અભિવ્યક્તિની આઝાદીના નામેઃ દિલ્હીમાં દેશદ્રોહ, દેશમાં રાજકીય દંગલ

Wednesday 17th February 2016 05:12 EST
 
 

નવી દિલ્હીઃ ભારતના પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાન જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના કેમ્પસમાં સંસદ પર થયેલા આતંકવાદી હુમલાના દોષિત અફઝલ ગુરુ અને મકબૂલ બટ્ટને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલા કાર્યક્રમમાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ભારતવિરોધી અને પાકિસ્તાનતરફી સૂત્રોચ્ચાર કરતા હોબાળો મચ્યો છે. આ કેસમાં પોલીસે જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ કન્હૈયા કુમાર અને દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ લેક્ચરર એસ.એ.આર. ગિલાનીની રાષ્ટ્રદ્રોહના આરોપસર ધરપકડ કરતાં શાસક-વિપક્ષ આમનેસામને આવી ગયા છે. આ ઉપરાંત પોલીસે વીડિયો ક્લિપિંગ્સના આધારે અન્ય આંદોલનકારી વિદ્યાર્થીઓને ઝડપી લેવા ઠેર ઠેર તપાસ શરૂ કરી છે.
જેએનયુમાં બનેલી રાષ્ટ્રવિરોધી ઘટનાનો પડઘો સમગ્ર દેશમાં પડયો હતો, જ્યાં અનેક વિદ્યાર્થી સંગઠનોએ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કર્યા છે. તો દેશવિરોધી સૂત્રોચ્ચાર કરનારા સામે સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, દેશમાં કોઈ ભારતવિરોધી સૂત્રોચ્ચાર કે નિવેદનબાજી કરે છે ત્યારે દેશની એકતા સામે સવાલો ઊભા થાય છે. તેમને માફ કરી શકાય નહીં.
જેએનયુમાં યોજાયેલા ધરણાં-પ્રદર્શને દેશને બે ભાગમાં વહેંચી નાંખ્યો છે. એક વર્ગ દેશવિરોધી સૂત્રોચ્ચારોને અભિવ્યક્તિની આઝાદીનો દુરુપયોગ ગણાવી રહ્યો છે. જ્યારે આંદોલનકારીઓના સમર્થકોની દલીલ છે કે વિદ્યાર્થીઓને તેમના વિચારો મુક્તપણે રજૂ કરવાનો અધિકાર છે. સરકાર તેમની સામે રાષ્ટ્રદ્રોહના કેસ સહિતના આકરા પગલાં લઇને દેશમાં કટોકટી જેવો માહોલ સર્જી રહી છે.
એક તરફ અનેક વિદ્યાર્થી સંગઠનો ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન યોજીને જેએનયુના આંદોલનકારીઓને વખોડી રહ્યા છે. તો બીજી બાજુ દક્ષિણ કોલકતામાં જાદવપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા મંગળવારે સાંજે યોજાયેલી મશાલ રેલીમાં આતંકી હુમલાના કેસમાં દોષિત અફઝલ ગુરુના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરીને સરકારના વલણને વખોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત દુનિયાના ટોચના શિક્ષણ સંસ્થાનોના અધ્યાપકોએ પણ જેએનયુના વિદ્યાર્થીઓની તરફેણમાં અવાજ ઉઠાવ્યો છે.
આમને માફી નહીંઃ ગૃહ પ્રધાન
કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા દેશવિરોધી સૂત્રોચ્ચારની ભારત સરકારે પણ ગંભીર નોંધ લીધી હતી. દેશવિરોધી સૂત્રોચ્ચાર કરનારા પરિબળો સામે સરકારે કડક વલણ અપનાવ્યું છે તે મુદ્દે ગૃહ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ‘દેશમાં કોઈ ભારતવિરોધી સૂત્રોચ્ચાર કે નિવેદનબાજી કરે છે ત્યારે દેશની એકતા સામે સવાલો ઊભા થાય છે. આ લોકોને માફ કરી શકાય નહી. જેએનયુની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. મેં દિલ્હી પોલીસને જરૂરી સૂચના આપી દીધી છે.’ કેટલાક લોકો સામે રાજદ્રોહનો કેસ નોંધવાની કવાયત હાથ ધરાતા આ મામલો વધારે ગંભીર બન્યો હતો.
દિલ્હીના પોલીસ કમિશનર બી. એસ. બસ્સીએ જણાવ્યું હતું કે કનૈયા કુમારે જેએનયુ કેમ્પસમાં દેશવિરોધી નારા લગાવ્યા હતા. દેશવિરોધી નારા લગાવાતા હતા તે મિટિંગમાં કનૈયા કુમારે હાજરી આપી હતી. તેની પૂછપરછ ચાલી રહી છે અને તપાસ પૂરી થયા બાદ વધુ પગલાં લેવાશે.
યુનિવર્સિટીના ચાન્સેલર જગદીશ કુમારે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે માગેલા પુરાવા આપી દેવાયા છે. દિલ્હી પોલીસે આરોપી વિદ્યાર્થીઓ સામે વીડિયોમાં પુરાવા મેળવ્યા છે જેના આધારે તેમની પૂછપરછ ચાલી રહી છે.
જેએનયુમાં પોલીસપ્રવેશ પર તેમણે જણાવ્યું હતું કે, કેમ્પસમાં પોલીસ આવે તેવું ઇચ્છનારી હું અંતિમ વ્યક્તિ હોઈશ.
ભાજપના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)એ એક વીડિયો જારી કરીને દાવો કર્યો છે કે, જેએનયુ ખાતે ‘અમે ભારતના ટુકડા કરી નાખીશું’ તેવા નારા લાગ્યા હતા. જોકે આ વીડિયોમાં સ્પષ્ટ અવાજ નથી અને તેની અધિકૃતતા પર પણ સવાલ છે.
પ્રધાન કિરણ રિજીજુએ જણાવ્યું કે, જેએનયુમાં જે કંઇ થઈ રહ્યું છે તે અયોગ્ય છે, તેને ક્યારેય દેશદ્રોહનો અડ્ડો નહીં બનવા દેવાય. આ લોકો કંઈ નાનાં બાળકો નથી કે જેમને ખ્યાલ ન હોય કે તેઓ શું કરી રહ્યા છે. વાણીસ્વતંત્રતાને નામે તમે દેશને ગાળો ન ભાંડી શકો. આ ખૂબ દુઃખદ ઘટના છે.
ભાજપના નેતા સાક્ષી મહારાજે જણાવ્યું કે, રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરવા અયોગ્ય છે. આવાં લોકોને ગોળી મારી દેવી જોઈએ. આ લોકો ભારતમાં રહીને પણ પાકિસ્તાનતરફી સૂત્રોચ્ચાર કરે છે, આ લોકો ગદ્દાર છે. તેમનો માત્ર એક જ ઈલાજ છે, તેમને ગોળી મારી દો. જે રાજકીય પક્ષો તેમનાં સમર્થનમાં છે તેમની સામે પણ કડક પગલાં લેવાં જોઈએ.
નેતાની દીકરી પણ સામેલ
દેશવિરોધી સૂત્રોચ્ચાર કરવાના કેસમાં પોલીસે વીડિયોના આધારે જે ૨૦ લોકોનાં નામની યાદી તૈયાર કરી છે. તેમાં સીપીઆઈના નેતા ડી. રાજાની દીકરી અપરાજિતા રાજાનું નામ પણ જોડાયું છે. અપરાજિતાનું નામ બહાર આવ્યા બાદ ભાજપી નેતા મહેશ ગીરીએ જણાવ્યું કે, દેશના નેતાની દીકરી દેશદ્રોહી પ્રવૃત્તિ કરે તે સહેજ પણ ચલાવી લેવાય નહીં.
બીજી તરફ, ડી રાજાએ દીકરીનો બચાવ કરતાં જણાવ્યું કે, તેની દેશભક્તિ સામે કોઈ શંકા કરી શકે નહીં કે સવાલ પણ ઉઠાવી શકે નહીં.
દેખાવોમાં હાફિઝનો હાથ?
જેએનયુ મુદ્દે ઉકળતા ચરુ જેવા બની ગયેલા રાજકારણમાં સોમવારે નવો વળાંક
આવ્યો હતો. ગૃહ પ્રધાન રાજનાથ સિંહે ભારતવિરોધી સૂત્રોચ્ચાર પાછળ પાકિસ્તાનસ્થિત આતંકવાદી હાફિઝ સઈદનો દોરીસંચાર છે એવા નિવેદન પછી વિપક્ષોએ તેના સમર્થનમાં પુરાવા રજૂ કરવાની માંગણી કરી હતી.
ગૃહ રાજ્યપ્રધાન કિરન રિજીજુએ રાજનાથ સિંહના દાવાને સમર્થન આપતા કહ્યું હતું કે ગુપ્તચર તંત્રનો અહેવાલ લોકો સમક્ષ રજૂ કરી ન શકાય અને તેનું વિશ્લેષણ પણ કરવાનું ન હોય. એવું મનાય છે કે ગૃહ પ્રધાને હાફિઝ સઇદની એક ટ્વીટના આધારે દાવો કર્યો હતો.
જોકે જમાત ઉદ દાવાના નેતા હાફિઝ સઈદે વીડિયો મારફતે ખુલાસો કરતાં વાતમાં વળાંક આવ્યો હતો. આ વીડિયોમાં સઈદે કહ્યું જણાવ્યું છે એ પ્રમાણે જેએનયુમાં ભારતવિરોધી સૂત્રોચ્ચાર થયો અને અફઝલ ગુરુનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો તેની પાછળ તેનો કોઈ દોરીસંચાર નથી. સઈદ વીડિયોમાં કહે છેઃ ભારતના ગૃહ પ્રધાને કરેલો દાવો પાયાવિહોણો છે. મેં કોઈ ટ્વિટ પણ નથી કરી કે મારો એ વિદ્યાર્થીઓ પાછળ કોઇ હાથ પણ નથી
‘રાહુલ દેશના ભાગલા ઇચ્છે છે?’
૨૦૦૧ના સંસદ પરના હુમલાના દોષિત અફઝલ ગુરુનાં સમર્થનમાં અને દેશવિરોધી નારા લગાવનારા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું સમર્થન કરનાર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ભાજપ અધ્યક્ષ અમિત શાહે સોમવારે સણસણતા સવાલો કર્યા હતા.
અમિત શાહે રાહુલ ગાંધીની માફીની માગ કરી છે. એક બ્લોગમાં અમિત શાહે રાહુલ ગાંધીને આઠ સવાલ કરી પૂછયું હતું કે, શું તેમણે અલગતાવાદીઓ સાથે હાથ મિલાવી લીધા છે?
મોદી સરકારની હિટલરની સરમુખત્યારી સાથે તુલના કરનાર રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે ૧૯૭૫માં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે ભારતમાં એક જ વાર સરમુખત્યાર શાસન લદાયું હતું.
પૂર્વ સૈનિકોની ચીમકી
જેએનયુમાં બનેલી ઘટનાના મુદ્દે કેટલાક પૂર્વ સૈનિકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે વાઇસ ચાન્સેલરને પત્ર લખીને જાણ કરી હતી કે, યુનિવર્સિટી દેશદ્રોહીઓનો અડ્ડો બની રહી છે. આ સ્થિતિ પર કાબૂ મેળવવામાં નહીં આવે તો તેઓ પોતાની ડીગ્રી પરત કરવા મજબૂર થશે. ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ ન થાય તેની ખાતરી આપવામાં આવે. આ પત્ર ૫૪મા એનડીએ કોર્સના કેટલાક નિવૃત્ત સૈન્યજવાનો અને અધિકારીઓએ લખ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter