નવી દિલ્હીઃ દિવાળીના પર્વ નિમિત્તે વિશ્વના અનેક દેશોના નેતાઓ અને રાજદ્વારીઓએ ભારતને શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતાં. તેમણે પ્રકાશના પર્વના શાંતિ, સમૃદ્ધિ અને અનિષ્ટ પર ઈષ્ટના વિજયના મેસેજને બિરદાવ્યો હતો. અમેરિકા, ઈરાન, પાકિસ્તાન, રશિયા, શ્રીલંકા સહિતના દેશોના અગ્રણી નેતાઓએ આ અવસરે શાંતિ, આશા અને કરુણાનો સંદેશ આપ્યો હતો.
દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)ના વાઈસ પ્રેસિડન્ટ શેખ
મોહમ્મદ બિન રાશિદ અલ મક્તમે જણાવ્યું હતું કે પ્રકાશનો આ તહેવાર તમારા જીવનમાં શાંતિ, આશા અને સદભાવના લાવે. તમારા દરેક દિવસ સુરક્ષા, ખુશીઓ અને સમૃદ્ધિથી ભરેલા રહે. દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ!
હિન્દુ-અમેરિકન રાજકારણી અને અમેરિકાના ભૂતપૂર્વ ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબાર્ડે દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી અને તહેવારના શાંતિ તથા આનંદના સંદેશ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે દિવાળીની ઉજવણી કરી રહેલા તમામ લોકોને આનંદમય દિવાળીની શુભેચ્છાઓ! આ વિશેષ દિવસે અને જીવનના દરેક દિવસે આપણે યાદ રાખીએ કે ઈશ્વરનો પ્રેમ તમામ અંધકારને દૂર કરવાની અને આપણા જીવનને પ્રકાશ, શાંતિ તથા આનંદથી ભરી દેવાની શક્તિ ધરાવે છે.
આ પૂર્વે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઉટ હાઉસમાં દિવાળીની ઉજવણીમાં ભાગ લીધો હતો. શુક્રવારે વ્હાઈટ હાઉસમાં યોજાયેલા દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં તેઓ જોડાયા હતાં. આ પ્રસંગે અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા, એફબીઆઇના વડા કાશ પટેલ, જાણીતા શેફ વિકાસ ખન્ના, ઉદ્યોગસાહસિક વિશાલ ગોંડલ, આઇબીએમના સીઇઓ અરવિંદ કૃષ્ણા અને અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર જય ભટ્ટાચાર્ય પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
શ્રીલંકાના પ્રેસિડન્ટ અનુરા કુમારા દિશાનાયકે દિવાળીને હિન્દુ સમુદાયના સૌથી પવિત્ર તહેવારોમાંનો એક ગણાવીને જણાવ્યું હતું કે આ પર્વ અંધકાર પર પ્રકાશ અને અજ્ઞાન પર જ્ઞાનના વિજયનું પ્રતીક છે. જેમ ધર્મનો અધર્મ પર વિજય થયો હતો, તેવી જ રીતે દરેક હૃદયમાંથી અંધકાર દૂર થાય અને સદગુણોનો પ્રકાશ પ્રસરતો રહે તેવી આશા સાથે આ તહેવાર ઉજવવામાં આવે છે.


