અમદાવાદઃ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કોમનવેલ્થ ગેમ્સ - 2030ની યજમાનગતિ ગુજરાતને મળી છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સની બેઠકમાં 74 સભ્યોની સમિતિએ આ નિર્ણય પર મંજૂરીની મહોર મારી હતી. 2030 કોમનવેલ્થ ગેમ્સનું શતાબ્દી વર્ષ હોવાથી આયોજનનું આગવું મહત્ત્વ છે. આ રમતોત્સવ પહેલી વખત 1930માં કેનેડાના હેમિલ્ટનમાં બ્રિટિશ એમ્પાયર ગેમ્સ નામથી યોજાયો હતો. 2010 બાદ પહેલી વાર દેશમાં ફરી એક વખત કોમનવેલ્થ ગેમ્સની મેગા ઇવેન્ટ યોજાશે. 2010માં નવી દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું હતું.
કોમનવેલ્થ ગેમ્સની યજમાનગતિ કોઇ પણ દેશ-પ્રદેશ માટે આનંદ અને ગૌરવનો અવસર તો છે જ, સાથોસાથ આ ભવ્ય આયોજન અર્થતંત્ર માટે બુસ્ટર ડોઝનું પણ કામ કરે છે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના વર્ષ 2021ના રિપોર્ટ અનુસાર, આ રમતોત્સવ યજમાન દેશ માટે રૂ. 11,755 કરોડથી વધુનો બિઝનેસ લઈને આવે છે. આમાંથી, રૂ. 4,702 કરોડ કોમનવેલ્થ ટ્રેડ ડીલ્સ અને ઈન્વેસ્ટમેન્ટ્સના હોય છે. આ ઉપરાંત ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને વેગ મળે છે તે અલગ. આ ઉપરાંત વિશ્વભરમાં 150 કરોડથી વધુ દર્શકો તેને ટીવી પર નિહાળે છે. (વિશેષ અહેવાલઃ પાન - 17)


