૧૦૦થી વધુ સ્ત્રીઓને સંતાનસુખના નામે ફસાવનાર ‘ઐયાશ બાબા’

Saturday 28th May 2016 08:06 EDT
 
 

બારાબંકીઃ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં ૧૦૦થી વધુ મહિલાઓનું શારીરિક શોષણ કરી તેમના અશ્લીલ વીડિયો ઉતારનારા લંપટ બાબા પરમાનંદની પોલીસે મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાંથી ધરપકડ કરી છે. મહિલાઓના શારીરિક શોષણના વીડિયો બહાર આવ્યા બાદ બાબા આશ્રમમાંથી ફરાર થઈ ગયો હતો. આ બની બેઠેલો બાબા ખાસ કરીને નિઃસંતાન મહિલાઓને પોતાનો શિકાર બનાવતો હતો. સંતાન સુખના નામે તે મહિલાઓને ફસાવી પોતાની શારીરિક ભૂખ સંતોષતો હતો. આ સમયે તે મહિલાઓ સાથેનો અશ્લીલ વીડિયો પણ બનાવી લતો હતો અને પછી તેને બ્લેકમેઇલ કરતો હતો. ‘ઐયાશ બાબા’ તરીકે કુખ્યાત પરમાનંદ સામે હત્યાનો પ્રયાસ, લૂંટ, છેતરપિંડી અને યૌનશોષણના ડઝનબંધ કેસ દાખલ થયા હોવાથી પોલીસે તેની સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરીને સંપત્તિ જપ્ત કરવાની તજવીજ હાથ ધરી છે.

બારાબંકીના દેવા ગામે મા કાલી હરી ધામના નામે રામ શંકર ઉર્ફે પરમાનંદ બાબાનો આશ્રમ છે. કેટલાક દિવસ પહેલા મહિલાઓ સાથે અશ્લીલ હરકતો કરતા બાબાના કથિત એમએમએસ સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. આ પછી તેના કરતૂત બહાર આવ્યા હતા. તે મહિલાઓ સાથેની અંતરંગ પળોના વીડિયો બનાવીને તેમને બ્લેકમેઇલ કરતો હતો અને બાદમાં પીડીત મહિલાઓ પાસેથી નાણા પડાવતો હતો. આમ બાબાની સંપત્તિ અને વગ વધતા ગયા હતા. જોકે બાબાએ પોતાના પર લગાવાયેલા આરોપોને ખોટા ગણાવ્યા છે.

બારાબંકી પોલીસે પત્રકારો સાથેની વાતચીતમાં બાબાની ધરપકડની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, બાબા વિરુદ્ધ આઠ વીડિયો સામે આવ્યા છે જેની તપાસ ચાલી રહી છે. દેવા ક્ષેત્રમાં આવેલા કાલી મા આશ્રમના કથિત સંચાલક રામશંકર તિવારી ઉર્ફે પરમાનંદ મહારાજ સહિત તેના સહયોગી અરવિંદ પાઠકને પણ પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે પરમાનંદના આશ્રમને પણ સીલ કરી દીધો છે. પોલીસે જણાવ્યું હતું કે, બાબા સામે ૧૨ કેસો નોંધાયેલા છે જેની તપાસ કરવામાં આવશે.

યૌનશોષણ કરવાના ગંભીર આરોપસર પકડાયેલા રામશંકર તિવારી ઉર્ફે બાબા પરમાનંદ ઉપર ૧૫ દિવસમાં કુલ ૧૨ કેસ દાખલ થયા છે. પોલીસે બાબા વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરીને સંપત્તિ જપ્ત કરી લેવાની તજવીજ હાથ ધરી છે. બારાબંકીના પોલીસ અધિકારી અબ્દુલ હામિદે કહ્યું હતું કે બાબા પરમાનંદ ઉપર અત્યાર સુધીમાં અલગ અલગ ૧૨ કેસ નોંધાયા છે. બાબાનો એક કથિત વીડિયો વાઇરલ થયો હતો જેમાં તે એક મહિલાનું શારીરિક શોષણ કરતા નજરે પડી રહ્યો હતો. ત્યારબાદ ઘણા લોકો સામે આવ્યા હતા અને બાબા પર છેતરપિંડી કરવાના આરોપો લગાવવા લાગ્યા. ૧૨ મેના રોજ બારાબંકીમાં બાબા વિરુદ્ધ છેતરપિંડી અને આઇટી એક્ટ અંતર્ગત પહેલો કેસ નોંધાયો હતો.

કમ્પ્યુટર એન્જિનિયરે પોલ ખોલી

પરમાનંદની કાળા કરતૂતોનો પર્દાફાશ એ વખતે થયો જ્યારે તેના અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થવા લાગ્યા હતા. જોકે બાબાની આ સચ્ચાઇ સામે લાવવામાં એક કમ્પ્યુટર એન્જિનિયરનું મહત્ત્વનું યોગદાન છે. બન્યું એવું કે, એક દિવસ બાબાનું કમ્પ્યુટર બગડી જતાં તેને રીપેરીંગ કરાવવા માટે એન્જિનિયર પાસે લઈ જવાયું હતું. એન્જિનિયરે કમ્પ્યુટરમાં બધા વીડિયો જોયા ત્યારે તેના હોશકોશ ઊડી ગયા. જોકે, તે પરમાનંદ સામે તો મોઢું ખોલી શક્યો નહીં, પણ તેણે બધા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધા હતા. આ પછી પોલીસ સફાળી જાગી હતી. વીડિયો બહાર આવતાં જ પીડિત મહિલાને પણ હિંમત આવી હતી અને તેણે પરમાનંદ સામે કેસ નોંધાવવાની તૈયારી બતાવી હતી.

મોડસ ઓપરેન્ડી: પૂજાપાઠ અને રેપ

પોલીસે જણાવ્યું હતું કે, બાબા પરમાનંદ મહિલાઓને સંતાન થવાની અને વધુ નાણાં કમાવવાની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવતો હતો. એટલું જ નહીં, તે મહિલાઓને સીસીટીવી કેમેરાથી પસંદ કરતો હતો. જે મહિલા તેને પસંદ આવતી તેને પોતાની પાસે લઇ આવવા કહેતો હતો. જ્યારે મહિલા તેની જાળમાં ફસાઈ જતી ત્યારે તે પૂજાપાઠને નામે રાત્રે તેને આશ્રમમાં બોલાવતો હતો અને એકલતાનો લાભ લઈ તેમની સાથે રેપ કરતો હતો. આ રેપનો વીડિયો ઉતારી તેના કમ્પ્યૂટરમાં સેવ કરીને રાખતો હતો. 
બાબા પરમાનંદે કેટલીક મહિલાઓ પર બે-બે વખત રેપ કર્યો હોવાનું પણ બહાર આવ્યું છે. કોઇ પીડીત મહિલાને પોતે છેતરાઈ હોવાનું ભાન થતું અને બાબાની પાસે જઇને તેને ખુલ્લા પાડવાની ધમકી આપતી ત્યારે બાબા તેના જાતીય શોષણનો વીડિયો બતાવીને તેને બ્લેકમેઇલ કરીને બીજી વાર રેપ કરતો હતો. બદનામીના ડરે મહિલા મજબૂર થઈને બીજી વાર પણ તેના શરણે થતી હતી.

મંત્રવિધિના નામે સ્ત્રીને નિર્વસ્ત્ર કરતો

બાબાના કેટલાક એવા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં તે પોતાની ભૂખ સંતોષવા માટે મહિલાઓને પૂજાપાઠ અને મંત્રવિધિના બહાને એકલી રૂમમાં બોલાવતો હતો અને તેમને નિર્વસ્ત્ર થવાનું કહીને બાદમાં તેમના ગુપ્તાંગો પર હાથ ફેરવતો હતો. આશીર્વાદ આપવાને બહાને તે યુવતીઓ અને મહિલાઓની ભાવનાઓ સાથે રમત રમતો હતો. વીડિયો બન્યા પછી યુવતીઓ અને મહિલાઓ તેની ચુંગાલમાં ફસાઇ જતી હતી. બાબા ભોગ બનનારી સ્ત્રીને વીડિયો બતાવીને બ્લેકમેઇલ કરીને રેપ કરતો હતો. તે આ તમામ વીડિયો રેકોર્ડિંગ એક કમ્પ્યુટરમાં સાચવતો હતો.

ખરડાયેલો ભૂતકાળ

પરમાનંદ પર લૂંટ અને અન્ય કેસોના કુલ નવ ગુનાહિત મામલા નોંધાયેલા છે. બાબા બન્યા બાદ તેણે ગામમાં જ આશ્રમની સ્થાપના કરી હતી. ૧૯૮૯માં તેની વિરુદ્ધ લૂંટ, જાનથી મારી નાખવાનો પ્રયાસ અને છેતરપિંડીના કેસો નોંધાયા હતા. ૨૦૦૭માં તેની સામે છેતરપિંડીના ત્રણ કેસ નોંધાયા હતા. ૨૦૦૮માં લોકોને ડરાવવા, ધમકાવવા અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો કેસ પણ નોંધાયો હતો.

ભક્તગણમાં વગદાર લોકો

બાબા પરમાનંદના ભક્તોની યાદીમાં ઘણા મોટા અધિકારીઓ અને રાજનેતાઓના નામો પણ છે. બાબાના આશ્રમની મુલાકાત લેનારા નેતાઓ અને અધિકારીઓના ફોટા આશ્રમમાં જોવા મળે છે. ભાજપના સાંસદ જગદંબિકા પાલ તથા પૂર્વ મુખ્ય પ્રધાન એન. ડી. તિવારીના પુત્ર રોહિત શેખર સાથે બાબાના ફોટા છે. બાબાએ કેટલીય મહિલાઓના ફોટોગ્રાફ આશ્રમમાં રાખીને એવો દાવો પણ કર્યો છે કે આ સ્ત્રીઓએ તેમના આશીર્વાદથી સંતાનસુખ મેળવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter