50 ટકા ટેરિફ પછી પણ ટ્રમ્પની ભારતને ધમકીઃ મોદીનો બાંધછોડ કરવા ઇન્કાર

Wednesday 13th August 2025 06:13 EDT
 
 

નવી દિલ્હી, વોશિંગ્ટનઃ ટેરિફને લઈને ભારત અને અમેરિકા વચ્ચેનું ટેન્શન તેની ચરમ સીમા પર છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત પર વધારાની 25 ટકા ટેરિફ લાદી દીધી છે. આ ટેરિફ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખવા બદલ દંડ તરીકે છે. જોકે ટ્રમ્પ આટલાથી અટક્યા નથી તેમણે ફરી મોટું નિવેદન કર્યું છે. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે રશિયા પાસેથી વધુ ક્રૂડ ઓઈલની ખરીદીને લઈને વધારે ટેરિફ લાદવાની ધમકી આપી દીધી છે. વાસ્તવમાં જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ભારતીય અધિકારીઓનું કહેવું છે કે ચીન જેવા અન્ય દેશ પણ રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી કરી રહ્યા છે. ત્યારે તમે આ વધારાના પ્રતિબંધો માટે ફક્ત ભારતને જ કેમ જવાબદાર ઠેરવી રહ્યા છો? આ સવાલનો જવાબ આપતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે હજુ તો ફક્ત આઠ કલાક જ થયાં છે. જોઈએ છે શું થાય છે? તમને હજુ ઘણું જોવા મળશે. તમને ઘણા પ્રતિબંધ જોવા મળશે.
ભારત સાથે ચર્ચા નહીંઃ ટ્રમ્પની ટણી
પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત પર 50 ટકા ટેરિફની જાહેરાત પછી બંને દેશો વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. ભારતે ટેરિફ મામલે બાંધછોડનો ઈનકાર કર્યો છે ત્યારે ટ્રમ્પે જાહેરાત કરી છે કે જ્યાં સુધી ટેરિફનો મુદ્દો નહીં ઉકેલાય ત્યાં સુધી ભારત સાથે વેપાર મંત્રણા આગળ નહીં ધપાવાય. ઓવલ ઓફિસમાં જ્યારે ટ્રમ્પને પુછાયું કે શું તેઓ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યા પછી ભારત સાથે વાતચીત ચાલુ રાખશે ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે જ્યાં સુધી આ મુદ્દો (ટેરિફનો) ઉકેલાશે નહીં ત્યાં સુધી મંત્રણા યોજાશે નહીં. બીજી તરફ અમેરિકાનાં વિદેશ વિભાગે કહ્યું છે કે ભારત અમારો વ્યૂહાત્મક ભાગીદાર દેશ છે તેની સાથે વાતચીત ચાલુ રહેશે.
પણ યુએસનો વિદેશ વિભાગ કહે છેઃ
ભારત વ્યૂહાત્મક ભાગીદાર
જોકે ટ્રમ્પની ભારત સાથે વાતચીત નહીંની જાહેરાતથી ઊલટું અમેરિકાનાં વિદેશ વિભાગે કહ્યું હતું કે ભારત અમેરિકાનો વ્યૂહાત્મક ભાગીદાર દેશ છે તેની સાથે વાતચીત ચાલુ રહેશે. મંત્રાલયના પ્રવક્તા ટોમી પિગોટે કહ્યું કે અમેરિકા હાલ ભારતની સાથે સ્પષ્ટ અને ખુલ્લામને વાતચીત કરી રહ્યું છે. હાલ ટેરિફ મુદ્દે બંને દેશોના સંબંધો વણસ્યા છે અને તંગદિલીભર્યા બન્યા છે આમ છતાં વાતચીત ચાલુ રહેશે.
ટેરિફ મુદ્દે બહુ મોટી કિંમત ચૂકવવા તૈયારઃ મોદી
વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી 50 ટકા ટેરિફનાં જવાબમાં રોકડું પરખાવ્યું હતું કે મારા માટે ખેડૂતોનાં હિતો મહત્ત્વનાં છે. ખેડૂતોનાં હિતો જાળવવા મારે વ્યક્તિગત બહુ મોટી કિંમત ચૂકવવી પડશે અને આ કિંમત ચૂકવવા હું તૈયાર છું. ભારત ખેડૂતોનાં હિતો સાથે કોઈપણ સંજોગોમાં સમાધાન કરશે નહીં. ભારત માટે ખેડૂતોનાં હિતો પહેલા અને સુપર પાવર સાથેની દોસ્તી પછી આવે છે. દેશનાં ખેડૂતો, પશુપાલકો અને માછીમારોનાં હિતો સાથે કોઈ સમાધાન કરાશે નહીં. કૃષિ મંત્રાલયનાં એક કાર્યક્રમમાં મોદીએ કહ્યું હતું કે અમારા માટે ખેડૂતોનું હિત સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત તેનાં ખેડૂતો, પશુપાલકો અને માછીમારોનાં હિતો સાથે સમાધાન કરશે નહીં. હું જાણું છું કે આ માટે મારે વ્યક્તિગત રીતે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે પણ તે ચૂકવવા હું તૈયાર છું. મારા દેશનાં માછીમારો, ખેડૂતો અને પશુપાલકોનાં હિતો જાળવવા ભારત તૈયાર છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે વાતચીત ચાલુ છે. અમેરિકાએ ભારતનાં બજારો તેની ડેરી પેદાશો અને કૃષિ પેદાશો માટે ખુલ્લા મૂકવાની માગણી કરી છે જેનો ભારત દ્વારા ઈનકાર કરવામાં આવ્યો છે. ભારતે સાફ સાફ શબ્દોમાં કહ્યું છે કે તે કૃષિ અને ડેરી પેદાશો માટે ખેડૂતો અને પશુપાલકોનાં હિતો જાળવવા કોઈ બાંધછોડ કરશે નહીં. ભારત આ મુદ્દે કોઈપણ હિસાબે ઝૂકશે નહીં. મોદીએ અમેરિકાને મેસેજ આપ્યો છે કે ભારત અને અમેરિકાનાં સંબંધો એકબીજાનાં સન્માન તેમજ બરાબરી પર આધારિત છે અને રહેશે જેમાં કોઈપણ પક્ષ મોટો નહીં હોય.
અમેરિકાને આકરો સંકેત
આપતા ભારતના બે નિર્ણય
પ્રેસિડન્ટ ટ્રમ્પના વિશ્વમાં સૌથી વધુ 50 ટકા ટેરિફ ભારત પર લાદવાના મનસ્વી નિર્ણય અને વેપાર સોદા પર ચર્ચા ન કરવાની ધમકી બાદ શુક્રવારે ભારત વધુ સક્રિય જોવા મળ્યું હતું. ટેરિફનો સામનો કરવાનો સંદેશ આપતા, ભારતે એક જ દિવસમાં રાજદ્વારી સ્તરે બે મોટા પગલાં લીધાં. સૌપ્રથમ, તેણે અમેરિકા પાસેથી નવા શસ્ત્રો અને વિમાન ખરીદવાની યોજના મુલતવી રાખવાનો સંકેત આપ્યો. બીજું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી અને બંને દેશો વચ્ચે મિત્રતા ચાલુ રાખવા સંમતિ વ્યક્ત કરી હતી.
હકીકતમાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આગામી દિવસોમાં અમેરિકા પાસેથી સંરક્ષણ ખરીદીની જાહેરાત કરવા માટે વોશિંગ્ટનની મુલાકાતે જવાના હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આ મુલાકાત નહીં થાય. આ મુલાકાતમાં સ્ટ્રાઈકર કોમ્બેટ વ્હીકલ અને જેવેલિન એન્ટી-ટેન્ક મિસાઈલની ખરીદીની જાહેરાત થવાની હતી. ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીએ ફેબ્રુઆરીમાં આ સંદર્ભમાં જાહેરાત કરી હતી. આ સમય દરમિયાન, નૌકાદળ માટે છ બોઇંગ પીઆઈ ટોહી વિમાન ખરીદવાની જાહેરાત પણ સુનિશ્ચિત કરાઈ હતી. હવે આ બધું મુલતવી રાખવામાં આવ્યું છે. આ બાબત સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેરિફ પર સ્પષ્ટતા પછી જ ભારત તરફથી કોઈ પ્રગતિ હાથ ધરાશે.
70 દેશો પર ટેરિફના
અમલની શરૂઆત
ભારત સાથે મિત્રતાના દાવા કરીને દુશ્મની કાઢનારા ટ્રમ્પનો હરખ હવે સમાતો નથી. અમેરિકાની નવી નીતિ અંતર્ગત ટ્રમ્પે જાહેર કરેલા ટેરિફનો અમલ 7 ઓગસ્ટની મધરાતથી શરૂ થઈ ગયો છે. ટ્રમ્પે આ બાબતે બરાબર 12ના ટકોરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, મધરાત થઈ છે. ટેરિફમાં અબજો ડોલરનો પ્રવાહ હવે યુએસએમાં આવી રહ્યો છે.
ટ્રમ્પે ભારત સહિત 70 દેશ પર રેસિપ્રોકલ ટેરિફ જાહેર કરી હતી. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, રેસિપ્રોકલ ટેરિફ હેઠળ એવા દેશોને આવરી લેવાયા છે, જેઓ વર્ષોથી અમેરિકાનો લાભ લેતા હતા અને તેના પર હસતા હતા. હવે અબજો ડોલરનો પ્રવાહ અમેરિકામાં આવશે. આર્થિક બાબતોની વાત કરતી વખતે ટ્રમ્પે રાજકીય-સામાજિક મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે અન્ય પોસ્ટમાં કહ્યું હતું કે, અમેરિકાની મહાનતાને અટકાવી શકે તેવું કોઈ હોય તો તે માત્ર કટ્ટરવાદી ડાબેરી કોર્ટ છે, જેઓ આ દેશને નિષ્ફળ જોવા માગે છે.
અમેરિકામાં દવા, કપડાં-જૂતાં,
મસાલાં મોંઘા થશે
ઈન્ડિયન-અમેરિકન કમ્યુનિટીના નેતા અને પૂર્વ પ્રમુખ જો બાઈડનના પૂર્વ સલાહકાર અજય ભુટોરિયાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદવાના ટ્રમ્પના નિર્ણયને વખોડી કાઢ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમેરિકાની એફોર્ડેબલ જેનરિક ડ્રગ્સમાં ભારતનો પુરવઠો અડધા જેટલો હોય છે. આ ટેરિફથી દવાઓ મોંઘી બનવાનું નક્કી છે. અનેક પરિવારો, વડીલો અને નાના ઉદ્યોગોને માઠી અસર થશે. મસાલા, કપડાં, જૂતાં, દાળ જેવી વસ્તુઓ 37 ટકા મોંઘી બનશે.
ચાર કંપનીઓ માટે
ભારત સાથે ટેરિફ વોર
અમેરિકન પ્રમુખે દ્વિપક્ષીય વેપાર સોદા માટેની વાટાઘાટોમાં કૃષિ અને ડેરી ક્ષેત્ર ખોલવા ભારત પર જબરજસ્ત દબાણ કર્યું છે. ભારતને નમાવવા માટે ટ્રમ્પે 50 ટકા ટેરિફ નાંખ્યો છે, પરંતુ ભારતે ટ્રમ્પના દબાણ સામે ઝૂકવાનો ઈનકાર કરી દીધો છે. ભારતીય સ્ટેટ બેન્કના રિપોર્ટમાં ચાર સેક્ટર ક્રૂડ, કૃષિ અને ડેરી તથા ફાર્માસ્યુટિકલ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ અહેવાલમાં કૃષિ અને ડેરી સેક્ટરની અમેરિકાની ચાર મોટી કંપનીઓ કારગિલ ઈન્ક, આર્ચર-ડેનિયલ્સ, બંગે લિ. અને ટાયસન ફૂડ્સ અંગે વિગતવાર વાત કરાઈ છે. આ ચાર કંપનીઓ કૃષિ ઉત્પાદનો વેચીને અબજો ડોલરની કમાણી કરે છે. ટ્રમ્પ આ કંપનીઓનો માલ ભારતમાં વેચવા માંગે છે.
રશિયાથી આયાત અંગે ટ્રમ્પના ગોળગોળ જવાબ
વ્હાઈટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે અમેરિકા દ્વારા રશિયન રસાયણો અને ખાતરોની આયાત અંગે સવાલ કરાયો ત્યારે ટ્રમ્પે જણાવ્યું હતું કે મને તેના અંગે કોઈ જાણકારી નથી. અમારે તેની તપાસ કરવી પડશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેને એ બાબતની કોઈ જાણકારી નથી કે અમેરિકા રશિયામાંથી ખાતર અને રસાયણોની આયાત કરે છે. આ સવાલ તેમને એવા સમયે કરાયો છે કે જ્યારે ભારતે જણાવી દીધું હતું કે અમેરિકાએ પોતાના પરમાણું ઉદ્યોગ, ખાતરો અને રસાયણો માટે રશિયામાંથી યુરેનિયમ હેક્સા ફ્લોરાઇડની આયાત કરવાનું ચાલું રાખ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter