6 કરોડ વર્ષ જૂની શિલામાંથી મૂર્તિનું નિર્માણ

Saturday 20th January 2024 04:12 EST
 
 

નવી દિલ્હીઃ શ્રીરામ જન્મભૂમિ ન્યાસ દ્વારા થયેલી જાહેરાત અનુસાર ગુરુવારે - 18 જાન્યુઆરીના રોજ ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિની સ્થાપના કરાશે. શ્યામ રંગની આ મૂર્તિ રામલલાના બાળસ્વરૂપની 51 ઈંચ ઉંચી હશે. ત્રણ શિલ્પકારોએ કંડારેલી મૂર્તિમાંથી કર્ણાટકના શિલ્પી અરુણ યોગીરાજે કંડારેલી છે.
ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની આ મૂર્તિના નિર્માણ માટે નેપાળથી શાલીગ્રામ શિલા લાવવામાં આવી છે. આ શિલાઓ નેપાળની કાલી ગંડકી નદીમાંથી લવાઇ છે. કહેવાય છે કે લગભગ છ કરોડ વર્ષ જૂની આ શિલાઓમાંથી જ રામલલાની મૂર્તિનું નિર્માણ કરાયું છે. જોકે સૌથી મોટો પડકાર એ છે કે આ શિલાઓ પર લોખંડના સાધનોનો ઉપયોગ કરવો પ્રતિબંધિત હતો. એટલે કે છીણી અને હથોડીના ઉપયોગ વડે મૂર્તિનું નિર્માણ નહીં કરાવાય. તો સવાલ એ ઊઠે છે કે આવી ભારે ભરખમ શિલામાંથી કઇ વસ્તુનો ઉપયોગ કરીને રામલલ્લાની મૂર્તિ તૈયાર કરાઇ છે?
ગયા વર્ષે 26 જાન્યુઆરીના રોજ નેપાળમાં આ શિલા ટ્રકમાં લદાઇ હતી. આ શિલાઓને ટેક્નિકલ નિષ્ણાતોની દેખરેખ હેઠળ ચાર ક્રેનની મદદથી ઉતારવામાં આવી હતી. આ શિલા ગત પહેલી ફેબ્રુઆરીના રોજ અયોધ્યા પહોંચી હતી. તેના બીજા દિવસે વૈદિક મંત્રોચ્ચારની સાથે આ દેવશિલાઓની પૂજા કરાઇ હતી અને ત્યારબાદ તેને રામમંદિર સમિતિને સોંપી દેવાઇ હતી. નેપાળથી અયોધ્યાના રસ્તે આ દેવશિલાના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઊમટી હતી. લોકો પોતાના આરાધ્યનો આકાર બનવા જઇ રહેલી આ શિલાઓના દર્શન કરીને ધન્ય બન્યા હતા.
કહેવાય છે કે લોખંડના ઉપયોગ સામે પ્રતિબંધ હોવાને કારણે આ શિલા પર છીણી અને હથોડીનો ઉપયોગ કરાયો નથી અને તેથી જ આ શિલામાંથી મૂર્તિ તૈયાર કરવા માટે હીરા કાપવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનનો પ્રયોગ કરાયો હોવાના અહેવાલ છે. નેપાળથી લવાયેલી આ બે શિલાઓ પૈકી એક 26 ટન જ્યારે બીજી 14 ટનની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter