અયોધ્યામાં આવી તે ઘડી રળિયામણી...

દીવડાથી ઝળહળી ઊઠી રામ કી પૈડી, રામનગરીને રંગબેરંગી ફૂલોનો શણગાર

Wednesday 05th August 2020 05:01 EDT
 
 

અયોધ્યાઃ કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યા જ નહીં સમગ્ર ભારત રામરંગે રંગાયું છે. શ્રીરામ મંદિર શિલાન્યાસ પર્વે રામ કી પૈડી એક લાખ દીવડાઓથી ઝળહળી ઊઠી છે તો રામ નગરીને રંગબેરંગી ફૂલોથી શણગારાઈ છે. સાકેત મહાવિદ્યાલયથી હનુમાનગઢી સુધી એક માઇલના પટ્ટામાં અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. રસ્તા પર બન્ને કિનારાના ભવન પીળા રંગમાં છે. તેમના પર રામકથાના ચિત્ર દિવ્યતાનો અનુભવ કરાવે છે.
રામ મંદિરના શિલાન્યાસની પૂર્વસંધ્યાએ રામ કી પૈડી પર દીવડાઓ પ્રગટાવવા માટે લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. અયોધ્યા ફૂલો અને પીળા કપડાંથી દમકી રહ્યું છે તો માર્ગો રંગબેરંગી રોશની રેલાઇ રહી છે.
અયોધ્યામાં ૫૦૦ વર્ષનાં લાંબા સંઘર્ષ પછી આખરે ભવ્ય રામ મંદિરનાં નિર્માણની શુભ ઘડી અને શુભ મુહૂર્ત આવી ચૂકયાં છે. સોમવારે ભગવાન ગણેશ તેમજ રામ અને સીતાજીનાં કુળદેવીની પૂજાઅર્ચના સાથે ત્રણ દિવસ ચાલનારા ભૂમિપૂજનની વિધિ તેમજ અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યા છે. માતા સીતાજીનાં કુળદેવી છોટી દેવકાલી તેમજ ભગવાન રામનાં કુળદેવી બડી દેવકાલીનાં પૂજા સાથે ભૂમિપૂજનનાં પહેલા તબક્કાનો પ્રારંભ કરાયો હતો. મંગળવારે રામ જન્મભૂમિમાં રામાચાર્ય પૂજા થઇ હતી. કાશી અને અયોધ્યાના નવ વેદાચાર્યોએ મંત્રોચ્ચાર સાથે પૂજા કરી હતી, જે છ કલાક ચાલી હતી. આ પ્રસંગે યજમાન તરીકે ભાજપ મહાનગર અધ્યક્ષ અભિષેક મિશ્રા અને તેમના પત્ની ઉપસ્થિત રહ્યા હતાં.

મંગળવારે રાત્રે આ લખાઇ રહ્યું છે ત્યારે શ્રીરામ મંદિરના શિલાન્યાસ આડે હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. વડા પ્રધાન મોદીના હસ્તે શિલાન્યાસ માટેની બધી તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ચૂકી છે. સમગ્ર શહેરમાં સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી)ના કમાન્ડોએ સુરક્ષા સંભાળી લીધી છે. શહેરની સીમાઓ સીલ કરી દેવામાં આવી છે અને બહારની કોઇ પણ વ્યક્તિને અયોધ્યામાં પ્રવેશની છૂટ નથી.

અયોધ્યા અને બનારસનાં ૨૧ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજાઅર્ચના કરાઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમીએ - બુધવારે શિલાન્યાસ વિધિમાં ૩ કલાક હાજરી આપશે. તેઓ ૯ શિલાઓની પૂજા કરીને તેની સ્થાપના કરશે. શિલાન્યાસની વિધિ સવા કલાક ચાલશે. આ પ્રસંગે મુખ્ય મંચ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શ્રીરામ જન્મ ભૂમિ ન્યાસના મહંત નૃત્યગોપાલદાસજી, ગવર્નર આનંદીબહેન પટેલ, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત બિરાજમાન હશે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરમાં જ રહે, પરંતુ લોકો વડા પ્રધાનને જોવા માટે ઉત્સુક છે. તેમનું કહેવું છે કે બેરિકેડિંગ કરવામાં આવી છે, પરંતુ અમે તો વડા પ્રધાનને નિહાળવા ઘરમાંથી બહાર નીકળશું જ.

૩૬ આધ્યાત્મિક પરંપરા, ૧૩૫ સંત

રામ મંદિર ટ્રસ્ટનાં મહાસચિવ ચંપતરાયે કહ્યું હતું કે દેશનાં ૩૬ આધ્યાત્મિક પરંપરા ધરાવતા ૧૩૫ સંતોને શિલારોપણ વિધિ માટે આમંત્રણ અપાયું છે. સંઘનાં મોહન ભાગવત તેમજ સુરેશ ભૈયાજી અને અન્ય હોદ્દેદારો મંગળવારે અહીં આવી જશે. સંત મહાત્મા મળીને કુલ ૧૭૫ લોકો હાજરી આપશે.
ચંપતરાયે કહ્યું કે નિમંત્રણ પત્ર પર સિક્યોરિટી કોડ છાપવામાં આવ્યો છે આથી એક પ્રવેશ લીધા પછી કોઈ બહાર જઈ શકશે નહીં. બહાર જનાર અંદર આવી શકશે નહીં. નંબર અને નામ ચેક કરીને જ લોકોને પ્રવેશ અપાશે. મોબાઈલ કે કેમેરાને પરમિશન અપાશે નહીં. મંદિરનાં નવા મોડેલની ટપાલ ટિકિટ બહાર પડાશે જેનું વડા પ્રધાન મોદી વિમોચન કરશે. અડવાણી, જોશી અને કલ્યાણસિંહને મોટી ઉંમરને કારણે આમંત્રણ અપાયું નથી તેમ ચંપતરાયે કહ્યું હતું.

અયોધ્યા પિતાંબર રંગે રંગાયું

સમગ્ર અયોધ્યા નગરીને દસ જ દિવસમાં - ભગવાન શ્રીરામના પિતાંબર વસ્ત્રો જેવા - પીળા રંગથી રંગી નાંખવામાં આવી છે. રસ્તાની બન્ને તરફ અને દોઢ કિમીના દાયરામાં જે પણ મકાન-દુકાન આવે છે તેમને રંગવામાં આવ્યા છે. રસ્તાની બન્ને તરફ ફૂલોની સજાવટ છે. રસ્તામાં દરેક જગ્યાએ લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે.

અયોધ્યામાં ઐતિહાસિક ક્ષણ

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે વડા પ્રધાન મોદી અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણનો પાયો મૂકશે તે ઐતિહાસિક ક્ષણ હશે. યોગીએ દેશની જનતાને દીવા પ્રગટાવવા આહવાન કર્યું. અભિજિત મુહૂર્ત હોવાના કારણે મંદિર નિર્માણમાં કોઇ અવરોધ નહીં આવે. આ ગાળામાં રોગબાણ, અગ્નિબાણ, રાજબાણ, ચોરબાણ અને મૃત્યુબાણ નથી, જેથી બીમારી, આગ, રાજકીય સંકટ, ચોરી અને મૃત્યુનું સંકટ નહીં આવે.

મુસ્લિમોને પાંચ એકર જમીન સોંપાઈ

રામમંદિરનાં ભૂમિપૂજન પહેલા અયોધ્યાનાં જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજ કુમાર ઝાએ મુસ્લિમોને મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીનની સોંપણી કરી હતી. ફૈઝાબાદમાં ધન્નીપુર ગામમાં સુન્ની વકફ બોર્ડ દ્વારા મસ્જિદ બાંધવા રચાયેલા ટ્રસ્ટ ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન (IICF)ને જમીન આપવામાં આવી હતી.

શિલાન્યાસની તિથિ અશુભ: દિગ્વિજય સિંહ

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે રામમંદિર શિલાન્યાસ માટે નક્કી કરવામાં આવેલી તિથિ અશુભ છે તેથી વડા પ્રધાન મોદીએ આ દિવસે શિલાન્યાસ કાર્યક્રમ સ્થગિત કરવો જોઈએ. તેમણે ટિપ્પણી કરી હતી કે સનાતન હિન્દુ ધર્મની માન્યતાઓનું પાલન નહીં કરવામાં આવતા જ રામમંદિરનાં પૂજારી તેમજ ભાજપ પ્રમુખ અને અન્ય લોકોને કોરોના થયો છે. મોદીજીની સુવિધા માટે આ મૂહુર્ત નક્કી કરાયું છે શું મોદીજી હિન્દુ ધર્મની સ્થાપિત માન્યતાઓથી પણ મોટી હસ્તી છે? શું આ જ હિન્દુત્વ છે? શંકરાચાર્ચ સ્વામી સ્વરૂપાનંદજીએ પણ આ તિથિ અશુભ હોવાની જાણ કરી છે.

શિવસેનાનું રામમંદિર માટે રૂ. ૧ કરોડનું દાન

શિવસેનાએ રામમંદિર માટે રૂ. ૧ કરોડનું દાન કર્યું છે. શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે બાલાસાહેબનું સપનું અને સંકલ્પ પૂરો થયો છે. મારા પિતા બાલાસાહેબનાં આદેશને પગલે હજારો શિવસૈનિકોએ અયોધ્યામાં મંદિર બાંધવાની ઝુંબેશમાં ભાગ લીધો હતો. તેઓ ભગવાન રામનાં પરમ ભક્ત હતા. બાલાસાહેબે તે વખતે મંદિર માટે રૂ. ૧ કરોડ આપવાની ઈચ્છા દર્શાવી હતી. ૨૭ જુલાઈએ આ રકમ મંદિર ટ્રસ્ટને આપવામાં આવી છે. શિવસેનાનાં સાંસદ અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે રામમંદિર ટ્રસ્ટનાં ચંપતરાય દ્વારા આ રકમ મળ્યાની જાણ કરાઈ છે.
મુહૂર્ત બધી જ રીતે શ્રેષ્ઠ છે
રામમંદિરના ભૂમિપૂજનનું મુહૂર્ત કાઢનારા ગણેશ્વર શાસ્ત્રીએ કહ્યું કે અભિજિત મુહૂર્તના ૧૬ ભાગમાંથી ૧૫ અતિ શુદ્ધ હોય છે, જેમાં આ ૩૨ સેકન્ડ મહત્ત્વની છે. બુધવાર હોવાથી મંદિર નિર્માણ કોઇ વિઘ્ન વિના યશસ્વી રીતે પૂર્ણ થશે.

રેલવે સ્ટેશનને ભવ્ય રામમંદિરનો આકાર

નોર્ધર્ન રેલવે અયોધ્યા સ્ટેશનને ૧૦૪ કરોડ રૂપિયાના ખર્ચે ભવ્ય રામમંદિરનો આકાર આપશે. ઉત્તર રેલવેના જીએમ રાજીવ ચૌધરીએ જણાવ્યું કે સ્ટેશનની અંદર અને બહારના પરિસર નવેસરથી બનાવાશે. ટિકિટ કાઉન્ટર્સની સંખ્યા વધારાશે, વેઇટિંગ રૂમ એસી હશે અને રેસ્ટ રૂમમાં સુવિધાઓ વધારવામાં આવી રહી છે. સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજ, ફૂડ પ્લાઝા, દુકાનો ઉપરાંત પર્યટક કેન્દ્ર, ટેક્સી બૂથ, શિશુ વિહાર, વીઆઇપી લાઉન્જમાં સુવિધાઓ વિકસાવાશે.

એક સમુદાયનાં નહીં, સૌના છે રામ: બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અન્સારી

રામમંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં હાજર રહેવા માટેનાં આમંત્રણ સોમવારે કેટલાક લોકોને અપાયા હતા તેમાં સૌથી પહેલું આમંત્રણ બાબરી મસ્જિદનાં પક્ષકાર ઈકબાલ અન્સારીને અપાયું હતું. તેઓ આમંત્રણ મેળવીને ગદ્ગદ્ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે રામજી કી ઈચ્છા હૈ, જરૂર જાયેંગે, રામજી કીસી એક સમુદાય કે નહીં હૈ વહ સબ કે હૈ. રામજી કી ઈચ્છા હોગી કી રામમંદિર નિર્માણ કા પહલા આમંત્રણ મુઝે મિલે, મેં ઈસકા સ્વીકાર કરતા હું.’ ઈકબાલ અન્સારીએ વડા પ્રધાન મોદીનું રામનામનાં પટકાથી સ્વાગત કરવા ઈચ્છા દર્શાવી છે. તેઓ વડા પ્રધાન મોદીને રામચરિત માનસની ભેટ આપશે. અન્સારીની સાથે હાજી મહેબૂબ પણ હાજર રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter