અલવિદા પ્રણવ દા

Wednesday 02nd September 2020 06:16 EDT
 
 

નવી દિલ્હી: ભારતરત્નથી સન્માનિત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સોમવારે સાંજે દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ૮૪ વર્ષના હતા. પ્રણવ દાના પુત્ર અભિજિત મુખરજીએ ટ્વિટરના માધ્યમથી તેમના નિધનની માહિતી આપી હતી. આંગળીના વેઢે ગણાતા દેશના સાચા સ્ટેટ્સમેનના નિધનના સમાચાર આવ્યા બાદ કેન્દ્ર સરકારે સાત દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. મંગળવારે બપોરે લશ્કરી સન્માન સાથે લોદી રોડ સ્મશાનગૃહમાં પ્રણવ દાના અંતિમસંસ્કાર કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, તેમને ૧૦મી ઓગસ્ટે દિલ્હીની આરઆર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ૨૧ દિવસ પહેલાં જ તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું અને તે પહેલાં તેમની બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ તેઓ કોમામાં અને થોડા દિવસ બાદ ડીપ કોમામાં જતા રહ્યા હતા.

જીવન ઝરમર

• ૧૯૬૯થી પાંચ વખત રાજ્યસભાના સાંસદ
• ૨૦૦૪માં પહેલી વખત ચૂંટણી લડીને લોકસભામાં ચૂંટાયા
• કોંગ્રેસના સૌથી વિશ્વાસપાત્ર અને સંકટમોચક
• ૧૯૭૩માં પહેલી વખત કેન્દ્રીય પ્રધાન બન્યા
• ૨૦૧૨માં દેશના રાષ્ટ્રપતિ બન્યા

ભારતીય રાજકારણના ‘અજાતશત્રુ’

ભારતીય રાજકારણમાં ‘અજાતશત્રુ’ બનેલા પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખરજી એક મેધાવી પ્રતિભા ધરાવતા નેતા હતા. પ્રણવ મુખરજી સરકાર કે વિપક્ષમાં સૌ કોઈના માનીતા બની રહ્યા હતા. વિપક્ષો પણ તેમનો ખૂબ આદર રાખતા હતા. ચાર મોટાં મંત્રાલયો સંરક્ષણ, વાણિજ્ય, વિદેશ અને નાણા મંત્રાલય સંભાળનારા પ્રણવ દા એકમાત્ર પ્રધાન હતા.
પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખરજીનો જન્મ ૧૧ ડિસેમ્બર, ૧૯૩૫ના દિવસે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના મિરાતી ગામમાં થયો હતો. પ્રણવ મુખરજી કામદા કિંકર મુખરજી અને રાજલક્ષ્મી મુખરજીના પુત્ર હતા. મુખરજીના પિતા સ્વાતંત્ર્ય સેનાની હતા, પછીથી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રતિનિધિ બન્યા હતા. ૧૯૫૨થી ૧૯૬૪ સુધી કામદા કિંકર મુખરજી પશ્ચિમ બંગાળ વિધાનસભાના સભ્ય બન્યા હતા.
પ્રણવ મુખરજીએ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સૂરી વિદ્યાસગર કોલેજમાં અભ્યાસ કર્યો હતો, તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી એલએલ.બી.ની ડિગ્રી લીધી હતી. ૧૩ જુલાઈ ૧૯૫૭ના રોજ પ્રણવ મુખરજીએ સુવરા મુખરજી સાથે લગ્ન કર્યાં હતાં. સુવરા મુખરજી ૧૦ વર્ષની ઉંમરે બાંગ્લાદેશના નરેલથી કોલકાતામાં ઠરીઠામ થયાં હતાં. પ્રણવ મુખરજીને સંતાનમાં એક પુત્રી છે જેઓ કથ્થક ડાન્સર છે. મુખરજીના સૌથી મોટા પુત્ર અભિજિત મુખરજી પશ્ચિમ બંગાળની જાંગીપુર લોકસભા બેઠક પરથી સાંસદ છે. સાંસદ બન્યા પહેલાં અભિજિત બીરભૂમ જિલ્લામાં ધારાસભ્ય રહ્યા હતા.
પ્રણવ મુખરજી દર વર્ષે તેમના ગામ મિરાતીમાં પરિવાર અને મિત્રો સાથે દુર્ગા પૂજાની ઉજવણી કરવા જતા હતા. પ્રણવ મુખરજીને સંગીત સાંભળવાનો, વાંચવાનો અને માળીકામનો ખૂબ શોખ હતો.

રાજનીતિમાં પ્રવેશતાં પહેલાંની કારકિર્દી

પ્રણવ મુખરજીએ કોલકતામાં ટપાલ વિભાગમાં ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ તરીકે પહેલી નોકરી શરૂ કરી હતી. ત્યાર બાદ ૧૯૬૩માં સાઉથ ૨૪ પરગણામાં વિદ્યાસાગર કોલેજમાં પોલિટિકલ સાયન્સના શિક્ષક બન્યા હતા. તેમણે દેશર ડાક નામના એક અખબારમાં થોડો સમય પત્રકાર તરીકે પણ કામ કર્યું હતું.

ઇંદિરા ગાંધીની નજરે ચઢ્યા

પ્રણવ મુખરજીએ ૧૯૬૯ની ચૂંટણીમાં વી.કે. કૃષ્ણમેનન માટે પ્રચાર શરૂ કર્યો હતો. આ દરમિયાન તેઓ તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની નજરે ચડી ગયા હતા અને ઇંદિરાએ પ્રણવ મુખરજીને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં સામેલ કર્યાં હતા. જુલાઈ ૧૯૬૯માં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા. ૧૯૬૯માં રાજ્યસભાના સભ્ય બનતાની સાથે જ પ્રણવ મુખરજીની રાજકીય કારકિર્દીની શરૂ થઈ હતી.

૧૩ નંબર સાથે ખાસ નાતો

પ્રણવ મુખરજીનો ૧૩ નંબર સાથે ખાસ નાતો રહ્યો છે. તેઓ ભારતના ૧૩મા રાષ્ટ્રપતિ બન્યા હતા અને તેમને દિલ્હીમાં ૧૩ નંબરનો બંગલો ફાળવાયો હતો. તેમની લગ્નની વર્ષગાંઠ પણ ૧૩ તારીખે આવે છે.

બાળપણમાં ખૂબ જિદ્દી હતા

પ્રણવ મુખરજી બાળપણથી જ જિદ્દી હતા. જીદને કારણે તેમણે પ્રાથમિક શાળામાં ડબલ પ્રમોશન મેળવ્યું હતું. મુખરજીના પિતા તેમનું એડમિશન બીજા ધોરણમાં કરાવવા માગતા હતા પરંતુ તેમણે મિરાતી ગામની શાળામાં ભણવાનો ઇનકાર કરી દીધો હતો. પ્રણવ કિરનાહર સ્કૂલમાં ભણવા માગતા હતા.

બહેનની ભવિષ્યવાણી

પ્રણવના બહેને એક ભવિષ્યવાણી કરી હતી, સાચી પડી હતી. વર્ષ ૧૯૬૯માં જ્યારે પ્રણવ રાજ્યસભાના સભ્ય બન્યા ત્યારે તેમનું ઘર રાષ્ટ્રપતિ ભવનની નજીક હતું. પ્રણવ મુખરજી પોતાના ઘેરથી રાષ્ટ્રપતિ ભવનને ખૂબ જોતા હતા અને આનંદ પામતા હતા. એક દિવસની વાત છે, પ્રણવ દા રાષ્ટ્રપતિની ઘોડાવાળી બગી જોઇ રહ્યા હતા. ત્યારે તેમના બહેને ભવિષ્ય ભાખતા કહ્યું હતું કે એક દિવસે તે પણ રાષ્ટ્રપતિ બનશે, આવતા જન્મ સુધી રાહ નહીં જોવી પડે.

દેશે સાચા સ્ટેટ્સમેન ગુમાવ્યા છે: પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, પ્રણવ મુખરજીના નિધનથી સમગ્ર દેશ શોકગ્રસ્ત છે, તેઓ સાચા અર્થમાં સ્ટેટ્સમેન હતા. તેમણે રાજકારણ અને સામાજિક ક્ષેત્રના દરેક તબક્કે લોકોની સેવાને જ પ્રાધાન્ય આપ્યું હતું. તેમણે સમાજના દરેક વર્ગના લોકોની સેવા કરી હતી.
• રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોકની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે પ્રણવ મુખરજીની વિદાય એક યુગનો અંત છે. પાંચ દાયસાકના પોતાના શાનદાર સાર્વજનિક જીવનમાં અનેક ઉચ્ચ પદો પર આરુઢ થઇને પણ તેઓ હંમેશા જમીન સાથે જોડાયેલા રહ્યા.
• ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ અનુભવી નેતા હતા. જેમણે સંપૂર્ણ સમર્પણ ભાવથી દેશની સેવા કરી. પ્રણવજીની રાજકીય કારકિર્દી સમગ્ર દેશ માટે ગર્વ સમાન હતી. પ્રણવ મુખરજીના નિધનથી ભારતીય રાજકારણમાં એક મોટો ખાલીપો સર્જાયો છે.
• ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે જણાવ્યું હતું કે દેશે આઝાદી પછીના તેના સૌથી મહાન નાયકો પૈકીનો એક નાયક ગુમાવી દીધો છે.
• કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ મુખરજી પરિવારને પત્ર પાઠવીને દિલસોજી વ્યક્ત કરતા પ્રણવ દાના પ્રદાનને બિરદાવ્યું હતું. પ્રવણ દા પાંચ દાયકા કરતાં વધારે સમયથી દેશના જાહેર જીવનનો હિસ્સો અને કોંગ્રેસ પક્ષનો અતૂટ ભાગ રહ્યા, હું તેમની પાસેથી ઘણું શીખી છું.
• રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પ્રણવ મુખરજીનાં નિધનના સમાચારથી સમગ્ર દેશ દુઃખી છે. દેશવાસીઓની સાથે હું પણ તેમને શ્રદ્ધાંજલિ આપું છું.
 • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્રણવ મુખરજીને અંજલિ અર્પતા જણાવ્યું હતું કે ભારતના રાજકીય અને સામાજિક જીવનમાં ફેલાયેલી આ શૂન્યતાને પૂરવાનો કોઈ વિકલ્પ નથી.

જીવન સાથે સંકળાયેલા ૧૦ તથ્ય

૧) પ્રણવ દા એક જમાનામાં ૨૪ પરગણા વિદ્યાનગર કોલેજમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર રહી ચૂક્યા છે
૨) થોડા સમય સુધી સ્થાનિક બંગાળી અખબાર ‘દેશર ડાક’માં પત્રકાર તરીકે કામ કર્યું
૩) પૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધી પ્રણવ મુખરજીને રાજકારણમાં ખેંચી લાવ્યાં હતાં અને તેમને રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતા
૪) પ્રણવ મુખરજી મોડે સુધી કામ કરવા માટે જાણીતા છે. તેમના પુત્રી ર્શિમષ્ઠા મુખરજીએ જણાવ્યું કે મુખરજી ૧૮ કલાક સુધી કામ કરતા હતા અને રજા તો ભાગ્યે જ લેતા હતા અને તે પણ બંગાળમાં દુર્ગાપૂજાના તહેવાર સમયે જ.
૫) પ્રણવ મુખરજી દેશના બહુમુખી પ્રતિભા ધરાવતા પ્રધાન હતા. તેઓ એકમાત્ર પ્રધાન હતા કે જેમણે ચાર મોટાં મંત્રાલયો - સંરક્ષણ, વાણિજ્ય, વિદેશ અને નાણા મંત્રાલય સંભાળ્યાં હતાં. ૧૯૮૪માં વિશ્વના સર્વોત્તમ પાંચ ફાઇનાન્સ મિનિસ્ટરમાંથી એક પ્રણવ મુખરજી હતા.
૬) ૧૯૮૪માં તેમને ‘યુરોમની’ મેગેઝિન દ્વારા દુનિયાના સર્વશ્રેષ્ઠ નાણા પ્રધાન જાહેર કરાયા હતા. પ્રણવ મુખરજી એકમાત્ર એવા નાણા પ્રધાન છે જેમણે સાત વાર બજેટ રજૂ કરીને રેકોર્ડ સર્જ્યો હતો
૭) ઇંદિરા ગાંધીના અવસાન બાદ તેમણે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી અને રાષ્ટ્રીય સમાજવાદી નામની પોતાની પાર્ટી બનાવી હતી. તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ તેમને કોંગ્રેસ પાર્ટીમાંથી બરતરફ કર્યા હતા. ત્યારે તેમણે રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી તૈયાર કરી હતી. ત્યારબાદ ૧૯૮૯માં રાજીવ ગાંધીએ તેમની સાથે સમજૂતી કરી લીધી હતી.
૮) તેમની પાસે ૪૦ વર્ષની એક ડાયરી છે અને તેમના નિધન પછી ડાયરી પ્રકાશિત કરવામાં આવશે તેવું કહેવાઈ રહ્યું છે
૯) તેઓ દેશના ૧૩મા રાષ્ટ્રપતિ હતા કે જેમણે સાત દયા અરજી ફગાવી દીધી હતી, જેમાં અફઝલ ગુરુ અને અજમલ કસાબની પણ દયા અરજી સામેલ હતી
૧૦) ૨૦૧૫માં શિક્ષક દિનના અવસરે પ્રણવ દાએ શાળાનાં બાળકોને રાજકારણના પાઠ ભણાવ્યાં હતાં.

રાજકીય કારકિર્દી: ઉડતી નજરે

• જુલાઈ ૧૯૬૯માં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા
• ફેબ્રુઆરી ૧૯૭૩થી જાન્યુઆરી ૧૯૭૪ સુધી કેન્દ્રીય ઔદ્યોગિક વિકાસ પ્રધાન
• ઓક્ટોબર ૧૯૭૪ સુધી રાજ્યકક્ષાના શિપિંગ ટ્રાન્સપોર્ટ પ્રધાન
• ઓક્ટોબર ૧૯૭૪થી ડિસેમ્બર ૧૯૭૫ દરમિયાન રાજ્યકક્ષાના નાણા પ્રધાન
• જુલાઈ ૧૯૭૫માં બીજી વાર રાજ્યસભામાં ચૂંટાયા
• ડિસેમ્બર ૧૯૭૫થી માર્ચ ૧૯૭૭ રાજ્યકક્ષાના મહેસૂલ પ્રધાન
• ૧૯૭૮થી ૧૯૮૦ સુધી રાજ્યસભામાં કોંગ્રેસના નાયબ નેતા
• ૨૭ જાન્યુઆરી ૧૯૭૮થી ૧૮ જાન્યુઆરી ૧૯૮૬ સુધી અને ફરી ૧૦ ઓગસ્ટ ૧૯૯૭થી ૨૫ જૂન ૨૦૧૨ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય
• ૧૯૭૮થી ૧૯૭૯ સુધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઇસીસી)ના ખજાનચી
• ૧૯૭૮થી ૧૯૮૬ દરમિયાન એઆઇસીસીના સેન્ટ્રલ પાર્લમેન્ટરી બોર્ડના સભ્ય
• જાન્યુઆરી ૧૯૮૦થી જાન્યુઆરી ૧૯૮૨ કેન્દ્રીય સ્ટીલ એન્ડ માઇન્સ પ્રધાન
• ૧૯૮૦થી ૧૯૮૫ રાજ્યસભામાં ગૃહના નેતા, રાજ્યસભામાં પ્રિવેલેજ કમિટીના સભ્ય
• ઓગસ્ટ ૧૯૮૧માં તેઓ ત્રીજી વાર રાજ્યસભામાં સાંસદ તરીકે ચૂંટાયા
• જાન્યુઆરી ૧૯૮૨થી ડિસેમ્બર ૧૯૮૪ કોમર્સ એન્ડ સપ્લાય મિનિસ્ટ્રીનો વધારાનો કાર્યભાર સંભાળ્યો
• ૧૯૮૪, ૧૯૯૧, ૧૯૯૬, ૧૯૯૮ અને ૧૯૯૯માં કોંગ્રેસની ચૂંટણી સમિતિના ચેરમેન બન્યા
• ૧૯૮૫ અને ઓગસ્ટ ૨૦૦૦થી જૂન ૨૦૧૦ સુધી પશ્ચિમ બંગાળ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ
• ૧૯૮૭થી ૧૯૮૯ સુધી એઆઇસીસી ઇકોનોમિક એડવાઇઝરી સેલના ચેરમેન
• જૂન ૧૯૯૧થી મે ૧૯૯૬ સુધી પ્લાનિંગ કમિશનના ડેપ્યુટી ચેરમેન બન્યા
• ૧૯૯૩થી ફેબ્રુઆરી ૧૯૯૫ સુધી કેન્દ્ર સરકારમાં વાણિજ્ય પ્રધાન રહ્યા
• ૧૯૯૩થી ૧૯૯૫ સુધી કેન્દ્રીય કોમર્સ મંત્રી રહ્યા
• ૧૯૯૩માં ચોથી વાર રાજ્યસભાના સભ્ય ચૂંટાયા
• ૧૯૯૫થી ૧૯૯૬ સુધી વિદેશ પ્રધાન
• ૧૯૯૬થી ૨૦૦૪ સુધી રાજ્યસભામાં કોંગ્રેસના ચીફ વ્હીપ
• ૧૯૯૬થી ૧૯૯૯ સુધી વિદેશી બાબતો પરની સલાહકાર કમિટીના સભ્ય
• ૧૯૯૭માં પર્યાવરણ કમિટીના ચેરમે
• ૨૩ મે ૨૦૦૨થી ૨૪ ઓક્ટોબર ૨૦૦૬ સુધી સંરક્ષણ પ્રધાન
• ૨૫ ઓક્ટોબર ૨૦૦૬થી ૨૩ મે ૨૦૦૯ સુધી વિદેશ પ્રધાન
• ૨૦૦૯થી ૨૦૧૨ સુધી મનમોહન સરકારમાં નાણા પ્રધાન
• ૨૫ જૂન ૨૦૧૨ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. અને ભારતના ૧૩મા રાષ્ટ્રપતિ બન્યા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter