અઝીમ પ્રેમજી ભારતના સૌથી ઉદાર દાતા

Wednesday 25th November 2020 04:39 EST
 
 

નવી દિલ્હીઃ આઇટી કંપની વિપ્રોના માલિક અઝીમ પ્રેમજી ભારતના સૌથી ઉદાર દાનવીર જાહેર થયા છે. દરરોજનું સરેરાશ રૂ. ૨૨ કરોડનું દાન કરનાર અઝીમ પ્રેમજીએ એડલગિવ હુરુન ઇન્ડિયાની વર્ષ ૨૦૨૦ની પરોપકારીઓની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો, વર્ષ દરમિયાન તેમણે કુલ રૂ. ૭૯૦૪ કરોડનું દાન કર્યું છે. આ સાથે જ તેઓ ભારતના સૌથી ઉદાર દાનવીર બન્યા છે. આ યાદીમાં એચસીએલ ટેક્નોલોજીના ચેરમેન શિવ નાદર બીજા નંબરે છે. જ્યારે ભારતના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અંબાણી યાદીમાં ત્રીજા સ્થાને રહ્યા છે. તો દેશના ટોપ-૧૦ દાતાઓમાં અમદાવાદના ટોરેન્ટ જૂથના સુધીર અને સમીર મહેતા બંધુઓનો પણ સમાવેશ થાય છે.
આઈટી કંપની વિપ્રોના એમિરેટ્સ ચેરમેન અઝીમ પ્રેમજીએ રૂ. ૭૯૦૪ કરોડનું દાન કરીને આગલા વર્ષના ટોચના દાનવીર એચસીએલ ટેકનોલોજીના શિવ નાદરને મોટા માર્જિન સાથે પાછળ રાખી દીધા છે તેમ હુરુન રિપોર્ટ ઈન્ડિયા એન્ડ એડલગીવ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી યાદી જણાવે છે. શિવ નાદરે આગલા નાણાકીય વર્ષ માટે રૂ. ૮૨૬ કરોડનું દાન કર્યું હતું અને નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે રૂ. ૭૯૫ કરોડનું દાન નોંધાવ્યું છે. અઝીમ પ્રેમજીએ આગલા નાણાકીય વર્ષ માટે રૂ. ૪૨૬ કરોડનું દાન નોંધાવ્યું હતું.
દેશના સૌથી ધનિક મુકેશ અંબાણીએ દાનવીરોની યાદીમાં ત્રીજા ક્રમને જાળવી રાખ્યો હતો. તેમણે સમીક્ષા હેઠળના ગાળા માટે રૂ. ૪૫૮ કરોડનું દાન કર્યું હતું અને આગલા વર્ષ માટે રૂ. ૪૦૨ કરોડનું દાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોવિડ રોગચાળાના પ્રસારને અટકાવવા મદદ માટે પણ કોર્પોરેટ જગત આગળ આવ્યું છે.
હુરુન ઇન્ડિયા અને એડલગિવે ૨૦૨૦ના ભારતીય દાનવીરોની યાદી જાહેર કરી છે, જે ભારતના સૌથી ઉદાર લોકોનું સાતમું વાર્ષિક રેન્કિંગ છે. દેશમાં સૌથી વધુ દાન કરનાર વ્યક્તિગત દાતાઓના નામ જાહેર કરવાના હેતુથી આ યાદી તૈયાર કરવામાં આવે છે.

યાદીમાં કુલ ૧૧૨ ભારતીય

યાદીમાં ૧ એપ્રિલ ૨૦૧૯થી ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી કરાયેલા રૂ. પાંચ કરોડ રોકડ કે એટલા જ મૂલ્યનું દાન કર્યું હોય તે લોકોને સામેલ કરાયા છે. ૨૦૨૦ની આ યાદીમાં આવા કુલ ૧૧૨ ભારતીય છે. ૨૦૧૯ની સરખામણીમાં આ યાદીમાં દાનવીરોની સંખ્યા ૧૨ ટકા વધી છે. યાદીમાં આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા ચોથા, જ્યારે વેદાંતા જૂથના ચેરમેન અનિલ અગ્રવાલ પાંચમા સ્થાને છે.
એડલગિવ ફાઉન્ડેશને હુરુન ઇન્ડિયા સાથે મળીને આ યાદી તૈયાર કરી છે. તે તૈયાર કરવા વિવિધ સ્ત્રોતોમાંથી ભેગી કરેલી માહિતી અને વૈજ્ઞાનિક પદ્વતિનો ઉપયોગ કરાયો હતો.

શિક્ષણ ક્ષેત્રે વધુ દાન

હુરુન ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ રિસર્ચર અનસ રહેમાન જુનૈદે કહ્યું કે ભારતના અગ્રણી દાનવીરોએ સૌથી વધુ દાન શિક્ષણ ક્ષેત્રે કર્યું છે. જ્યારે ગરીબી ઘટાડવાના હેતુથી કરાયેલું દાન આ વખતે બીજા સ્થાન છે. મને આશા છે કે એડલગિવ હુરુનની પરોપકારીઓની યાદી લોકોને દેશના સૌથી સફળ ઉદ્યોગપતિઓની માનસિકતાને સમજવાની સાથે ભવિષ્યની પેઢીઓને સમજવાની સાથે ભવિષ્યની પેઢીઓની પ્રેરણા આપવાનું પણ કામ કરશે.

ટાટા સન્સનું રૂ. ૧૫૦૦ કરોડનું દાન

ટાટા સન્સે રૂ. ૧૫૦૦ કરોડના દાનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે તે પછી પ્રેમજીએ રૂ. ૧૧૨૫ કરોડ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રૂ. ૫૧૦ કરોડનું દાન કરવાનું વચન આપ્યું છે. મોટા ભાગનું કોર્પોરેટ કમિટમેન્ટ્સ પીએમ-કેર્સ ફંડ માટે હોય તેવું દેખાય છે, જેમાં આદિત્ય બિરલા જૂથ રૂ. ૪૦૦ કરોડ દાન કરી રહ્યું છે તેમ આ અહેવાલમાં જણાવાયું છે. નોંધનીય છે કે ટાટા સન્સે જે દાન કરવાનું નક્કી કર્યું છે તેમાં નવા રચવામાં આવેલા ફંડમાં રૂ. ૫૦૦ કરોડનાં દાનનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter