આઈટી જાયન્ટ ટીસીએસના કપાળે ધર્માંતરણ અને લવ જેહાદનું કલંક

Wednesday 15th April 2026 06:45 EDT
 
 

નાશિકઃ આઇટી સેક્ટરની દિગ્ગજ કંપની ટીસીએસ કંપનીના નાશિક યુનિટમાં પજવણીની પોલીસ ફરિયાદ સાથે શરૂ થયેલો મામલો ધર્માંતરણ અને લવ જેહાદના શ્રેણીબદ્ધ કિસ્સા સુધી પહોંચતાં દેશભરમાં હલચલ મચી ગઇ છે. આ સનસનીખેજ હારમાળા કંપનીના બીપીઓ (બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સ) યુનિટ સાથે સંકળાયેલી છે.
સમગ્ર મામલે વિરોધ એટલી હદે ઉગ્ર બન્યો છે કે કંપની સામે વિરોધ પ્રદર્શન શરૂ થતાં મહારાષ્ટ્ર પોલીસ આ કિસ્સાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. આ મુદ્દે અત્યાર સુધીમાં કુલ નવ ફરિયાદો નોંધાઇ છે જેના આધારે પોલીસે શાહરુખ કુરેશી, શફી શેખ, તૌસિફ અત્તાર, રઝા મેમણ, આસિફ અંસારી અને દાનિશ શેખની ધરપકડ કરી છે. કોર્ટે તમામ આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
આ કેસમાં કંપનીના કર્મચારીઓના જાતીય શોષણ અને બળજબરીથી ધર્મ પરિવર્તનના આરોપો સામેલ છે. કેસમાં એક તરફ પોલીસ તપાસ શરૂ થઈ છે તો બીજી તરફ રાજકીય નેતાઓ તરફથી આકરી પ્રતિક્રિયા શરૂ થતાં મુદ્દો વકરી રહ્યો છે. કંપનીની બહાર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે તેમજ મહારાષ્ટ્રનું રાજકારણ પણ ગરમાયું છે.
2022થી ચાલતો સિલસિલો
નોંધનીય બાબત તો એ છે કે આ મામલો આજકાલનો નથી. કેટલીક ફરિયાદો તો 2022ની છે. જોકે, આ વર્ષના માર્ચમાં એક મહિલાએ એક સહકર્મચારી પર લગ્નનું ખોટું વચન આપીને તેની સાથે જાતીય સંબંધ રાખવાનો આરોપ લગાવતા સમગ્ર ઘટના બહાર આવી હતી. આ મામલે પોલીસ ફરિયાદ થતા બાદ ફરિયાદોનો સિલસિલો શરૂ થયો હતો. ઘણા કર્મચારીઓ ફરિયાદ માટે આગળ આવ્યા, ધરપકડો પણ થઈ, અને હવે મહારાષ્ટ્ર પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ કંપનીમાં ચાલતાં આ કરતૂતો વિશે તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં અત્યાર સુધીમાં નવ એફઆઇઆર નોંધવામાં આવી છે અને અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. નાશિક પોલીસ કમિશનર સંદીપ કર્ણિકની દેખરેખ હેઠળ, એસીપી ક્રાઈમ સંદીપ મિટકના નેતૃત્વમાં વિશેષ તપાસ ટીમ આ કેસની તપાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપોમાં જાતીય અત્યાચાર અને કાર્યસ્થળ પર ધાર્મિક દબાણના દાવાનો સમાવેશ થાય છે.
ટીમ લીડર દ્વારા સતત હેરાનગતિ
પોલીસે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે માર્ચ 2026માં પ્રથમ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી, અને ત્યાર બાદ વધુ ફરિયાદો નોંધાઈ હતી. પીડિતોએ પજવણી, બળજબરી અને ફરિયાદોને અવગણવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. ઘણી મહિલા કર્મચારીઓ અને એક પુરુષ સાથીદારે નાશિક શહેર પોલીસનો સંપર્ક સાધ્યો છે અને આરોપ લગાવ્યો છે કે વરિષ્ઠ કર્મચારીઓ, ખાસ કરીને ટીમ લીડર દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવી રહી છે.
ધર્મ પરિવર્તન માટે દબાણ
ફરિયાદીઓએ વારંવાર અયોગ્ય સ્પર્શ, અશ્લીલ ટિપ્પણીઓ, છેડતી અને કેટલાક કિસ્સાઓમાં લગ્નના ખોટા વચનો આપીને શારીરિક સંબંધો બનાવવાનો આરોપ લગાવ્યો છે. પીડિતોએ એવું પણ જણાવ્યું હતું કે તેમના પર ધર્મ પરિવર્તન, નમાજ પઢવા અને મુસ્લિમ ધાર્મિક સમારોહમાં ભાગ લેવા માટે દબાણ કરાયું હતું. કેટલાક લોકોએ તો એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. એક અલગ ફરિયાદમાં એક પુરુષ કર્મચારીએ દાવો કર્યો હતો કે તેને તેની ઇચ્છા વિરુદ્ધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ફરજ પાડવામાં આવી હતી. ઘણા ફરિયાદીઓએ આ મુદ્દો વરિષ્ઠ અધિકારીઓ અને HR વિભાગ સમક્ષ ઉઠાવ્યો હતો, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
એચઆર હેડની સંડોવણી
તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું કે એચઆર હેડ નિદા ખાન પોતે પણ આ ભયાનક ષડયંત્રમાં સામેલ હતી. તેને વારંવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તેણે કોઈ કાર્યવાહી કરી નહોતી. નિદા ખાનનું નિવેદન 10 એપ્રિલના રોજ નોંધવામાં આવ્યું છે.
હિન્દુ યુવતીઓ ટાર્ગેટ
અહેવાલ મુજબ કેટલાક કર્મચારીઓએ કથિત રીતે વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા, જ્યાં સંવેદનશીલ સહકાર્યકરોને લક્ષ્ય બનાવવા ચર્ચાઓ થતી હતી. તપાસકર્તાઓ હવે એવા આરોપોની તપાસ કરી રહ્યા છે, જેમાં જુનિયર કર્મચારીઓ, ખાસ કરીને હિન્દુ યુવતીઓને ઓળખીને અને તેમને પ્રલોભન અથવા વ્યક્તિગત પ્રભાવ દ્વારા સંપર્ક કરાતો હતો. પોલીસે આ કેસને કાર્યસ્થળ પર કાર્યરત એક જૂથ સાથે જોડ્યો છે અને કથિત પ્રવૃત્તિઓની ઊંડે સુધી તપાસ કરી રહી છે. અધિકારીઓએ વધુ પીડિતોને આગળ આવવા અપીલ પણ કરી છે અને ફરિયાદો માટે એક સમર્પિત વોટ્સએપ નંબર જારી કર્યો છે.
કર્મચારીઓ સસ્પેન્ડ, તપાસમાં સહકારઃ કંપની
કંપનીએ જણાવ્યું હતું કે તેણે તપાસ હેઠળના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને તપાસ અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. કંપનીએ કહ્યું છે કે આગળની કાર્યવાહી ચાલુ તપાસના પરિણામ પર આધારિત રહેશે.
આરોપો આઘાતજનકઃ મુખ્યમંત્રી
નાશિકમાં આ કેસના કારણે કંપનીની બહાર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે અને રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ આરોપોને આઘાતજનક અને ગંભીર ગણાવ્યા છે, સાથે જ પોલીસ કાર્યવાહીની પ્રશંસા કરી છે. રાજ્યપ્રધાન નીતેશ રાણેએ HR વિભાગની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા અને કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી હતી અને આરોપ લગાવ્યો કે આ ઘટનાઓ એક મોટા પેટર્ન તરફ ઈશારો કરે છે.
પોલીસે જણાવ્યું હતું કે તપાસ હજુ ચાલુ છે અને હજુ સુધી કોઈ ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી. તપાસનીશ ટીમ ભારતીય દંડ સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ જાતીય સતામણી, હુમલો અને ધાર્મિક બળજબરી સહિતની તમામ ફરિયાદો અને પુરાવાઓની તપાસ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter