ઇંડિયન એરફોર્સમાં રાફેલયુગનો આરંભ

Wednesday 05th August 2020 05:25 EDT
 
આધુનિક ભારતની હાઈટેક હવાઈ સુરક્ષાના છડીદારસમાન ફ્રેન્ચ બનાવટના પાંચ રાફેલ યુદ્ધવિમાનોની શાહી સવારી ૨૯ જુલાઇએ ભારત પહોંચી છે. ફ્રાન્સથી યુએઈ થઈને આ યુદ્ધવિમાનો હજારો ફિટની ઊંચાઈએ ગગનભેદી ગર્જના કરતાં ભારતીય હવાઈસમીમાં પ્રવેશ્યા ત્યારે ભારતીય વાયુસેનાના બે સુખોઈએ આવકાર્યા હતા અને તેમને એસ્કોર્ટ કરીને હરિયાણાના અંબાલા એરબેઝ દોરી ગયા હતા. અહીં યુદ્ધવિમાનોને પરંપરાગત વોટર સેલ્યુટ અપાઇ હતી. ચીફ ઓફ એર સ્ટાફ એર માર્શલ આર.કે.એસ. ભદૌરિયાના નેતૃત્વમાં એરફોર્સના ઉચ્ચ અધિકારીઓએ તેમને આવકાર્યા હતા.
 

અંબાલા (હરિયાણા)ઃ ફ્રેન્ચ ભાષામાં રાફેલ શબ્દનો અર્થ થાય છે, આગનો ગોળો. ખરેખર દુશ્મન ઉપર આગનો ગોળો બનીને ત્રાટકવાની ક્ષમતા ધરાવતા રાફેલની પહેલી બેચ ઇંડિયન એરફોર્સમાં સામેલ થતાં જ ભારતની સુરક્ષામાં પ્રચંડ વધારો થયો છે. પાંચ રાફેલ જેટ સાથે ૨૯ જુલાઇએ હરિયાણાના અંબાલા એરફોર્સ બેઝ સ્ટેશન પર આવી પહોંચેલા ઇંડિયન એરફોર્સના જાંબાઝ પાયલટને એરફોર્સ ચીફ આર. ભદોરિયાએ આવકાર્યા હતા. ભારતે કુલ ૩૬ રાફેલ જેટ ખરીદવા કરાર કર્યો છે, જેમાંથી પહેલી બેચમાં એક ટ્રેનર જેટ અને ચાર ફાઇટર જેટ ભારત સોંપાયા છે. રાફેલની આ પહેલી સ્કવોડ્રનને અંબાલામાં તહેનાત કરાશે.
ભારત પાસે હાલમાં થર્ડ અને ફોર્થ જનરેશનના જ ફાઇટર જેટ છે અને તેની સંખ્યા પણ ઓછી છે. આ સમયે રાફેલના આગમનથી ભારતની શક્તિમાં વધારો થયો છે. ફ્રાંસની દાસો કંપની દ્વારા બનાવાયેલું રાફેલના આગમનથી ભારતીય સંરક્ષણ દળોની એક સાથે બે મોરચે લડવાની પણ શક્તિ વધશે. અણુશસ્ત્ર વહન કરવા સજ્જ રાફેલ ફાઇટર જેટ હેમર અને મીટિયોર જેવા ઘાતક મિસાઇલોથી સજ્જ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રાફેલના આગમનને ટ્વીટ કરીને વધાવ્યું હતું.
રાફેલ જેટ ભારતીય હવાઇ સીમામાં પ્રવેશ્યા કે તરત જ યુદ્ધજહાજ આઇએએનએસ કોલકતાએ તેને આવકારતા કહ્યું હતુંઃ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં તમારું સ્વાગત છે... તમે આસમાનની ઊંચાઇઓને આંબો, તમારું લેન્ડિંગ સફળ રહે...

હવે એ લોકો ચિંતા કરે: રાજનાથ સિંહની ચેતવણી

અંબાલાના એરબેઝ પર પાંચ રાફેલ વિમાન લેન્ડ થયાં બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ભારતમાં રાફેલનું આગમન એરફોર્સની યુદ્ધક્ષમતાઓને સમયસર વેગ આપશે અને આપણા દેશ સામે ઊભી થનારી કોઇ પણ પ્રકારના પડકારને પહોંચી વળવા વાયુસેનાને વધુ મજબૂત બનાવશે. રાજનાથ સિંહે ૩૬ ફાઇટર જેટ ખરીદવાના નિર્ણય માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. રાજનાથ સિંહે ચીની સેનાને પણ આડકતરો પરંતુ આકરો સંદેશો પાઠવી દીધો હતો. ચીનનું નામ લીધા વિના તેમણે જણાવ્યું હતું કે, ભારતની પ્રાદેશિક સ્વાયત્તતા સામે ધમકીરૂપ બની રહેલા લોકોએ ભારતીય એરફોર્સની નવી ક્ષમતાની ચિંતા કરવી જોઇએ.

રાફેલથી સજ્જ ભારત ચોથો દેશ

રાફેલ ફઇટર જેટથી સજ્જ થનારો ભારત ફ્ક્ત ચોથો દેશ છે. ફ્રાંસ ઉપરાંત ઇજિપ્ત અને કતાર પાસે રાફેલ છે. હવે રાફેલ ફઇટર જેટથી ભારતનું હવાઇદળ પણ સજ્જ થઇ ગયું છે. વડા પ્રધાન મોદી રાફેલની ઘણી તારીફ કરી ચૂક્યા છે.

રાફેલ ગોલ્ડન એરો સ્કવોડ્રનમાં

ભારત આવી પહોંચેલા રાફેલ ફાઇટર જેટને એકાદ પખવાડિયામાં એરફોર્સની ગોલ્ડન એરો ૧૭ સ્કવોડ્રનમાં સામેલ કરાશે. આ સ્કવોડ્રન ઘણી જૂની અને જાણીતી છે, જેણે કારગિલ યુદ્ધમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. રાફેલની સારસંભાળ માટે વાયુસેનાએ સઘન તૈયારી કરી છે. વાયુસેના લગભગ ૪૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રાફેલ માટે શેલ્ટર, હેંગર અને મેન્ટેનન્સ ફેસિલિટી બનાવી છે. રાફેલ જેટની પહેલી સ્કવોડ્રન અંબાલા એરબેઝ પર તહેનાત કરાશે તો બીજી સ્કવોડ્રન પશ્ચિમ બંગાળના હસિમારામાં તહેનાત કરાશે. ૩૬ વિમાનની સંપૂર્ણ સ્કવોડ્રન ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં કાર્યરત થઇ જશે.

અંબાલા એરબેઝ પણ ઐતિહાસિક

રાફેલને ભારતમાં સૌપ્રથમ જ્યાં તહેનાત કરાયા છે તે અંબાલા એરબેઝ દેશનું સૌથી જૂનું અને વિશ્વસનીય એરબેઝ છે. વર્ષ ૧૯૧૯માં અહીં રોયલ એરફોર્સના ૯૯ સ્કવોડ્રનની તહેનાતી કરાઇ હતી. ૧૯૨૨માં અંબાલા રોયલ એરફોર્સ ઇન્ડિયા કમાન્ડનું હેડ ક્વાર્ટર બન્યું હતું. ૧૯૪૮માં અહીં ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર સ્કૂલની સ્થાપના થઇ, જે ૧૯૫૪ સુધી ચાલી હતી. અંબાલા બેઝ પર ૧૯૬૫ અને ૧૯૭૧માં પાકિસ્તાને હુમલો કર્યો હતો.

૩ નિષ્ણાત ભારતમાં તહેનાત

ઇંડિયન એરફોર્સના ૭ પાઈલટને ઓક્ટોબર ૨૦૧૯થી ફ્રાન્સના બોન્દો મેરિનેક એરબેઝ પર ટ્રેનિંગ અપાઇ રહી હતી. કુલ ૧૫ પાઈલટને તાલીમ અપાશે. આ બધા પાઈલટ અને ઇન્સ્ટ્રક્ટર બંને ભૂમિકા નિભાવશે. દસો એવિયેશનના સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ ફ્રેન્ચ એક્સપર્ટ ભારતીય વાયુદળ માટે જ કામ કરશે. કંપનીએ આ વિમાનોના મેઇન્ટેનન્સ માટે ભારતમાં યુનિટ તૈયાર કર્યું છે. નાગપુરમાં એપ્રિલ ૨૦૧૮થી વિમાનના સ્પેરપાટર્સ બનાવનારી કંપની તુરગીસ ગેલાર્ડના એકમનો પાયો નંખાયો છે. કંપનીના ડાયરેક્ટર પેટ્રીક ગેલાર્ડ કહે છે ડીલ થયા પછી અમે ભારતમાં કામ શરૂ કર્યું હતું. ૧૦ ભારતીય અને ૩૦૦ આંતરરાષ્ટ્રીય સપ્લાયર જરૂરી સામાન ઉપલબ્ધ કરાવશે.

રાફેલની કમાલથી દુનિયા દંગ  

• અલ કાયદા પર હુમલા: ૨૦૦૧માં રાફેલ જેટ ફ્રાંસ એરફોર્સમાં સામેલ થયા એ જ વર્ષે અમેરિકામાં ૯/૧૧ના હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં અલ કાયદા સામે લાદેનના અડ્ડા પર હુમલા શરૂ કર્યા હતા. તે જંગમાં ફ્રાંસે રાફેલ ઉતાર્યા હતાં. લેસર ગાઇડેડ બોમ્બથી સજ્જ રાફેલે તઝાકિસ્તાન અને ફ્રાંસના વિમાનવાહક જહાજ ચાર્લ્સ દ ગોલ પરથી ઉડ્ડયન કરીને અફ્ઘાનિસ્તાનમાં અલ કાયદા અને તાલિબાનના અડ્ડાઓ ઉપર કહેર મચાવ્યો હતો. ચાર વર્ષ સુધી હવાઇ હુમલા કરતા રહીને રાફેલ આતંકવાદીઓની છાવણીઓને તબાહ કરતા રહ્યા હતા.
• ગદ્દાફીના અડ્ડા પર બોમ્બમારો: ૨૦૧૧માં ફ્રાંસ એરફોર્સ અને નેવીએ લીબિયામાં કર્નલ ગદ્દાફીની સેનાની વિરુદ્ધ હુમલો કર્યો હતો. એ સમયે રાફેલે લીબિયાના શહેર બેનગાઝી અને રાજધાની ત્રિપોલી પર હુમલો કર્યો હતો. રાફેલના સ્કૈલ્પ ક્રૂઝ મિસાઇલો, હેમર અને લેસર ગાઇડેડ બોમ્બ સામે ગદ્દાફીની સેના ટકી શકી નહોતી.
• તુર્કીના એરબેઝ પર હુમલો: તાજેતરમાં જ રાફેલ ફઇટર જેટે લીબિયામાં તુર્કીના અલ વાટિયા એરબેઝ પર હુમલો કર્યો હતો. એ હુમલામાં તુર્કીના કેટલાંય વિમાનો, ડ્રોન અને ફ્ક્સિ વિંગ એરક્રાફ્ટ નાશ પામ્યાં હતાં.
• આઇએસ માટે યમદૂત: આફ્રિકાના માલી દેશમાં રાફેલ ફાઇટરોએ ૯.૩૫ કલાક સુધી ઉડતા રહીને ૨૧ આતંકવાદી અડ્ડાનો સફાયો કરી નાંખ્યો હતો. ૨૦૧૪માં ઇરાકના કુખ્યાત આતંકી સંગઠન આઇએસઆઇએસના અડ્ડા પર ભારે બોમ્બમારો કરી તેનો નાશ કર્યો હતો. રાફેલનું મુખ્ય ઘાતક શસ્ત્ર તેની મીટિયોર મિસાઇલ છે, જે દુશ્મનના ફાઇટરને ૧૦૦ કિલોમીટર દૂરથી તોડી પાડી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter