અમે રામના વંશજઃ જયપુર રાજકુળ બાદ હવે મેવાડ રાજઘરાનાનો પણ દાવો

Thursday 15th August 2019 08:23 EDT
 
 

જયપુરઃ હવે ભારતમાં ભગવાન શ્રીરામના વંશજ બનવાની હોડ શરૂ થઇ હોય તેવું લાગે છે. અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે રામના વંશજની વાત કરી એ પછી આ ચર્ચા છેડાઇ છે. રાજસ્થાનના રાજસમંદથી ભાજપ સાંસદ દિયા કુમારીના દાવા બાદ હવે મેવાડ ઘરાનાએ પણ ભગવાન રામના વંશજ હોવાનો દાવો કર્યો છે.
મેવાડ રાજઘરાનાના મહેન્દ્રસિંહે કહ્યું હતું કે મેવાડ રાજપરિવાર ભગવાન રામના પુત્ર લવના વંશજ છે. મેલાવડના પૂર્વ રાજકુમાર લક્ષ્યરાજસિંહનું કહેવું છે કે કર્નલ જેમ્સ ટોડે પોતાના પુસ્તક ‘એનલ્સ એન્ડ એન્ટીક્વીટીઝ ઓફ રાજસ્થાન’મા લખ્યું છે કે શ્રીરામ રાજધાની અયોધ્યા હતા અને તેના દીકરા લવે લવ કોટ મતલબ લાહોર શહેર વસાવ્યું હતું. લવના વંશજ એ પછી ગુજરાત થઇને આહાર મતલબ કે મેવાડમાં આવ્યા હતા, જ્યાં સિસોદિયા રાજ્યની રચના થઇ હતી. મેવાડનું રાજ પ્રતીક સૂર્ય છે. શ્રીરામ શિવના ઉપાસક હતા અને મેવાડ પરિવાર પણ ભગવાન શિવનો ઉપાસક છે. આ મેવાડ આજે શ્રીરામનો વંશજ હોવાનું પ્રમાણિત કરે છે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યા વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં હાલ સુનાવણી ચાલી રહી છે. નવમી ઓગસ્ટના રોજ કોર્ટે રામલલ્લાના વકીલને પૂછયું હતું કે શું ભગવાન રામના કોઈ વંશજ અયોધ્યા કે વિશ્વમાં છે? જવાબમાં વકીલે કહ્યું હતું કે અમને જાણકારી નથી.
જોકે જયપુર રાજપરિવારનું કહેવું છે કે, ‘અમે ભગવાન રામના મોટા પુત્ર કુશના નામે ખ્યાતિપ્રાપ્ત કછવાહા, કુશવાહા વંશના વંશજ છીએ. ઇતિહાસના પાનાઓ પર આ હકીકત નોંધાયેલી છે.’
પૂર્વ રાજકુમારી દિયા કુમારીએ આ દાવો કરતા પુરાવા પણ આપ્યા હતા. તેમણે એક પત્રાવલી દર્શાવી કે જેમાં શ્રીરામના વંશના તમામ પૂર્વજોના નામ નોંધાયેલાં છે. તે વંશાવલીમાં ૨૮૯મા વંશજ તરીકે સવાઈ જયસિંહ અને ૩૦૭મા વંશજના રૂપમાં મહારાજા ભવાનીસિંહનું નામ નોંધાયેલું છે. તે ઉપરાંત પોથીખાનાના નકશા પણ છે.

ત્રણ પુરાવા રજૂ

દિયા કુમારીએ દાવો કર્યો હતો કે જયપુરના મહારાજા સવાઈ જયસિંહ ભગવાન રામના પુત્ર કુશના ૨૮૯મા વંશજ છે. ૯ દસ્તાવેજ અને ૨ નકશા સાબિત કરે છે કે અયોધ્યાનું જયસિંહપુરા અને રામ જન્મસ્થાન સવાઈ જયસિંહ દ્વિતીયને આધીન જ હતા. ૧૭૭૬ના આદેશમાં લખાયેલું હતું કે જયસિંહપુરાની ભૂમિ કછવાહાના અધિકારમાં છે. સિટી પેલેસના અધિકારી રામુ રામદેવના જણાવ્યા મુજબ કછવાહાની વંશાવલીમાં ૬૨મા વંશજ રાજા દશરથ અને ૬૩મા વંશજ શ્રીરામ તો ૬૪મા વંશજ કુશ હતા. ૨૮૯મા વંશજ આમેર-જયપુરના સવાઈ જયસિંહ, ઇશ્વરસિંહ, સવાઈ માધોસિંહ અને પૃથ્વીસિંહ રહ્યા હતા. ભવાનીસિંહ ૩૦૭મા વંશજ હતા.

કછવાહા વંશનો અધિકાર

સિટી પેલેસના પોથીખાનામાં રાખેલા ૯ દસ્તાવેજ અને બે નકશા સાબિત કરે છે કે અયોધ્યાના જયસિંહપુરા અને રામ જન્મસ્થાન સવાઈ માનસિંહ દ્વિતીયને આધીન હતા. જાણીતા ઇતિહાસકાર આર. નાથનું પુસ્તક ‘જયસિંહપુરા ઓફ સવાઈ રાજા જયસિંહ એટ અયોધ્યા’ના એનેક્શ્ચર-૨માં જણાવ્યા મુજબ અયોધ્યાના રામ જન્મસ્થળ મંદિર પર જયપુરના કછવાહા વંશનો અધિકાર હતો.

સવાઈ જયસિંહે મંદિર બંધાવ્યું

વકીલે સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો કે, ઈ.સ. ૧૭૭૬માં નવાબ વજિર અસફ-ઉદ-દૌલાએ રાજા ભવાનીસિંહને એક આદેશ સોંપ્યો હતો. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે અયોધ્યા અને અલ્હાબાદ સ્થિત જયસિંહપુરામાં કોઈ દખલ નહીં કરવામાં આવે. આ જમીન હંમેશાં કછવાહાના અધિકારક્ષેત્રમાં રહેશે.
ઔરંગઝેબના અવસાન પછી સવાઈ જયસિંહ દ્વિતીયે હિંદુ ધાર્મિક વિસ્તારમાં મોટી મોટી જમીનો ખરીદી હતી, ૧૭૧૭થી ૧૭૨૫ દરમિયાન અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter