આઝાદી કા અમૃત મહોત્સવનું સમાપન

Friday 18th August 2023 17:35 EDT
 
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે 77મા સ્વાતંત્ર્ય દિને દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યા બાદ ‘આઝાદી કા અમૃત મહોત્સવ' સમારોહનું સમાપન થયું હતું. જેનો પ્રારંભ વડાપ્રધાને 12 માર્ચ 2021ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી કર્યો હતો. સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના સમારોહમાં આ વખતે 1,800થી વધુ ખાસ મહેમાનોને આમંત્રિત કરાયા હતા, જેમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોજેક્ટના 660થી વધુ ગામોના 400થી વધુ સરપંચો, કિસાન ઉત્પાદક સંગઠન યોજનાના 250 અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તથા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના 50-50 લાભાર્થી, નવા સંસદભવન સહિત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના 50 શ્રમિક, 50 ખાદી કાર્યકર, સરહદી રસ્તાના નિર્માણના 50 શ્રમિક, અમૃત સરોવર અને હર ઘર જલ યોજનાના 50-50 લાભાર્થી, પ્રાથમિક વિદ્યાલયના 50 શિક્ષક તથા 50-50 નર્સ અને માછીમારોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત દરેક રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશના 75 યુગલને તેમના પરંપરાગત પોશાકમાં સમારોહ જોવા માટે આવવા આમંત્રિત કરાયા છે
દેશ પહલે, હમ હી પહેલે
આ વખતે 15મી ઓગસ્ટના કાર્યક્રમની થીમ હતી – દેશ પહેલે, હમ હી પહેલે (નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ). દેશની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે વડાપ્રધાને 2021માં અમૃત મહોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ વર્ષે આ કાર્યક્રમના સમાપન પ્રસંગે ખેડૂતો-માછીમારો-શ્રમિકો સહિત વિશેષ મહેમાનોને દેશભરમાંથી બોલાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભારતવંશી અમેરિકન સાંસદ રો ખન્ના અને માઈકલ વોલ્ટ્ઝ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર ભારતીયોને શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે 6.15 કલાકે સોશિયલ મીડિયા દ્વારા દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. PMએ લખ્યું હતુંઃ સ્વતંત્રતા દિન પર આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આવો, આ ઐતિહાસિક અવસર પર અમૃતકાળમાં વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કરીએ. જય હિન્દ!
12 સ્થળે સેલ્ફી પોઈન્ટ
સરકારની વિવિધ યોજનાઓને પ્રોત્સાહન આપવા માટે રાજધાની દિલ્હીમાં 12 સ્થળોએ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા. આ સ્થળો હતા - નેશનલ વોર મેમોરિયલ, ઈન્ડિયા ગેટ, વિજય ચોક, નવી દિલ્હી રેલવે સ્ટેશન, પ્રગતિ મેદાન, રાજઘાટ, જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન, રાજીવ ચોક મેટ્રો સ્ટેશન, દિલ્હી ગેટ મેટ્રો સ્ટેશન, આઈટીઓ મેટ્રો ગેટ, નૌબત ખાના અને શીશ ગંજ ગુરુદ્વારા.
લાલ કિલ્લા પર G20નો લોગો
સામાન્ય રીતે સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લાને ફૂલોથી સજાવાય છે પણ આ વર્ષે ઓછામાં ઓછી સજાવટ કરાઇ હતી. લાલ કિલ્લાની અંદર ગાર્ડન, પરેડ એરિયા અને જ્ઞાનપથને સજાવાયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમને લાલ કિલ્લા પર વધુ સજાવટ ન રાખવા કહેવાયું હતું. ભારત આ વર્ષે G20નું નેતૃત્વ કરી રહ્યું હોવાથી કેટલીક જગ્યાએ લોગો પણ અંકિત કરાયા હતા. લાલ કિલ્લા આસપાસ સુરક્ષા માટે એનએસજી કમાન્ડો સહિત સહિત 10 હજારથી વધુ જવાનો તહેનાત કરાયા છે અને 16 એઆઇથી સજ્જ કેમેરા લગાવાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter