નવી દિલ્હીઃ ભારત-યુરોપિયન યુનિયન (ઇયુ) વચ્ચે 18 વર્ષ વાટાઘાટ બાદ મુક્ત વેપાર કરારને આકાર આપવામાં આવ્યો છે. આ કરાર પર હસ્તાક્ષર સાથે જ દ્વિપક્ષીય સંબંધોમાં નવું સિમાચિહન અંકિત થયું છે. આ કરારના પગલે ભારતીયો માટે યુરોપમાં જવાના નિયમ હળવા થયા છે, આઇટી પ્રોફેશનલ્સને સીધો ફાયદો છે તો બીજી તરફ યુરોપિયન કાર, આલ્કોહોલ, વાઇન સહિતના ઉત્પાદનો પરના ભારતીય ટેરિફમાં જંગી ઘટાડો થશે.
આ ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ)થી પરસ્પરના આર્થિક વિકાસને પ્રચંડ વેગ મળવાની આશા છે. ભારત વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જ્યારે યુરોપિયન યુનિયન બીજા ક્રમની. બન્ને મળીને વૈશ્વિક જીડીપીનો લગભગ 25 ટકા અને વિશ્વના કુલ વેપારવણજનો અંદાજે ત્રીજો ભાગ હિસ્સો ધરાવે છે. પાટનગરમાં મંગળવારે યોજાયેલી 16મી ભારત-ઇયુ સમિટ દરમિયાન આ એફટીએ અંગે જાહેરાત કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે યુરોપિયન કમિશનના ચેરમેન ઉર્સુલા વોન ડેર લેયને દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકને સંબોધતાં જ કહ્યું હતું કે ભારત અને ઇયુ વચ્ચે મધર ઓફ ઓલ ડીલ્સ માટે તૈયારી ચાલી રહી છે.
આ ઐતિહાસિક કરાર અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ મુક્ત વેપાર કરારથી રોકાણને વેગ મળશે, નવી ઇનોવેશન ભાગીદારી બનશે અને વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈન મજબૂત થશે. આ માત્ર એક વેપાર સમજૂતી નથી, પરંતુ સહિયારી સમૃદ્ધિનો રોડમેપ છે.
આ પ્રસંગે યુરોપિયન કમિશન (ઇસી)ના ચેરમેન ઉર્સુલા વોન ડેર લેયને કહ્યું કે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી વર્ષે લગભગ 4 બિલિયન યુરો (43 હજાર કરોડ રૂપિયા)ના ટેરિફ દૂર થશે અને ભારત-યુરોપમાં લાખો લોકો માટે રોજગારીની નવી તકો ઊભી સર્જાશે. ભારત-ઇયુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ દુનિયાને સ્પષ્ટ સંદેશ આપે છે કે આજની વૈશ્વિક અસમાનતાઓ અને પડકારોનો સૌથી શ્રેષ્ઠ જવાબ પરસ્પર સહયોગ છે, નહીં કે અલગ-થલગ રહીને લેવાયેલા નિર્ણયો.
સમજૂતીનો સંભવિત અમલ 2027થી...
આ સમજૂતીને સંભવતઃ 2027માં લાગુ થશે. ડીલ બાદ ભારતમાં યુરોપિયન કારો જેવી કે BMW, મર્સિડીઝ પર લાગતા ટેક્સને 110 ટકાથી ઘટાડીને 10 ટકા કરી દેવાશે. યુરોપથી આવતા આલ્કોહોલ અને વાઇન પર ટેક્સ ઓછો થઈ શકે છે. યુરોપિયન દેશોના દારૂ પર અત્યારે 150 ટકા ટેરિફ લાગે છે, જેને ઘટાડીને 20–30 ટકા કરાશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે 27 જાન્યુઆરીએ ભારતે યુરોપના 27 દેશો સાથે આ કરાર સાઈન કર્યો છે. સમજૂતી હેઠળ ભારત અને યુરોપિયન યુનિયન મળીને ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોરને આગળ વધારશે. આજે દુનિયામાં વેપાર - ટેકનોલોજી અને રેર મિનરલ્સને હથિયાર બનાવીને તેનો ઉપયોગ દબાણ લાવવા માટે કરાઇ રહ્યો છે, તેથી ભારત-ઇયુએ મળીને નિર્ભરતા ઘટાડવી જોઈએ.
વેપારવણજમાં ઇયુ ભારતનો સૌથી મોટો પાર્ટનર
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના અત્યાર સુધીના વેપારના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2024-25 દરમિયાન વેપારનો આંકડો 139.53 બિલિયન ડોલરનો હતો, જેમાં 60.68 બિલિયન ડોલરની આયાત અને 75.85 બિલિયન ડોલરની નિકાસનો સમાવેશ થાય છે. જ્યારે 2024માં સર્વિસ ટ્રેડ 83.10 બિલિયન ડોલરનો હતો. ભારતની કુલ નિકાસમાંથી 17 ટકા માત્ર ઇયુ દેશોમાં કરાઈ છે. ઇયુ વૈશ્વિક વેપારમાં સૌથી મોટો પાર્ટનર મનાય છે. ભારતે ઇયુમાં પેટ્રોલિયમ વસ્તુઓ, ઇલેટ્રોનિક્સ, ટેક્સટાઇલ્સ, ગાર્મેન્ટ્સ, મશીનરી, કમ્પ્યુટર, ઓર્ગેનિક કેમિકલ, આયરન, સ્ટીલ, જેમ્સ જવેલરી વગેરેની વધુ નિકાસ કરી છે.
મોદીના નેતૃત્વમાં આઠમો એફટીએઃ પીયૂષ ગોયલ
ભારત-ઇયુ કરાર પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે આ ભારતના 1.4 બિલિયન લોકો માટે અભિનંદનનો પ્રસંગ છે. આ મુલાકાત અને આ સમજૂતી માત્ર એફટીએ સુધી સીમિત નથી, પરંતુ ભારત-ઇયુ વચ્ચે ઊંડી અને મજબૂત ભાગીદારીનો સંકેત છે. તેમણે જણાવ્યું કે આ સમજૂતીને ઉર્સુલા વોન ડેર લેયને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ કહી છે. આ ભારતનો વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આઠમો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. તેમણે કહ્યું કે ચાર વર્ષોમાં ભારતે 37 વિકસિત દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે. આ સમજૂતી ભારતથી યુરોપિયન યુનિયનને જતી લગભગ 99 ટકા નિકાસ અને યુરોપિયન યુનિયનથી ભારત આવતી 97 ટકાથી વધુ નિકાસને કવર કરે છે.
ઈન્ડિયા-ઇયુ બિઝનેસ ફોરમમાં 100થી વધુ સીઇઓ
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું કે ઈન્ડિયા-ઇયુ બિઝનેસ ફોરમમાં બંને પક્ષોના 100થી વધુ CEO સામેલ થયા હતા. છેલ્લા એક દાયકામાં ભારત અને યુરોપિયન યુનિયનના સંબંધો સતત મજબૂત થયા છે. મિસરીએ કહ્યું કે ઝડપથી બદલાતી દુનિયામાં ભારત-ઇયુ વ્યૂહાત્મક ભાગીદારી માત્ર દ્વિપક્ષીય જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ મહત્વપૂર્ણ બની ગઈ છે, ખાસ કરીને એવા સમયે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંતુલન ઝડપથી બદલાઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે દુનિયાની બીજી અને ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાને નાતે ભારત અને ઇયુ ઘણા મોટા વૈશ્વિક મુદ્દાઓ સાથે સીધી રીતે જોડાયેલા છે.
ભારત શાંતિ માટે રશિયા પર દબાણ લાવેઃ કાઝા ક્લાસ
યુરોપિયન કમિશનના ઉપાધ્યક્ષ કાઝા કલાસે જણાવ્યું કે ઇયુએ ભારતને અપીલ કરી છે કે તે રશિયા સાથે વાત કરીને તેના પર શાંતિ માટે દબાણ લાવે.(કાઝાએ કહ્યું કે ભારત અને ઇયુ - બંને શાંતિમાં વિશ્વાસ રાખે છે. અમે નથી ઈચ્છતા કે આ યુદ્ધ ચાલુ રહે, અમે ઈચ્છીએ છીએ કે આનો અંત આવે. કાઝાએ આરોપ લગાવ્યો કે યુક્રેન એક વર્ષ પહેલા જ બિનશરતી સીઝફાયર માટે તૈયાર થઈ ગયું હતું, પરંતુ રશિયા માત્ર વાતચીતનો દેખાવ કરી રહ્યું છે.
ભારત-ઇયુ મુક્ત વેપાર કરારઃ ઉડતી નજરે...
• ભારતનો 99 ટકાથી વધુ સામાન હવે યુરોપિયન દેશોમાં ઓછા કે કોઈપણ ટેક્સ વગર વેચાશે
• કાપડ, ચામડું, માછલી, અને જ્વેલરી સેક્ટર્સમાં 33 બિલિયન ડોલરની નિકાસને સીધો ફાયદો
• આ સામાન પર લાગતો 10 ટકા ટેક્સ FTA લાગુ થતાંની સાથે જ ખતમ થઈ જશે
• કાર અને ઓટો સેક્ટરમાં મર્યાદિત છૂટ, જેથી ભારતીય કંપનીઓને નુકસાન ન થાય
• ભારતે દૂધ, અનાજ, પોલ્ટ્રી, ફળ અને શાકભાજી જેવા ક્ષેત્રોને કરારમાંથી બહાર રાખ્યા
• ભારતીય આઇટી પ્રોફેશનલ અને એજ્યુકેશન સર્વિસિસને ઇયુમાં મોટું બજાર મળશે
• ભારતીય કંપનીઓ અને પ્રોફેશનલ્સને ઇયુના 144 સર્વિસ સેક્ટર્સમાં કામ કરવાની તક મળશે, જ્યારે ઇયુને ભારતના 102 સર્વિસ સેક્ટર્સમાં એન્ટ્રી
• ભારતીય પ્રોફેશનલ્સને ઇયુમાં કામ અને બિઝનેસ માટે જવું સરળ બનશે
• ડિજિટલ પેમેન્ટ, ઓનલાઈન સેવાઓ અને નવી ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે


