અશાંતિ યૂક્રેનમાં આશાભરી મીટ ભારત ભણી

Wednesday 02nd March 2022 04:34 EST
 
 

નવી દિલ્હીઃ લોહિયાળ જંગ ખેલી રહેલા યૂક્રેન અને રશિયા યુદ્ધના પાંચમા દિવસે સોમવારે પહેલી વખત મંત્રણાના ટેબલ પર આમનેસામને તો બેઠા, પરંતુ સાડા ત્રણ કલાકની બેઠક અનિર્ણિત રહી. ચર્ચામાં શાંતિ-સુલેહનો કોઇ માર્ગ મળ્યો નથી. બન્ને પક્ષના નેતાઓએ ભલે વધુ મંત્રણા માટે સંમતિ દર્શાવી હોય, પણ યુદ્ધગ્રસ્તોએ ભારત ભણી આશાભરી નજર માંડી છે. આનું કારણ પણ છે. રશિયાએ યૂક્રેન પર હુમલો કર્યો તે પછી બન્ને દેશના નેતાઓ - રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે વાત કરી હોય તેવા દુનિયાના ગણ્યાગાંઠ્યા નેતાઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે.

રશિયાએ કરેલા હુમલાના પહેલા જ દિવસે 24 ફેબ્રુઆરીએ વડા પ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. આ મામલે હસ્તક્ષેપ કરવા ભારતસ્થિત યૂક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ ખુદ વડા પ્રધાન મોદીને અનુરોધ કર્યો હતો. હુમલાના બે દિવસ બાદ 26 ફેબ્રુઆરીએ મોદીએ યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પણ ફોન પર વાત કરી હતી.
રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્વ છેડાયા બાદ ભારત કુટનીતિ અને મંત્રણાના માધ્યમથી વિવાદનો ઉકેલ લાવવા પર ભાર મૂકી રહ્યું છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં રજૂઆત વેળા વડા પ્રધાન મોદી પાસે રાજકીય મદદ માગી છે. તેમણે યૂક્રેનની હાલત વિશે ભારતને માહિતગાર કરતા કહ્યું હતું કે ‘એક લાખ સૈનિકોએ અમારા ઘર પર હુમલો કર્યો છે. અમારી મદદ કરો.’
વડા પ્રધાન મોદીએ પણ યૂક્રેનમાં જાનમાલના ભારે નુકસાન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. ભારતે ભારપૂર્વક કહ્યું હતું કે યુદ્વ બંધ થવું જોઇએ અને વાતચીત દ્વારા શાંતિ સ્થપાવી જોઇએ. ઉલ્લેખનીય છે કે યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથેની વાતચીત સમયે જ વડા પ્રધાન મોદીએ બન્ને પક્ષકારો વચ્ચે શાંતિ પ્રયાસોને વેગ આપવા માટે કોઇ પણ પ્રકારે યોગદાન આપવા ભારતની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.
ભારત અને રશિયા વચ્ચે દાયકાઓથી સારા સંબંધો છે. આંતરરાષ્ટ્રીય સમુદાયને લાગે છે કે રશિયા અને યૂક્રેન વચ્ચે સમાધાનમાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે. યૂક્રેનને આશા છે ભારત કંઇક વચલો રસ્તો કાઢીને યુદ્વ રોકી શકે છે. ભારતે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં રશિયા વિરુદ્ધના નિંદા પ્રસ્તાવના મતદાનમાં ભલે ભાગ લીધો ન હોય, પરંતુ યૂક્રેનની મોટી આશા ભારત પર છે. ભારત મિત્ર રશિયા વિરુદ્વ થઇ શકે તેમ નથી અને અમેરિકા તથા યુરોપ સાથે સારા સંબંધો હોવા છતાં તેમની તરફેણ કરવાથી દૂર રહ્યું છે.
ઝેલેન્સ્કી અને મોદી વચ્ચેની વાતચીત યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં રશિયા સામે રજૂ કરાયેલા નિંદા પ્રસ્તાવ પર મતદાન બાદ થઇ હતી. એટલું જ નહીં, સોમવારે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી યોજવાના મામલે રવિવારે થયેલા મતદાન વખતે પણ ભારતે અંતર જાળવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter