આધુનિક ભારતનું સપનું સાકાર કરનારું બજેટઃ વડા પ્રધાન

Wednesday 07th February 2018 05:35 EST
 
 

નવીદિલ્હીઃ નાણાંપ્રધાન અરુણ જેટલીએ સંસદમાં વર્ષ ૨૦૧૮-૧૯નું સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યા પછી વડા પ્રધાન મોદીએ બજેટની ભારોભાર પ્રશંસા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ બજેટ આધુનિક ભારતનું સપનું સાકાર કરનારું છે જેમાં ખેડૂતો, ગ્રામીણો, ગરીબો, મહિલાઓ, યુવાનો અને સિનિયર સિટીઝનને અનેક પ્રકારના લાભ આપવામાં આવ્યા છે. બજેટમાં ખેડૂતોથી લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચચર સુધી બધાનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. ગરીબોને હેલ્થ વીમાના જ્યારે ઉદ્યમીઓને વેલ્થના લાભ આપવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે ગ્રામીણવિકાસ, હેલ્થ અને આરોગ્ય સુખાકારી માટે આખા વિશ્વમાં સૌથી મોટામાં મોટી આરોગ્ય વીમા યોજના દાખલ કરાઈ છે. જેમાં દેશની ૪૦ ટકા વસતીને આવરી લેવામાં આવી છે. શિક્ષણના વિકાસ માટે અનેક પગલાં લેવાયેલાં છે અને સામાજિક વિકાસ તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ પર વધુ ભાર મુકાયો છે.
વડા પ્રધાને કહ્યું હતું કે રેલવે માટે બજેટમાં રૂ. ૧,૪૮,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં પાટા બદલવા માટે વધુમાં વધુ ખર્ચ કરાશે. દેશનાં આખાં રેલવે નેટવર્કને બ્રોડગ્રેજમાં ફેરવવામાં આવનાર છે.
ગરીબોને હેલ્થ અને ઉદ્યમીને વેલ્થના લાભ મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. આમ કહીને વડા પ્રધાને ઉમેર્યું હતું કે ગરીબોની સંપત્તિ વધે તેવાં પગલાં લેવાયા છે. ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન અપાશે. રોજગાર વધે તેનું ધ્યાન રખાયું છે તો ગામડાઓ સ્વચ્છ રાખવા પગલાં લેવાયાં છે. ખેડૂતો અને પશુપાલકોની આવક વધે તેનું ધ્યાન રખાયું છે.

કોને શું મળ્યું?ઃ ગુજરાતનો બોધપાઠ યાદ રહ્યાાે, તેથી ગામડાં ન ભૂલ્યા

કૃષિજગત, ખેડૂતોઃ ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવા માટેના લક્ષ્યમાં વધારો. સાથે સાથે જ સરકારે ૨૨ હજાર હાટોને કૃષિ બજારમાં બદલવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોની આવક બમણી કરાશે. ટેકાના લઘુતમ ભાવ દોઢ ગણા અપાશે. છે. બટાટાં, ટામેટાં અને ડુંગળી માટે રૂ. ૫૦૦ કરોડની ફાળવણી કરાઈ છે. કૃષિલોન અપાશે. ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં પણ ભાજપની સ્થિતિ ગુજરાત જેવી. તેથી અહીંના ગ્રામીણ પર નજર છે.
મહિલાઃ નોકરિયાત મહિલાઓના પગારમાંથી પીએફની કપાત ફક્ત ૮ ટકા કરાશે. પીએફમાં સરકારનો હિસ્સો ૮.૩૩ ટકાથી વધારીને ૧૨ ટકા કરાયો. ૮ કરોડ ગરીબ મહિલાઓને મફત ગેસકનેક્શન અપાશે. મહિલાઓને જૈવિક ખેતી માટે પ્રોત્સાહિત કરવાની પણ વાત છે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૯માં ભાજપની મહિલા મતબેન્ક માત્ર ૧૮ ટકા હતી, ૨૦૧૪માં તે ૨૯ ટકા હતી. તેને જાળવી રાખવાનો આ પ્રયાસ છે.
આરોગ્યઃ વિશ્વમાં સૌથી મોટી હેલ્થ સ્કીમ. આ યોજના હેઠળ ૧૦ કરોડ ગરીબ પરિવારનાં ૫૦ કરોડ લોકોને હેલ્થ પ્રોટેક્શન સ્કીમ હેઠળ દર વર્ષે રૂ. ૫ લાખ સુધીની આરોગ્ય સહાય અપાશે. પાંચ લાખ આરોગ્ય કેન્દ્રો મફત અને સસ્તા દરે દવાઓ આપશે.
ગરીબ વર્ગઃ સૌભાગ્ય યોજના હેઠળ દરેક ગરીબનાં ઘરમાં વીજળીનાં જોડાણો અપાશે. ૨૦૨૨ સુધીમાં દરેક ગરીબોને ઘર અપાશે. ગ્રામીણ વિસ્તારોમાં વધુ ૫૧ લાખ ઘર બનાવાશે. શહેરોમાં વધુ ૩૭ લાખ ઘર બનાવાશે.
કોર્પોરેટ જગતઃ રૂ. ૨૫૦ કરોડ સુધીનો ટર્નઓવર ધરાવતી કંપનીઓને ટેક્સમાં પાંચ ટકા રાહત. હવે ૨૫ ટકા જ કોર્પોરેટ ટેક્સ. રૂ. ૧૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી ફાર્મર પ્રોડયૂસર કંપનીઓએ કોર્પોરેટ ટેક્સમાંથી મુક્તિ.
યુવાઃ નવા રાજગોર પેદા કરવા માટે ખર્ચ ૨૦ ટકા વધાર્યો. ૭૦ લાખ નવી નોકરીઓની જાહેરાત પણ કરી. ઇપીએફઓમાં પણ યોગદાન વધાર્યું છે. ગુજરાતમાં તેમની નારાજગી વેઠી. બાવન ટકામાંથી ૩૮ ટકા કોંગ્રેસ સાથે જતા રહ્યા તેથી મોટાં પગલાં.

જ્યાં ભાજપનું રાજ છે, ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં...

મધ્ય પ્રદેશમાં નારાજ ખેડૂતોને મનાવવાના પ્રયાસઃ ૧૫ વર્ષથી ભાજપ સત્તા પર છે. એન્ટિ-ઇન્કમ્બસીનું મોજું છે. ખેડૂતો નારાજ છે. તેવામાં તમામ પાકના લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત. તે પણ પડતર કરતાં દોઢ ગણા વધારે. અહીંના ખેડૂતો સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. વળી, પાકની ઓછી કિંમત, વચનો પૂરા નહીં થવાથી પણ ખેડૂતોમાં ગુસ્સો છે. જ્યારે બજેટના માધ્યમથી અહીં આદિવાસીઓને સાધવાના પ્રયાસ પણ છે.
રાજસ્થાનમાં વેપાર-રોજગારનું વચનઃ અહીં દર વર્ષે સરકાર બદલવાનો ટ્રેન્ડ છે. સાતમા પગાર પંચના કારણે નિરાશા. જાટ અને ગુર્જર અનામતની માગને કારણે અસંતોષ છે. તેવામાં અહીં જનાધાર જાળવી રાખવા માટે ભાજપે ખેડૂતો ઉપરાંત વેપારી વર્ગ અને બેરોજગાર યુવાનો પર નજર રાખી છે. ટેક્સટાઇલ સેક્ટરને અપાયેલી અહીં લાભકારક સાબિત થશે કેમ કે રાજ્યમાં ભીલવાડા સહિત કેટલાક અન્ય ક્ષેત્ર ટેક્સટાઇલ સેન્ટર છે.
છત્તીસગઢમાં ૩૨.૫ ટકા આદિવાસીઓ પર ફોકસઃ ત્રણ ટર્મથી ભાજપની સરકાર છે. પાછલી વખતે મુશ્કેલીથી જીત્યા હતા. આ સમયે વસતીમાં ૩૨ ટકા ભાગીદારી ધરાવતા આદિવાસીઓ પર પક્ષનું ફોક્સ છે. એકલવ્ય સ્કૂલ તે ફોકસનું જ પરિણામ છે. ખેડૂતોને અપાયેલી રાહતથી અહીં પણ ફાયદો શોધવાનો પ્રયાસ રહેશે કારણ કે રાજ્યમાં ૨૦૧૫-૧૬માં લગભગ ૨૫૨ ખેડૂતોએ બેન્કલોન, ગરીબી અને બીમારીથી તંગ આવીને આત્મહત્યા
કરી છે.
કર્ણાટકમાં લોકોને મેટ્રોથી આકર્ષવા કવાયતઃ અહીં કોંગ્રેસની સરકાર છે. ભાજપ પાસે ભ્રષ્ટાચારમાં ઘેરાયેલા યેદિયુરપ્પા સિવાય વિકલ્પ નથી. ગુજરાત ચૂંટણીનાં પરિણામોને જોતાં ભાજપ માટે પડકાર વધુ મજબૂત જણાઈ રહ્યો છે. તેવામાં બેંગ્લૂરુ મેટ્રો પ્રોજેક્ટ માટે ૧૭ હજાર કરોડની જાહેરાત કરાઈ છે. તેનાથી કેન્દ્રે રાજ્યમાં રેલવેને વધુ આધુનિક કરવાની સાથે યુવાઓમાં રોજગાર વધવાની આશા જગાડી છે. અહીં ૪.૫ કરોડ મતદાતા છે.
અન્ય રાજ્યો પણ... ઉત્તર-પૂર્વના ચાર રાજ્યોમાં પણ આ વર્ષે ચૂંટણી થવાની છે. તેવામાં એકલવ્ય સ્કૂલ તેમજ વાંસની ઉપજ માટે ૧૨૯૦ કરોડ રૂપિયાની જોગવાઈથી ભાજપ અહીં ફાયદો શોધશે. મેઘાલયમાં ૮૬.૨ ટકા, નાગાલેન્ડમાં ૮૦.૪ ટકા, ત્રિપુરામાં ૩૧.૧ ટકા, મિઝોરમમાં ૯૪.૪ ટકા આદિવાસી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter