એમ્સ્ટરડમઃ પાંચ દેશના વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં નેધરલેન્ડ્સ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ધ હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા પશ્ચિમ એશિયામાં તણાવને કારણે પેદા થયેલા ઊર્જા સંકટ તરફ ઇશારો કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે આજે માનવતા સામે અનેક પડકારો છે. પહેલા કોરોના, પછી યુદ્ધ અને હવે દુનિયા ઊર્જા સંકટ સામે ઝઝુમી રહી છે. આ આફતોનો દાયકો બન્યો છે. સ્થિતિ નહીં સુધરે તો અનેક દાયકાઓના કામ પર પાણી ફરી વળશે. ખૂબ જ મોટી વસ્તી ગરીબીના કાદવમાં ફસાઇ જશે. આવા સમયમાં ભારત અને નેધરલેન્ડ્સ ભવિષ્યની સપ્લાય ચેઇન બનાવવાની દિશામાં પ્રયાસ કરી રહ્યાં છે.
તેમણે કહ્યું કે ભારત અવસરોની ધરતી છે. ભારતની આકાંક્ષાઓ હવે માત્ર સીમાઓ સુધી મર્યાદિત નથી. ભારત ઓલિમ્પિકની યજમાની ઇચ્છે છે. ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે સજ્જ છે. ગ્રીન એનર્જીમાં લીડર તેમજ દુનિયાનું ગ્રોથ એન્જિન બનવા આતુર છે. ભારતને માત્ર બદલાવ નહીં, સર્વોત્તમ જોઇએ.
દુનિયામાં ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ નેટવર્ક ભારતનું છે. 2014માં માત્ર 4 યૂનિકોર્ન હતા, હવે અંદાજે 125 એક્ટિવ યૂનિકોર્ન છે. અમારા સ્ટાર્ટઅપ એઆઇ, ડિફેન્સ, સ્પેસ સેક્ટરમાં નોંધનીય કામ કરી રહ્યા છે. આકાંક્ષાઓથી ચાલી રહેલી ભારતની યાત્રા લોકતંત્રને મજબૂત કરી રહી છે. 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં 80-90 ટકા મતદાન થયું છે. દર વર્ષે મતદાનનો રેકોર્ડ તૂટી રહ્યો છે. તેમણે રમૂજ સાથે પૂછયું કે શું લોકપ્રિય નાસ્તો ઝાલમુરી ધ હેગ સુધી પહોંચી ગયો છે? ભારતની વિવિધ સંસ્કૃતિ આજે પણ લોકોના દિલોમાં ધડકે છે.
કમળ-ટ્યૂલિપના દ્રષ્ટાંતથી
સંબંધોનું મહત્ત્વ સમજાવ્યું
મોદીને સાંભળવા માટે મોટી સંખ્યામાં ભારતીય સમુદાય પહોંચ્યો હતો. તેમણે કહ્યું કે નેધરલેન્ડ્સ ટ્યૂલિપ માટે પ્રચલિત છે અને ભારત કમળ માટે. ટ્યૂલિપ અને કમળ યાદ અપાવે છે કે મૂળ ભલે પાણીમાં હોય કે ધરતીમાં, યોગ્ય પોષણ મળવા પર સુંદરતા અને શક્તિ બંને મળે છે. આ જ ભારત-નેધરલેન્ડ્સની ભાગીદારીનો પાયો છે. બંને દેશ આંતરરાષ્ટ્રીય મંચ પર તાલમેલ કરી શકે છે.
નેધરલેન્ડ યુરોપમાં ભારતનો મોટો ભાગીદાર
વર્ષ 2024-25માં બંને દેશો વચ્ચેનો વેપાર 27.8 બિલિયન ડોલર હતો. નેધરલેન્ડ ભારતમાં ચોથો સૌથી મોટો રોકાણકાર દેશ છે. બંને નેતાઓએ વિજ્ઞાન, આરોગ્ય, કૃષિ, જળ પ્રબંધન, જળવાયુ પરિવર્તન, નવીન ઊર્જા અને દરિયાઈ વિકાસ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમતિ દર્શાવી હતી. વડાપ્રધાન મોદી અને નેધરલેન્ડના વડાપ્રધાન રોબ જેટન વચ્ચેની દ્વિપક્ષીય બેઠક પછી બંને દેશોએ તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં ફેરવવાનો નિર્ણય કર્યો હતો.
બંને દેશો વચ્ચે ડિફેન્સ, ક્રિટિકલ મિનરલ્સ અને બીજા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં 17 કરારો પર પણ હસ્તાક્ષર થયાં છે. જેમાંથી માઈગ્રેશન એન્ડ મોબિલિટી અંગે મુખ્ય કરાર થયો છે, જેનાથી ભારતીય માટે યુરોપના આ દેશમાં નોકરી અને શિક્ષણ સરળ બનશે. બંને નેતાઓએ ગ્રીન હાઈડ્રોજનના વિકાસ માટેના મહત્ત્વકાંક્ષી ભારત-નેધરલેન્ડ રોડમેપ પણ લોન્ચ કર્યો હતો.


