર
યુરોપની જેમ અમેરિકાના દક્ષિણના રાજ્યો પણ હીટવેવનો સામનો કરી રહ્યાં છે. મંગળવારે ટેક્સાસથી નેબ્રાસ્કા સુધી ગરમીનો પારો 100 ડિગ્રી ફેરનહિટને પાર કરી ગયો હતો. ઓકલાહામા શહેરમાં તાપમાન 112 ડિગ્રી ફેરનહિટ નોંધાયું હતું. હીટવેવ પશ્ચિમ કિનારા તરફ આગળ વધી રહ્યો હોવાથી કોલોરાડોથી માંડીને કેલિફોર્નિયા સુધીના રાજ્યોમાં કાળઝાળ ગરમી પડે તેવી આગાહી કરાઇ છે. જેના પગલે દાવાનળ માટે જાણીતા કેલિફોર્નિયામાં સ્થિતિ વણસે તેવી સંભાવના છે.
-------------------------------------------------------
ક્લાઇમેટ ચેન્જના ભયાવહ પરિણામોએ યુરોપમાં હાહાકાર મચાવ્યો
ક્લાઇમેટ ચેન્જના ભયાવહ પરિણામો યુરોપમાં હાહાકાર મચાવી રહ્યાં છે. ક્લાઇમેટ સાયન્ટિસ્ટો કહે છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે વારંવાર આવતા હીટવેવ વધુ ઉગ્ર અને લાંબા બન્યાં છે. હીટવેવ તેમની સાથે દુકાળ અને જંગલોમાં દાવાનળ પણ લાવી રહ્યાં છે. ક્લાઇમેટ ચેન્જના કારણે આબોહવા વધુ વિષમ બનશે અને વારંવાર દાવાનળ ફાટી નીકળવાની ઘટનાઓ સર્જાશે.
------------------------------------------------------
જર્મનીમાં સૌર વીજળીના ઉત્પાદને નવો રેકોર્ડ બનાવ્યો
કાળઝાળ ગરમીના કારણે સૂર્યપ્રકાશ તીવ્ર બનતાં જર્મનીમાં રેકોર્ડ સોલર ઇલેક્ટ્રિસિટીનું ઉત્પાદન થયું છે. રવિવારે જર્મનીમાં સોલર એનર્જી દ્વારા રેકોર્ડ 38174 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું હતું. બુધવાર સુધી સૌર વીજળી ઉત્પાદનના નિતનવા રેકોર્ડ સ્થપાય તેવી સંભાવના છે. જોકે ગરમીના કારણે પવનની ગતિમાં ઘટાડો થતા વિન્ડ પાવર જનરેશનમાં ઘટાડો નોંધાયો છે. ફ્રાન્સમાં નદીઓના પાણીનું તાપમાન વધી જતાં પરમાણુ વીજળીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.