નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણી પંચે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના સમયપત્રકની રવિવાર જાહેરાત કરી તે સાથે જ પ્રચારજંગનું બ્યૂગલ ફૂંકાઇ ગયું છે. આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે, જ્યારે 23 એપ્રિલે તમિલનાડુમાં ચૂંટણી યોજાશે. તો પશ્ચિમ બંગાળમાં 23 એપ્રિલ અને 29 એપ્રિલે એમ બે તબક્કામાં મતદાન થશે. ચૂંટણીનું રિઝલ્ટ ચોથી મેના રોજ જાહેર થશે. 2021માં આ રાજ્યોમાં એક મહિના સુધી ચૂંટણીની પ્રક્રિયા ચાલુ રહી હતી. જોકે આ વર્ષે સમગ્ર ચૂંટણીપ્રક્રિયા 20 દિવસમાં પૂરી થશે.
રવિવારે પાટનગરમાં પત્રકાર પરિષદમાં આ માહિતી આપતાં મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી) જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે પાંચ વિધાનસભાની ચૂંટણીમાં કુલ 17.4 કરોડ મતદાતા મતદાન માટે પાત્રતા ધરાવે છે. આ પાંચેય વિધાનસભાની કુલ બેઠકો 824 છે. આસામની તમામ બેઠકો પર 9 એપ્રિલે મતદાન થશે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં ચૂંટણી થશે. કેરળ અને પુડુચેરીની તમામ બેઠકો માટે મતદાન 9 એપ્રિલે થશે, જ્યારે તમિલનાડુની તમામ બેઠકો માટે મતદાન 23 એપ્રિલે થશે.
ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતા તાત્કાલિક અમલમાં આવી ગઈ છે. તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં હાલમાં અનુક્રમે વિપક્ષી ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ અને ડાબેરી મોરચાનું શાસન છે.
તમિલનાડુમાં 234 વિધાનસભા બેઠકો છે. રાજ્યમાં ડીએમકે નેતા એમ.કે. સ્ટાલિન 2021થી મુખ્યમંત્રી છે. પશ્ચિમ બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે અને 2011થી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) નેતા મમતા બેનર્જી સત્તામાં છે.
કેરળમાં વિધાનસભાની 140 બેઠકો છે અને ડાબેરી નેતા પિનારયી વિજયન 2016થી મુખ્યપ્રધાન તરીકે કાર્યભાર સંભાળે છે. રાજ્યમાં લેફ્ટ ડેમોક્રેડિટ ફ્રન્ટ (એલડીએફ)ની સરકાર છે. આસામમાં 126 વિધાનસભા બેઠકો છે અને આ ઉત્તરપૂર્વીય રાજ્યમાં 2016થી ભાજપનું શાસન છે. રાજ્યમાં 2021થી હિમંત બિસ્વા સરમા મુખ્યપ્રધાન છે. પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસ્વામી 2021થી સત્તામાં છે. યુટીમાં કુલ 30 બેઠકો પર મતદાન થશે. સીઈસી જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે ચૂંટણી હિંસા કે પ્રલોભનથી મુક્ત હોવી જોઈએ અને ચેતવણી આપી હતી કે ચૂંટણી પંચ કોઈપણ નિયમ ઉલ્લંઘન સામે કડક પગલાં લેશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાતના થોડી મિનિટ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કરેલી જાહેરાત અંગેના સવાલના જવાબમાં જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે જે કંઈ થયું છે તે થયું છે, પરંતુ આદર્શ આચારસંહિતા તાત્કાલિક અમલમાં આવે છે અને હવેથી આવી કોઈ જાહેરાત કરી શકાશે નહીં.
કુલ 824 બેઠકો અને 17.4 કરોડ મતદાતા
પાંચ વિધાનસભા ચૂંટણીમાં કુલ 17.4 કરોડ લોકો મતદાન માટે પાત્રતા ધરાવે છે. આ પાંચેય વિધાનસભાની કુલ બેઠકો 824 છે. પશ્ચિમ બંગાળમાં 6.4 કરોડ, તમિલનાડુમાં 5.67 કરોડ, કેરળમાં 2.7 કરોડ, આસામમાં 2.5 કરોડ અને પુડુચેરીમાં 9.44 લાખ મતદારો છે.
ચારેય રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં 2,18,807 મતદાન મથકો હશે. તેમાં આસામમાં 31,486 કેરળમાં 30,471, તમિલનાડુમાં 75,03, પશ્ચિમ બંગાળમાં 80,719 અને પુડુચેરીમાં 1,099 મતદાન મથકો હશે. કુલ 25 લાખ ચૂંટણી અધિકારીઓ તૈનાત કરાશે.
અજિત પવારની બેઠક પર 23 એપ્રિલે મતદાન
કેન્દ્રીય ચૂંટણી પંચે વિવિધ રાજ્યોમાં ખાલી પડેલી વિધાનસભા આઠ બેઠકો માટે પેટાચૂંટણીની પણ જાહેરાત કરી દીધી છે. ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ અને ત્રિપુરાની પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે 9 એપ્રિલે મતદાન થશે; જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની અન્ય ત્રણ વિધાનસભા બેઠકો પર 23 એપ્રિલે પેટાચૂંટણી યોજાશે. આ તમામ બેઠકોનું પરિણામ 4 મેના રોજ જાહેર કરાશે. જે બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે તેમાં મહારાષ્ટ્રની બારામતી બેઠકનો પણ સમાવેશ થાય છે. અહીંથી નાયબ મુખ્યમંત્રી અજિત પવાર ધારાસભ્ય હતા, તેમનું તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. આ સમગ્ર પેટાચૂંટણીમાં સૌથી વધુ ધ્યાન બારામતી બેઠક પર જ છે.
ચાર રાજ્યોમાં SIR પૂર્ણઃ તામિલનાડુમાં સૌથી વધુ નામ કપાયા
જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તે પૈકી ચાર રાજ્યોમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી પૂરી કરાઈ છે. તામિલનાડુમાં સૌથી વધુ મતદારો કપાયા છે. પંચ દ્વારા ત્યાં 27 ઓક્ટોબર 2025ના રોજ SIRની કામગીરી હાથ ધરાઈ હતી. તે વખતે 6.41 કરોડ કરતા વધુ મતદારો હતા.
ચાર મહિના SIRની કામગીરી પછી ત્યાં 74 લાખથી વધુ મતદારોનાં નામ કાપવામાં આવ્યા છે. રાજ્યમાં હવે કુલ 5.67 કરોડ મતદારો છે. પશ્ચિમ બંગાળમાં 58 લાખ મતદારોનાં નામ કપાયા છે જ્યારે કેરળમાં 8 લાખ, આસામમાં 2 લાખ અને પુડુચેરીમાં 77,000 લોકોનાં નામ મતદાર યાદીમાંથી હટાવાયા છે.


