અમૃતસરમાં દશેરાએ ટ્રેન ‘રાવણ’ બની

Wednesday 24th October 2018 06:41 EDT
 
 

અમૃતસરઃ ભારતભરમાં એક તરફ ઉમંગ-ઉલ્લાસભેર દશેરા પર્વની ઉજવણી થઇ રહી હતી ત્યારે બીજી તરફ પંજાબના અમૃતસરમાં કાળનો પંજો ફરી વળ્યો હતો. શહેરના ધોબીઘાટ વિસ્તારમાં જૌરા ફાટક રેલવે ક્રોસિંગ નજીક શુક્રવારે મોડી સાંજે રાવણદહન કાર્યક્રમ વેળા સર્જાયેલી એક કરુણાંતિકામાં ૬૨ લોકો ટ્રેન નીચે કચડાઇ ગયા હતાં. લોકો રેલવે ટ્રેક પર ઉભા રહીને રાવણદહન કાર્યક્રમ નિહાળી રહ્યા હતા ત્યારે ટ્રેન ધસી આવતા આ દુર્ઘટના સર્જાઇ હતી. અકસ્માતનો ભોગ બનેલા ૨૦૦થી વધુને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડાયા છે.
રાવણદહનનો કાર્યક્રમ જોવામાં મશગૂલ લોકોએ ચિચિયારીઓ અને ફટાકડાના ધૂમધડાકામાં ટ્રેનની વ્હીસલનો અવાજ સાંભળ્યો જ નહીં અને પળવારમાં તેઓ મોતના મુખમાં હોમાઇ ગયા હતા. ઇજાગ્રસ્તોની સંખ્યા મોટી હોવાથી મૃત્યુઆંક હજુ વધવાની ભીતિ પ્રવર્તે છે. પંજાબ સરકારે ઘટના બાદ મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ આ ઘટનાનો ભોગ બનેલાઓ પ્રત્યે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે.
જૌરા બજાર ખાતે રેલવે ટ્રેક નજીક દશેરા પર્વ નિમિત્તે રાવણદહનનો કાર્યક્રમ યોજાયો હતો. રાવણદહનની આતશબાજી નિહાળવા લોકો મોટી સંખ્યામાં રેલવે ટ્રેક નજીકનાં સ્થળે ઉમટ્યાં હતાં. રેલવે ટ્રેકથી માંડ ૩૦ મીટર દૂર ઊંચા પૂતળાનું દહન શરૂ થતાં જ નજીક ઊભેલા લોકોમાં ભાગદોડ મચી હતી. ફટાકડાથી બચવા લોકો રેલવે ટ્રેક તરફ પાછા હટી રહ્યાં હતાં. આ જ સમયે પઠાણકોટથી અમૃતસર જતી ટ્રેન પુરઝડપે આવી પહોંચી હતી અને ટ્રેક પર ઉભેલાં સંખ્યાબંધ લોકોને કચડી નાંખ્યા હતાં. ટ્રેન ધસમસતી પસાર થઇ ગઇ ત્યાં સુધી કોઇને ભયાનક દુર્ઘટનાનો અંદાજ આવ્યો નહોતો. સ્થળ પર પડેલા ક્ષતવિક્ષત મૃતદેહો અને માનવ-અંગોના કારણે અરેરાટીભર્યા દૃશ્યો સર્જાયા હતા.
દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. રેલવેપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, રેલવેએ રાહત અને બચાવના પૂરતાં પગલાં ભર્યા છે. બીજી તરફ પંજાબ સરકારે આ દુર્ઘટનાની તપાસના આદેશ જારી કર્યાં છે.
પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે અકસ્માતમાં માર્યા ગયેલાં લોકોના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરતા કહ્યું હતું કે, તમામ ઇજાગ્રસ્તોને સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર અપાશે.

રાવણ બન્યો તારણહાર

રાવણદહન દરમિયાન થયેલી સર્જાયેલી રેલહોનારતનો ભોગ બનેલાઓમાં આ જ મેદાનમાં યોજાયેલી આયોજિત રામલીલામાં રાવણનું પાત્ર નિભાવનાર ૨૪ વર્ષના યુવાન દલબીર સિંહનો પણ સમાવેશ થાય છે. રાવણદહન શરૂ થતાં જ દલબીર સિંહ ઘરે પહોંચવા ઉતાવળે રવાના થયો હતો. દલબીર રેલવે ટ્રેક પર પહોંચ્યો તો તેણે જોયું કે, લોકો રાવણદહન જોવામાં મશગૂલ છે અને દૂરથી એક ટ્રેન પૂરપાટ આવી રહી છે. દલબીરે બૂમો પાડી લોકોને ટ્રેક પરથી ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. ઘણા લોકોને તેણે ટ્રેક પરથી હટાવ્યા હતા, પરંતુ તે ખુદ એટલો નસીબદાર નહોતો. અન્યોને બચાવવાની મથામણમાં તે ટ્રેનની હડફેટે ચઢી ગયો હતો અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. ૨૪ વર્ષના દલબીરનાં મોતનો સમાચાર આવતા જ પરિવારમાં માતમ વ્યાપી ગયો હતો.
દુર્ઘટના વખતે એક બાળકના આબાદ બચાવની ઘટના બની હતી. મીના દેવી (૫૫) નામની એક મહિલાએ જોયું કે ટ્રેન ધસમસતી આવી રહી હતી ત્યારે ટ્રેક પર ચાલતી ભાગદોડમાં એક શખસ અટવાઇ ગયો હતો અને તેણે હાથમાં એક નાનું બાળક તેડ્યું હતું. ભીડમાં અટવાયેલા શખસને લાગ્યું કે હવે પોતાના બચવાની કોઇ જ શક્યતા નથી. આથી તેણે બાળકને મીના દેવી તરફ ફેંક્યું હતું અને મીના દેવીએ હવામાં જ તે બાળકને ઝીલી લઇને બચાવી લીધું હતું.

બે ટ્રેન આવી અને...

ઉત્તર રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસરે જણાવ્યું હતું કે રાવણદહન વખતે ફટાકડા ફૂટતાં લોકો ગેટ નંબર ૨૭ તરફ ભાગવા લાગ્યા હતા અને તે વખતે જ ટ્રેન તે ગેટ આગળથી પસાર થઇ હતી. આ ઘટના સમયે ટ્રેન અમૃતસર આવી રહી હતી. રાવણદહનની સાથે ફટાકડાનો અવાજ શરૂ થતાં જ લોકો ટ્રેક તરફ આવવા લાગ્યા હતા, જ્યાં પહેલેથી જ ઘણાં લોકો હાજર હોવાથી અચાનક ભીડ વધી ગઇ હતી અને એ જ સમયે ટ્રેન પસાર થઇ હતી. લોકોને રેલવે ટ્રેક પરથી ખસવાનો સમય જ મળ્યો નહોતો.

સિદ્ધુના પત્ની નાસ્યાં

કોંગ્રેસના નેતા દ્વારા આયોજિત રાવણદહનના કાર્યક્રમમાં પંજાબના ટૂરિઝમ પ્રધાન નવજોત સિંહ સિદ્ધુનાં પત્ની નવજોત કૌર સિદ્ધુને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સ્થાનિકોનો આરોપ છે કે રાવણદહન પહેલાં નવજોત કૌરે ભાષણ આપ્યું હતું. રાવણદહન શરૂ થતાં જ ટ્રેન આવી અને સેંકડોને કચડીને દોડી ગઇ પરંતુ નવજોત કૌર પોતાની કારમાં બેસીને રવાના થઇ ગયાં હતાં. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, નવજોત કૌર પોતે એક ડોક્ટર છે. તેઓ ઘટનાસ્થળે ઘાયલોની મદદ કરવાને બદલે નાસી છૂટયાં હતાં. લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના ધારાસભ્ય એવા નવજોત સિદ્ધુ અહીં આવીને માફી માગે અને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દે.

‘રેલવેની ભૂલ જ નથી’

રાવણદહન દરમિયાન સર્જાયેલી ટ્રેન કરુણાંતિકાની તપાસ કરાવવાનો રેલવેએ ધરાર ઇનકાર કર્યો છે. રેલવે રાજ્યપ્રધાન મનોજ સિંહાએ કહ્યું હતું કે, દુર્ઘટના ઘટી તે સ્થળ રેલવે ક્રોસિંગથી ૩૦૦ મીટર દૂર આવેલું છે. આમ આ દુર્ઘટનામાં રેલવેની કોઈ જવાબદારી જ નથી. કાયદો અને વ્યવસ્થા રાજ્ય સરકારની જવાબદારી છે અને તેણે લોકોને રેલવે ટ્રેક પર એકઠાં થવાની પરવાનગી આપવી જોઈતી નહોતી. રેલવે દ્વારા તપાસ થશે કે કેમ તેવા સવાલના જવાબમાં મનોજ સિંહાએ કહ્યું હતું કે અમે કઈ વાતની તપાસ કરાવીએ? ડ્રાઇવર કોઈ પ્રકારે ટ્રેન રોકવાની સ્થિતિમાં નહોતો.

હૃદય હચમચાવતી ઘટના

વડા પ્રધાન મોદીએ કરુણાંતિકા પર દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમૃતસરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાથી અત્યંત દુઃખી છું. આ કરુણાંતિકા હૃદય હચમચાવી નાખે તેવી છે. હું મૃતકોના પરિવારોને દિલાસો પાઠવું છું અને ઇજાગ્રસ્તોની ઝડપી તંદુરસ્તી પ્રાર્થના કરું છું.
રેલ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, પંજાબનાં અમૃતસર ખાતે સર્જાયેલી ટ્રેન કરુણાંતિકા અંગે સાંભળીને ઘણો આઘાત લાગ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter